મુસાફિર હૂઁ યારો – સાઇકલ મારી સરરર… જાય, દીવ થી ઓખા સાઇકલ પ્રવાસ
By કૌશલ પારેખ ( દીવ ) 9624797422
આજથી કરીબ ચાર વર્ષ અગાઉ એક યુવા સાયકલિસ્ટ કે જે ભારત દર્શન કરવા નીકળ્યો હતો તેને મળીને મને પણ સાઇકલ ચલાવવાનો શોખ જાગ્યો હતો અને બસ તેના થોડા દિવસોમાં જ મેં પણ એક સાઇકલ વસાવી લીધી. શરૂઆતમાં તેને ચલાવવામાં થોડી કઠણાઇ જરૂર પડી પરંતુ ધીમે–ધીમે મેં દર રવિવારે દીવ તથા તેની આસપાસના વિસ્તારો સુધી સાઇકલ પ્રવાસ કરવાનું શરૂ કર્યું. કોરોના સમયમાં બાળકોને ઘરે સાવ બેસાળું જીવન જીવતા જોઈને મને તેઓને પણ સાઇકલ પ્રવાસમાં સાથે લઈ જવાનું મન થયું, અને આ માટેનો પ્રથમ પ્રયાસ મારો પુત્ર દેવ હતો, પરંતુ મને સફળતા ના મળી. ત્યાર પછી મેં દેવના મિત્રોને સમજાવ્યા અને તેઓને રવિવારની સવારે સાયકલિંગમાં જોડ્યા. દેવને પણ ધીમી ગતિ એ સમજાયું અને તે પણ અમારી ટીમમાં જોડાઈ ગયો. અમારી આ ટપૂસેના થોડાજ મહિનાઓ બાદ અઠવાડિયે 10 થી 15 kms ના પ્રવાસને બદલે 50 kms સુધીનો પ્રવાસ કરવા લાગી. દર વર્ષે શિયાળામાં શરૂ થતી અમારી સાયકલિંગ એક્ટિવિટી ઉનાળો શરૂ થતાં બંધ થઈ જતી. આ દરમિયાન ઘણીવાર એવું પણ થતું કે બધાએ સવારે સાઇકલમાં આવવાનો વાયદો કર્યો હોય તો પણ સવારે કોઈના આવતું ! પરંતુ હું મારો ક્રમ જાણવી રાખતો. નાના બાળકો સાથે શરૂ કરેલ મારા ગ્રૂપમાં અંદાજે 25 બાળકો જોડાઈ ગયા હતાં, પરંતુ કોવિડ બાદ શાળાઓ ખૂલતાં જ બાળકોનું આવવાનું તદન બંધ થઈ ગયું ! શિયાળાના વેકેશનને બાદ કરતાં બાકીના રવિવારે મોટેભાગે હું એકલો જ સાયકલિંગમાં નીકળતો. સોશિયલ મીડિયાના માધ્યમ થકી અમારી ગ્રૂપ એક્ટિવિટીના પ્રચારને કારણે ધીમે ધીમે યુવાનોમાં પણ સાયકલિંગ કરવાનો ઉત્સાહ વધ્યો અને તેઓ પણ અમારા ફિટ ઈન્ડિયા ગ્રૂપમાં જોડાવા લાગ્યા. હાલ અમારા ગ્રૂપમાં કુલ 125 જેટલાં મેમ્બરો છે. થોડા મહીના અગાઉ અમારા ગ્રૂપના 7 મેમ્બરોએ દીવ થી સોમનાથ નો કુલ 200 kms નો સફળ પ્રવાસ કર્યો હતો. આ ટ્રીપ થકી અમારો ઉત્સાહ અને કોન્ફિડન્સ ખૂબજ વધ્યો અને આજ અનુભવ થકી અમારા ગ્રૂપ ના 9 સદસ્યોએ જેમાં 8 પુરુષ અને એક 65 વર્ષના મહિલાએ દીવ થી બેટ દ્વારકા (ઓખા) સુધી અંદાજે 450 kms નો સફળ પ્રવાસ પૂર્ણ કર્યો. આખી યાત્રા દરમિયાન અમે લોકોને તંદુરસ્ત રહેવાનુ તેમજ યુવાનોને ડ્રગ્સ થી દૂર રહેવાનો સંદેશો પણ આપ્યો.
દીવથી ઓખા સાઇકલ પ્રવાસ દરમિયાન અમે ગુજરાતના સહુથી લાંબા ગણતાં કોસ્ટલ નેશનલ હાઇવે ઉપરથી પસાર થયા. આ માર્ગ અતિ રમણિય છે. અહીં ખૂબજ સુંદર પર્યટન સ્થળોની સાથે ધાર્મિક સ્થળો પણ આવેલા છે, જે મોટાભાગના લોકો પોતાના કાર પ્રવાસ દરમિયાન સમયના અભાવે જોવા જવાનું ટાળી દે છે. આ માર્ગે ખાસું મહત્વ ધરાવતી જગ્યાઓ માં 1) DHA મેમોરિયલ –ધીરુભાઈ અંબાણીનું જન્મ સ્થળ ચોરવાડ, 2) હવા મહલ,ચોરવાડ – અહીં અંગ્રેજોના જમાનાનો દરિયાના પાણીનો હોજ સમુદ્ર કાંઠે આવેલ છે, 3) રસ્તાની બંને બાજુ જોવા મળતા નારિયાળીના ઊંચા વૃક્ષો અને લીલા છમ્મ ખેતરો, 4) માંગરોળનો મચ્છી ઉધ્યોગ, 5) માધવપુરનું કાચબા ઉછેર કેન્દ્ર અને વર્લ્ડ ફેમસ માધવપુર બીચ, 6) ઓશો આશ્રમ, માધવપુર, 7) દરિયાને કિનારે આવેલ માધવરાયની હવેલી તથા 12 સદીનું જૂનું મંદિર જ્યાં ભગવાનની બે પ્રતિમાઓ છે. સામાન્ય રીતે ચતુર્ભુજ મુદ્રામાં ભગવાનના બે હાથ ઉપર અને બે હાથ નીચે હોય એવી પ્રતિમા આપણે જોતાં હોઈએ છીએ પરંતુ અહીં ભગવાનના ત્રણ હાથ ઉપર છે! 8) મોચા હનુમાન – અહીં 30 વર્ષથી હનુમાનજીની પૂજા એક જર્મની દેશની ફોરેનર સ્ત્રી કરે છે, 9) સમુદ્રને કાંઠે આવેલ રંગબાઈ માતાનું મંદિર, 10) સમુદ્રના કાંઠે આવેલ હરસિદ્ધિ માતા મંદિર, 11) શિવરાજપૂર બીચ જેવા અનેક ખૂબસૂરત સ્થળો આવેલ છે જેને જોવાનો અમને લાભ મળ્યો.
