Spread the love
Reading Time: 3 minutes

કુદરતી  ન્યાય (Natural justice)

-By અલ્કેશ જાની

  1. Natural justice જેનું માન્ય ગુજરાતી અનુવાદ ‘કુદરતી ન્યાય’ થાય છે. આમ તો આ વિષય બહુ વિશાળ હોય ઘણા લેખ અને પુસ્તકો લખાયા છે પણ આ લેખ લખવાનો હેતુ જે જાણે છે તેમને તાજુ કરાવવાનું અને જે નવા, શિખાઉ માટે તે સારી શરૂઆત હોઈ શકે છે. કુદરતી ન્યાયના સિદ્ધાંતો દરેક સભ્ય સંસ્કૃતિમાં સર્વમાન્ય છે. આમાં કોઈ લખાયેલા નિયમો/સિદ્ધાંત નથી. કુદરતી ન્યાય કાયદાના અભ્યાસક્રમમાં પણ દાખલ કરવામાં આવ્યું છે જે તેનું મહત્વ દર્શાવે છે. આમ તો કુદરતી ન્યાય દરેક કાયદાને લાગુ પડે છે અહીં આપણે મુખ્ય ચર્ચા જીએસટીને લગતા કાયદાને જ ધ્યાનમાં રાખીને કરીશું.
  2. “કુદરતી ન્યાય” અને “કાનૂની ન્યાય” શબ્દપ્રયોગ જડબેસલાક વર્ગીકરણ કરતા નથી. બંનેનો હેતુ ન્યાયને સુરક્ષિત રાખવો છે. જ્યારે પણ કાનૂની ન્યાય આ ગૌરવપૂર્ણ હેતુ પ્રાપ્ત કરવામાં નિષ્ફળ જાય છે, ત્યારે કુદરતી ન્યાય, કાનૂની ન્યાયની સહાયતા માટે આવે છે. કુદરતી ન્યાય આદર્શો અને માનવ મૂલ્યો પર આધારિત છે. માનવ મૂલ્ય આધારિત હોય તેમાં ઉદારતા જોવા મળે છે. સામાન્ય બુદ્ધિને કુદરતી ન્યાયનું બીજું નામ કહી શકાય. કુદરતી ન્યાય બિનજરૂરી તકનીકી, વ્યાકરણની પંડિતાઈ અથવા તાર્કિક વાક્છળથી કાનૂની ન્યાયને મુક્ત કરે છે. તે ઘડવામાં આવેલા કાયદાની ભૂલોને સૂધારા પૂરા પાડે છે. કાનૂની ન્યાય આપતા પહેલા કુદરતી ન્યાયના સિદ્ધાંતને અનુસારવું જરૂરી છે.
  3. કુદરતી ન્યાય એ જાહેર કાયદાની એક શાખા છે. તે એક પ્રચંડ શસ્ત્ર છે જેનો ઉપયોગ નાગરિકોને ન્યાય મેળવવા માટે કરી શકાય છે. કુદરતી ન્યાયના નિયમો એ “મૂળભૂત મૂલ્યો” છે જેને મનુષ્યે યુગોથી પાળીપોષીને ઉછેર કેરેલો છે. સુવર્ણ નિયમ જે નિશ્ચિતપણે સ્થાપિત થાય છે કે સ્વાભાવિક ન્યાયનો સિધ્ધાંત ફક્ત ન્યાય સુરક્ષિત કરવા માટે જ નથી પરંતુ ન્યાયના ખોટા વિફળતાને રોકવા માટે છે. આપેલ પરિસ્થિતિમાં સારી વિવેકબુદ્ધિ છે; વધુ કંઈ નહીં – પણ કંઇ ઓછું નહીં.
  4. પ્રખ્યાત કેસ કૂપર વિ. વોન્ડસવર્થ બોર્ડ ઓફ વર્કસમાં પવિત્ર બાઇબલમાથી શ્રેષ્ઠ ઉદાહરણ આપવામાં આવ્યું હતું કે ઈશ્વરે ખુદ (આદમને) પૂછ્યું હતું કે “જે વૃક્ષનાં ફળ ખાવાની મેં મનાઈ કરી હતી તે વૃક્ષનાં ફળ તેં ખાધાં તો નથી ને?”
  5. ઉપર આપેલા ઉદાહરણને જો બારીકાઈથી સમજીએ તો એવું કહી શકાય કે ઈશ્વરે આદમને (મૌખિક) નોટિસ આપી. પહેલો સિદ્ધાંત આવે છે કે કોઈપણ પ્રતિકૂલ ઓર્ડર પસાર કરતા પહેલાં વ્યક્તિને નોટિસ આપવી (જાણ કરવી) જરૂરી છે. મુખ્ય સિદ્ધાંત કે જેને સામાન્ય રીતે “ઓડી અલ્ટરમ પાર્ટેમ” (audi alteram partem) નિયમ તરીકે ઓળખવામાં આવે છે, આ એક લેટિન શબ્દ સમૂહ છે, તેનો સામાન્ય અર્થ થાય છે કે “બીજી બાજુ સાંભળો અથવા બીજી બાજુ પણ સાંભળવા દો”. આ સિદ્ધાંતનું પહેલું પગલું નોટિસ આપવી એટલે કે જાણ કરવી છે.
