મુસાફિર હૂઁ યારો–ખીચન બર્ડ સેન્ચુરી (રાજસ્થાન) By Kaushal Parekh

Spread the love
Reading Time: 3 minutes

            થોડા સમય પહેલાં મારા એક મિત્રના આગ્રહને માન આપી મારે રાજસ્થાન પોખરણ નજદીક આવેલ ખીચન પક્ષી અભ્યારણની મુલાકાતે જવાનું થયું હતું. આ સફર માટે મેં પ્રથમ જોધપુર સુધી અમદાવાદથી ટ્રેન મારફતે પહોચવાનું નક્કી કર્યું. જોધપુર પહોચતાં અંદાજે બપોરના બે વાગી ગયા હતા એટ્લે ઝટ-પટ શક્ય એટલું વધુ જોધપુર સિટીને ફરી લેવાનું વિચાર્યું હતું. તે માટે અમે સ્ટેશનથી નીકળીને અહીનો વિખ્યાત મહેરાનગઢ કિલ્લો અને મંદોર ગાર્ડન જોઈ સાંજના રાજસ્થાની સ્પેશિયલ દાલબાટી અને ચુરમાની લહેજત માણી. રાત્રિના એક હોટેલમાં રોકાણ બાદ સવારે અહીની જગપ્રખ્યાત જનતા સ્વીસ્ટ્સ ખાતે મિર્ચીવડા, જલેબી અને વિવિધ મીઠાઈઓનો સ્વાદ માણ્યા બાદ અમે ઉમેદ ભવનની મુલાકાત પણ લીધી. મહેરાનગઢ કિલ્લા ઉપરથી બ્લૂ સિટી તરીકે ઓળખાતા જોધપુર શહેરનો નજારો અદભૂત હતો. આ શહેરની ટૂંકી મુલાકાતપણ જીવનભરનું સંભારણું બનીને રહી ગઈ.       

            બપોરે અમે જોધપુરથી રવાના થઈ અને ખીચન બર્ડ સેન્ચુરી જવા નીકળી ગયા. જોધપુર થી ખીચન અંદાજે 143 કિમી દૂર છે. રાજસ્થાનના સ્ટેટ હાઇ-વેના રસ્તાની પહોળાઈ પ્રમાણમા નાની ભલે હોય  પરંતુ ખૂબજ સારા હોવાથી સફરમાં જરા પણ કંટાળો ના આવે. અર્ધસફરે અમે એક ધાબા ઉપર જમવા માટે રોકાયા હતા અને અહીનું દેશી કેરડાનું શાક, દહી તીખારી, ભાખરી અને લસ્સી(છાશ) જમ્યા બાદ આગળનો પ્રવાસ શરૂ કર્યો. અંદાજે 5.30 વાગ્યા આસપાસ અમે ખીચન પહોચીને સીધા અહીના તળાવ પાસે આવેલ ટુરિસ્ટ પોઈન્ટ ઉપર ગયા. બસ અહી પહોચતાંની સાથે એક સાથે 500 કૂંજ પક્ષીઓના ટોળાએ કલરવ કરતાં ઉડાન ભરીને અમારું સ્વાગત કર્યું. આહ…. શું નજારો છે! એવા શબ્દો તરતજ મારા મોંઢા માંથી સરી પડ્યા. અમે વધુ એક કલાક અહી બેસીને આ ડોમિસાઈલ પ્રજાતિ ના કૂંજ પક્ષીઓને નિહાળ્યા બાદ અહીથી અંદાજે 25 કિ.મી દૂર જાંબા ખાતે અમારા રાત્રિ નિવાસના સ્થળે રવાના થયા.     

            જાંબા ખાતે બિશનોઈ સમાજના ધર્મગુરુ શ્રી જામ્બેશ્વર મહારાજનું ખુબજ સુંદર મંદિર આવ્યું છે. અહી મંદિરની બાજુમાં એક તળાવ છે. રણવિસ્તાર હોવાને લીધે રેતીના ડુંગર અને ખુલ્લા વિસ્તાર સિવાય કશું જ જોવાના મળે. રણ વિસ્તાર હોવાને લીધે અહી ખેતીલાયક જમીનની અછતને કારણે માનવ વસ્તીપણ ખૂબ જૂજ વસે છે. અહી શિયાળામાં સવારે પડતી ઝાકળને કારણે તડકો આવતા રેતી ઉપર એક આછા મીઠાંની ચાદર પથરાઈ ગઈ હોય એવું લાગે. આ મીઠાં આરોગવાથી કૂંજ પક્ષીઓને પ્રોટીન પ્રાપ્ત થતું હોવાથી અંદાજે 30 હજારથી પણ વધુ ડોમિસાઈલ ક્રેન (કૂંજ) છેક સાઇબીરિયાથી રાજસ્થાનના આ વિસ્તાર સુધીનો હજારો કિલોમીટરનો પ્રવાસ ખેડીને આટલે દૂર 4 મહિના ( નવેમ્બર થી ફેબ્રુઆરી ) માટે આવી ચઢે છે.

