મુસાફિર હૂઁ યારો – નર્મદા પંચ કોશી પરિક્રમાં યાત્રા

Spread the love
Reading Time: 3 minutes
  • કૌશલ પારેખ દીવ ( 9624797422 )

            આપણાં ભારત દેશ પાસે વૈવિધ્યપૂર્ણ સંસ્કૃતિ અને પરંપરાઓનો અમુલ્ય વારસો છે. આ વારસા થકીજ આપણાં હિન્દુ ધર્મમાં એવી અનેક પૌરાણિક પરંપરાઓ હજુ પણ નિષ્ઠાભાવ સાથે નિભાવવામાં આવે છે. આવીજ એક પરંપરા નું નામ છે નર્મદા પંચ કોશી પરિક્રમાં”. પશ્ચિમ ભારતમાં વહેતી અનેક નદીઓમાં જેનું સ્થાન મોખરે છે તેવી પવિત્ર નર્મદા નદીની ફરતે પરિક્રમાં કરવાનો રિવાજ ઋષિમુનિઓના કાળથી પ્રચલિત છે. આખા ભારતમાં ફક્ત નર્મદા નદી એકજ એવી નદી છે કે જેની પરિક્રમા કરાય  છેસામાન્ય રીતે બધી નદીઓની દક્ષિણ દિશા તરફ વહીને સમુદ્રમાં સમાય જતી હોય છે, જ્યારે નર્મદા એકજ નદી એવી છે જેની વહેવાની દિશા ઉલ્ટી છે મતલબ કે તે ઉતર દિશા તરફ વહે છે. આ કારણથી તેનું બીજું નામ ઉતરવાહીની પણ છે. તેની આ ખાસયત જ તેને વિશેષ દરજ્જો આપે છે. આ નદીની લંબાઈ કુલ 1312 કી.મી છે. મધ્યપ્રદેશ રાજ્યના અમરકંટક પર્વત ઉપર તેનું ઉદગમ સ્થાન છે અને તેનો સાગર સંગમ ગુજરાત રાજ્યના ભરુચ શહેરના અખાતમાં થાય છે.

            ભારત દેશની સહુથી પવિત્ર ગણાતી નદી ગંગા તપોભૂમિનું સ્વરૂપ છે જ્યારે નર્મદા નદી વૈરાગ્યનું. હિન્દુ શાસ્ત્રો મુજબ ગંગા નદીમાં સ્નાન માત્રથી, યમુના નદીના આચમન માત્રથી જેટલું પુણ્ય પ્રાપ્ત કરી શકાય એટલુજ પુણ્ય નર્મદા નદીના દર્શન માત્રથી મળે છે. નર્મદા દર્શન માત્રથી મનુષ્યોના દરેક પાપો નો વિનાશ થાય છે. આવા અનેક કારણો થકીજ નર્મદા નદી પૂજાય છે. નર્મદા નદીની આખી પરિક્રમા યાત્રા કુલ 3500 કિમી લાંબી છે. આ પરિક્રમાં યાત્રા અમરકંટકથી શરૂ કરીને ભરુચ સુધી અને પરત ભરુચથી લઈને અમરકંટક સુધીની લાંબી સફર ખેડવાની રહે છે જે ઓછા સમયના બંધનમાં પૂરી કરી નથી શકાતી. આખી પરિક્રમા પગપાળા ચાલીને પૂરી કરવા માટે કુલ 3 વર્ષ 3 મહિના 30 દિવસ 30 કલાક અને 30 મિનિટનો સમય લાગે છે. દર વર્ષે ચૈત્રી માસ દરમિયાન પંચ કોશી પરિક્રમા કરવાનું ચાલુ થાય છે. આ યાત્રા કુલ 24 કિમીની હોવાથી ફક્ત એકજ દિવસમાં પગપાળા ચાલીને પૂરી કરી શકાય છે. આજ કારણસર વધુમાં વધુ શ્રદ્ધાળુઓ પંચ કોશી પરિક્રમા યાત્રામાં વધુ પ્રમાણમાં જોડાય છે. એવું માનવમાં આવે છે કે જ્યાં સુધી માં નર્મદાનો હુકમ ના થાય ત્યાં સુધી આ યાત્રામાં કોઈપણ જોડાઈ શકતું નથી એવું જ કઈ મારી સાથે પણ થયું! હું ખુદ બે વર્ષથી આ યાત્રામાં જોડાવા ઈચ્છતો હતો પરંતુ આ વર્ષે મને માં નો હુકમ થયો અને હું આ યાત્રાએ જઈ શક્યો.