  6. હવે પ્રશ્ન થાય કે શું નોટિસ આપવાથી કુદરતી ન્યાયના સિદ્ધાંતનું પાલન થાય છે? જવાબ છે ના ! કારણ કે નોટિસ આપવી કે જાણ કરવી એ પહેલું પગલું છે, પણ નોટીસ બહુ જ ચોક્કસ અને સ્પષ્ટ હોવી જોઈએ. નોટિસમાં આપેલી વિગતો બહુ જ ચોક્કસ હોવી જોઈએ અને સ્પષ્ટ પણ હોવી જોઈએ જેમકે વ્યક્તિએ શું કરવાનું હતું અને શું નથી કર્યું અથવા શું નહોતુ કરવાનું અને શું કર્યું છે તેની વિગતો સ્પષ્ટ હોવી જોઈએ. જો જીએસટી કાયદાની વાત કરીએ તો નોટિસમાં કઈ કલમ/ નિયમનું પાલન નથી થયું અથવા તો કઈ કલમ/ નિયમનો ભંગ થયો છે તે બહુ જ ચોક્કસ હોવો જોઈએ અને કલમ પણ પેટાકલમની સાથે ચોક્કસ કરેલી હોવી જોઈએ. ઉદાહરણ તરીકે “…કલમ 16(2)(b) મુજબ પુરવઠો મળ્યા પછી જ વેરા શાખ લઇ શકો છો જ્યારે એવું જાણમાં આવ્યું છે કે તમે જે ઇન્વોઇસ પર વેરા શાખ લીધેલ છે તેનો પુરવઠો તમને મળ્યો નથી. જેથી તમે જીએસટીની કલમ 16(2)(b)ની જોગવાઈનું પાલન કરેલ નથી …”.
  7. કુદરતી ન્યાયનો સિદ્ધાંત એવું કહે છે કે પોતાનો બચાવ કરવા માટે પૂરતી તક આપવી ઉપરના ઉદાહરણમાં ઈશ્વરે આદમને પોતાનો બચાવ કરવાની તક આપી. લોર્ડ બકમાસ્ટરે કહ્યું તેમ, કોઈપણ પ્રક્રિયાને ક્યારેય વાદીના બચાવની રજૂઆતને બાકાત રાખવાની મંજૂરી આપવી જોઈએ નહીં. કુદરતી ન્યાયના સિદ્ધાંતમાં પૂરતી તક અને પૂરતી તક ત્યારે જ ગણાય જ્યારે પૂરતો સમય આપવામાં આવે, તેથી પૂરતો સમય પણ આપવો જરૂરી છે. આપણે કોઈપણ નોટિસ જોઈશું તો તેમાં પૂરતો સમય આપવામાં આવે છે જેમ કે 30 દિવસમાં જવાબ રજુ કરવો.. છતાં જો વધુ સમય જોઈતો હોય તો પણ ઉદાર ભાવે તે મંજૂર રાખવામાં આવે છે, આ એક પ્રકારનું કુદરતી ન્યાયના સિદ્ધાંતનું પાલન કર્યું કહેવાય. મૂળ સાર એ પૂરતી તક આપ્યા સિવાય એક તરફી નિર્ણય ન લઈ શકાય.
  8. ઉપરના ઉદાહરણમાં જોઇએ તો ઈશ્વરે પણ આદમને સાંભળવાની તક આપી જેથી આદમ પોતાના બચાવમાં જવાબ રજૂ કરી શકે. આ પણ એક કુદરતી ન્યાયનો સિદ્ધાંત છે. જો તેનું થોડુંક વિશ્લેષણ કરવામાં આવે તો આપણને ખ્યાલ આવશે કે આનાથી જે આરોપી છે તેણે કયા સંજોગોમાં અને કઈ પરિસ્થિતિમાં આવું કર્યું છે જેને અંગ્રેજીમાં ‘gravity of offence’ કહે છે એટલે કે ગુનાની ગંભીરતાનો ખ્યાલ આવે. કુદરતી ન્યાયનો સિદ્ધાંત એવું કહે છે કે વ્યક્તિને પોતાનો પક્ષ રજૂ કરવાની પૂરતી તક અને સાંભળવાની તક આપવી જરૂરી છે.

ઉપર આપેલા ઉદાહરણ અને ચર્ચાના સાર મુજબ કુદરતી ન્યાયના સિદ્ધાંતો નીચે મુજબ કહી શકાય

કોઈપણ પ્રતિકૂલ ઓર્ડર પસાર કરતા પહેલાં વ્યક્તિને નોટિસ આપવી (જાણ કરવી) જોઈએ

નોટિસમાં આપેલી વિગતો બહુ જ ચોક્કસ અને સ્પષ્ટ હોવી જોઈએ

પોતાનો બચાવ કરવા માટે પૂરતી તક આપવી જોઈએ

પૂરતો સમય આપવામાં આવે

સાંભળવાની તક આપવી જોઈએ

આમ તો આ વિષય ઉપર ઘણું બધું લખી શકાય એમ છે અને લખાયું પણ છે. આ લખવાનું કારણ વિષય તરફ વાંચકોનું વિશેષ ધ્યાન આકર્ષિત કરવાનું છે.

આભાર

(લેખક જી.એસ.ટી. નિષ્ણાંત છે અને તેમના જી.એસ.ટી. તથા કાયદાના વિવિધ વિષયો ઉપરના બ્લોગ ખૂબ લોકપ્રિય છે)

error: Content is protected !!