            અમારો ઉતારો અહી આવેલ હરિયાણા ભવન ખાતે હતો. આટલો દુર્ગમ વિસ્તાર છતાં પણ અહી રહેવાની અને જમવાની ઉતમ વ્યવસ્થાઓ હતી. અહી ઉતારા દરમિયાન મેં લોકલ મિત્રો સાથે મળીને દેશી હળદરનું શુદ્ધ ઘીમાં શાક બનાવ્યું હતું જેનો સ્વાદ આજની તારીખે પણ મારી સ્વાદેન્દ્રિયમાં છે. 

            બે દિવસના રોકાણમાં દરરોજ સવારે આ પક્ષીઓને નિહાળવા અમે ખીચન ખાતે આવેલ સેવારામ માલીના ઘરે પહોચી જતાં. સેવારામ માલી છેલ્લા 30 વર્ષથી આ માઈગ્રેટેડ પક્ષીઓનો રેકોર્ડ રાખે છે, તેઓને પૂરતો ખોરાક મળી રહે એ માટે નિયમિત ચણ નાખે છે અને ધાયલ કે બીમાર પક્ષીઓની દેખભાળ કરે છે. સેવારામ માલીના ઘરની બાજુ માં આવેલ ખુલ્લી જગ્યામાં આ પક્ષીઓ ખલેલ વગર શાંતિથી ચરી શકે એ માટે આ એરિયાને ફેન્સિંગ કરીને સુરક્ષિત કરી નાખવામાં આવ્યો છે. મોટી મોટી જૈન સંસ્થાઓ અને સ્થાનિક લોકો દ્વારા નિયમિત આ મહેમાનોની દેખભાળ માટે ફંડ ફાળો પણ પહોચડવામાં આવે છે. દરરોજ વહેલી સવારે વિદેશીઓ, સેલિબ્રેટીઓ, સરકારી અધિકારીઓએ કે પર્યટકોનો જમાવડો આ પક્ષીઓની ગતિવિધિઓને નિહાળવા સેવારામ માલીની છત ઉપર પહોચી જાય છે. જેવુ નામ એવા ગુણ સમાન સેવારામ સાહેબ પણ વિના કોઈ ભેદભાવ દરેક લોકો સાથે વિસ્તૃત સંવાદ કરે છે તદુપરાંત રેડિયો કોલર મશીન દ્વારા દૂરથી કેટલા પક્ષીઓનું ઝૂંડ આવે છે એ પણ જણાવી આપે છે. પોતાને ઘરે પધારેલ મહેમાનો માટે નિશુલ્ક ચા-પાણી ની વ્યવસ્થા પણ પોતે સ્વખર્ચે ભોગવે છે. ગયા વર્ષે પદ્માવિભૂષણ એવોર્ડ માટે સેવારામ માલીનું નામ પણ રાજસ્થાન સરકાર દ્વારા મોકલવામાં આવ્યું હતું. અંગ્રેજી ભાષાના વિવિધ ખ્યાતનામ આંતરરાષ્ટ્રીય સામયિકો અને અખબારો દ્વારા સેવારામ માલી વિષેના લેખો પણ પ્રકાશિત થયા છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મંચ ઉપર એવોર્ડ આપીને તેમણે સન્માનીત પણ કરવામાં આવ્યા છે.

            સવારનો સૂર્યોદય અને ગરમ ચાની ચૂસકીના સ્વાદ સાથે થોડી-થોડી વારે આવી પડતાં કૂંજ પક્ષીઓના નાના-મોટા જુંડનું લેંડિંગ અને ટેકઓફની સાથે કરતાં કલરવથી આખું આકશ ગુંજી ઊઠે છે. આખા ખીચન ગામનું આકાશ ઉપર કૂંજ પક્ષીઓથી છલકાઈ જાય છે. અહી ભરપેટે જમ્યા બાદ આ પક્ષીઓ જાંબા અને આસપાસના ખુલ્લા વિસ્તારની રેતી ઉપર જામેલ મીઠાંને આરોગવા ધામા નાખે છે. આ પક્ષીઓને એક્સાથે આટલા મોટા પ્રમાણમાં અને નજદીકથી જોવાનો લાહવો કઇંક અનોખો જ હતો.       

આ લેખ લખતી વખતે ખીચનના મારા અનુભવો મને ફરીથી તેના તરફ ખેંચતા હોય તેવો અહેસાસ થાય છે. આપ પણ સમય કાઢી એકવાર આ અભ્યારણની મુલાકાત અવશ્ય લેજો એવો મારો અભિપ્રાય છે.

  • કૌશલ પારેખ, દીવ ( +91 9624797422 )
  • (લેખક જાણીતા પ્રવાસધામ દીવ ખાતે રહે છે. તેઓ વ્યવસાયે એકાઉન્ટન્ટ છે. તેઓ ફરવાના ખૂબ શોખીન છે. તેઓ સારા લેખક અને વાંચક પણ છે. તેઓ દિવ ખાતે બુક ક્લબ નામે સંસ્થા ચલાવે છે)
error: Content is protected !!