            ચૈત્ર મહિનામાં ચાલુ થઈ આ પરિક્રમા કુલ 21 દિવસ ચાલે છે. આ યાત્રાની શરૂઆત નર્મદા જિલ્લાના રામપૂરા ગામના કીડી માકોડી ઘાટથી વહેલી સવારે 4-5 વાગ્યા આસપાસ ચાલુ થાય છે. આ પગપાળા યાત્રા કીડી માકોડી ઘાટથી તપોવન, રામાનંદ આશ્રમ, સીતારામ આશ્રમથી નાવડીમાં બેસીને નર્મદા નદી પાર કરીને તિલકવાડાના મણિ નાગેશ્વર મંદિરથી ફરીને રેંગણ ગામના કામનાથ મહાદેવ, થઈ સાંજરોલીથી ફરી પાછા નાવડીમાં બેસીને ફરીથી રામપુરાના કીડી માકોડી ઘાટે અતિ હર્ષોલ્લાસ અને ગરબાની રમઝટ સાથે પૂર્ણ થાય છે. આમ આ પગપાળા યાત્રા ફક્ત 5 થી 6 કલાકના નિયત સમયમાં પૂર્ણ કરી શકાય છે. રસ્તામાં ઠેર ઠેર યાત્રીઓ માટે ઉતારા, શૌચાલયો, આરોગ્ય કેન્દ્રો અને અન્ન ભંડારાઓ દિવસરાત ચાલુ રહે છે. દેશભાર માંથી હજારો શ્રદ્ધાળુઓ આ યાત્રામાં હર્ષ અતિ હર્ષોઉલ્લાસ સાથે જોડાય છે.

            યૂથ હોસ્ટેલ ઓફ ઈન્ડિયા, વડોદરા યુનિટ દ્વારા આયોજિત એક દિવસીય પંચ કોશી પરિક્રમાં સાઇકલ દ્વારા કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ 31 વ્યકિતઓએ આ યાત્રામાં ભાગ લીધો હતો. અમે નર્મદા જિલ્લામાં આવેલ પોઈચા ગામ ખાતેના જગપ્રસિદ્ધ નીલકંઠધામથી આ યાત્રા સવારે 4 વાગ્યે સાઇકલ દ્વારા શરૂ કરી હતી. અમારી ટિમએ કુલ 80 કિમીનું અંતર કાપીને આ યાત્રા અંદાજે 7 કલાકમાં વગર વિઘ્ને સુંદર રીતે પૂર્ણ કરી. મારી આ યાત્રામાં હું અને મારો પુત્ર દેવ સાથે જોડાયા હતા. રસ્તામાં ચાલતા ભંડારાઓમાં સેવકો શ્રદ્ધાળુઓના હાથ પકડીપકડીને ગરમા ગરમ ભોજન વાનગીઓ, ચાપાણી, નાસ્તા, ફળાહાર જમાડતાં જોઈને મને આપણાં દેશની આધ્યાત્મિક પરંપરાઓ અને પ્રજાવાત્સલ્ય માટે વિશેષ ગર્વ થયો. આપ સહુને પણ જીવનમાં એકવાર આ આધ્યાત્મિક પંચ કોશી પરિક્રમાં યાત્રા  કરવા જવાનો માં નર્મદાનો હુકમ થાય તેવી મારી ઈશ્વરને પ્રાર્થના.

            મારી નવીનવી મુસાફરીઓનો દોર તો ચાલુ જ રહેશે પણ મારા આ સફર દરમિયાન આપ વાચકોએ મને જે અપાર પ્રેમ આપ્યો અને મારીમુસાફિર હું યારો કૉલમને ખુબજ સારો પ્રતિસાદ આપ્યો  એ બદલ હું મારા અંત:કરણ પૂર્વક આપસહુ વાચકોનો વિશેષ આભાર માનું છું.

error: Content is protected !!