અમારો આખો સાઇકલ પ્રવાસ ખુબજ ઓછા ખર્ચે પૂર્ણ થયો. અમને દરેક જગ્યાએ નાઈટ હોલ્ટ માટે ફ્રી માં રહેવા તથા જમવાની વ્યવસ્થા મળી હતી. માંગરોળ ખાતે તો ખારવા સમાજ દ્વારા અમારી ટીમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રસ્તામાં નાના મોટા વિઘ્નો તો જરૂર આવ્યા હતાં, પરંતુ તેને હસ્તે મોઢે સહન કરવાનું અમે શિખ્યું. ઘરે દરેક સુખ સગવડો વચ્ચે રહેતા હતા એ ભૂલીને અહીં નાની મોટી તકલીફો વચ્ચે રહેવાનુ શિખ્યા. કોઈ નાની અમથી વાતને કારણે મિત્ર સાથે તું–તું મેં–મેં થવા હોવા છતાં દરેક ભૂલ–ચૂક માફ કરીને સફર આગળ વધારવનું શિખ્યા. અજાણી વ્યક્તિઓ સાથે મિત્રતા કેળવવાનું શિખ્યા. એકબીજાની તકલીફોમાં સાથ આપવાનું શિખ્યા….. આ દરેક વાત ભલે નાની લાગતી હોય, પરંતુ વ્યક્તિના સાચા વિકાસ ઘડતરમાં ખુબજ જરૂરી જ્ઞાન છે. જો હું આપને મારો પોતાનો જ સાઇકલ ચલાવવાનો અનુભવ કહું તો સાયકલિંગ એક એવી એક્ટિવિટી છે જેમાં શરીરની ખુબજ સારી કસરત થઈ જાય છે. કસરતની સાથે સાથે ફ્રી માં લાંબા અંતર સુધી ફરવાનું પણ થઈ જાય છે. લાંબી મુસાફરીમાં ખૂબજ ઓછી વસ્તુઓ વિના ચલાવવાનું શીખવા મળે છે. લાંબી મજલ કાપ્યા બાદ એક અનેરો જુસ્સો, ખુશી અને ઉત્સાહની અનુભૂતિ થાય છે. જ્યારે આપણે આપણાં મિત્રો સાથે ગાડીમાં પ્રવાસ કરીયે છીએ ત્યારે આપણે મિત્ર સાથે ઓછા અને મોબાઈલ સાથે વધુ રહીએ છીએ જે સાયકલિંગમાં બિલકુલ શક્ય નથી. સાઇકલ ચલાવતી વખતે આપણે હમેશાં આપણાં મિત્રોને ન્યાય આપીશું.
હાલની તારીખે અમારા ફિટ ઈન્ડિયા ગ્રુપે ગુજરાતમાં તેમજ અમારા વિસ્તારમાં ખૂબ સારી કિર્તિ મેળવી છે. હવે અમે રવિવારના દિવસે પરિવાર સાથે સાયકલિંગ કરવાનું પણ શરૂ કર્યું છે. જેથી માતા–પિતા પોતાના સંતાનો સાથે સાયકલિંગ તો કરે પરંતુ એક ઉત્તમ સમય પોતાના સંતાનો સાથે પણ વિતાવે. રવિવારનો દિવસ ફક્ત આળસ કરીને મોડા ઉઠવામાં નહીં પરંતુ પરિવારના સભ્યો સાથે કસરત કરવામાં વિતાવવાનો સંદેશો અમે ઘર ઘર સુધી પહોંચાડવા માંગીએ છીએ. આજ દોડભાગ વાળા અને અતિવ્યસ્ત ગણાતા જીવનમા ભવિષ્યમાં વ્યક્તિનું શારીરિક અને માનસિક સ્વસ્થ્ય ખૂબજ જરૂરી ભાગ ભજવશે માટે આ લેખ વાંચનારા મારા દરેક વાંચકોને મારી અપીલ છે કે આપ પણ પોતાના સ્વસ્થ્ય માટે જાગૃત બનો અને પોતાના રોજિંદા જીવનમાં યોગ,વ્યાયામ, સ્વિમિંગ અને સાયકલિંગને અપનાવો. દેશના સારા ભવિષ્ય માટે એક આદર્શ નાગરિક બનો.
great job guys. keep up the good work
Thanks on behalf of FIT India Group And Kaushalbhai