45 દિવસમાં ખરીદનાર વેચનારને ચુકવણી ના કરે તો આ ખરીદી બાદ મળે નહીં?? શું આ વાત સાચી છે??
ઇન્કમ ટેક્સ હેઠળ નવી દાખલ કરવામાં આવેલ 43B(h) ના કારણે વેપાર જગતમાં ઉઠી રહ્યા છે અનેક પ્રશ્નો
-By Bhavya Popat
તા. 06.02.2024
ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ બજેટ 2023 દ્વારા ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ 43B માં (h) ક્લોઝ ઉમેરવામાં આવ્યો છે. ઇન્કમ ટેક્સ કદમાં કરવામાં આવેલ આ નાના ફેરફારના કારણે વેપાર જગતમાં તેની મોટી અસર વર્તાઇ રહી છે. વિવિધ સમાચાર માધ્યમોમાં આ ફેરફારો પ્રસિદ્ધ થવાના કારણે વેપારીઓ પોતાના ટેક્સ કન્સલ્ટન્ટ, CA કે ટેક્સ એડવોકેટને એક પ્રશ્ન વારંવાર પૂછી રહ્યા છે કે છાપા માં આવી રહ્યું છે તે બાબત સાચી છે??? મોટાભાગના ટેક્સ પ્રોફેશનલ્સ આ બાબતે એક જ જવાબ આપી રહ્યા છે કે સમાચાર માધ્યમના આ સમાચાર સાચા જ છે પરંતુ આ બાબત વિગતવાર જાણવી વેપારીઓ માટે ખૂબ જરૂરી છે. આજે આ લેખમાં આ જોગવાઈ અંગે વેપારીઓ એ જાણવા જેવી વિગતો આપવા પ્રયાસ કરવામાં આવ્યો છે.
શું છે MSME?
સૌપ્રથમ એ જાણવું જરૂરી છે કે આ જોગવાઈમાં જે MSME નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે MSME છે શું?.
MSME એટ્લે સામાન્ય ભાષામાં શૂક્ષ્મ, લઘુ તથા મધ્યમ ધંધાકીય એકમો. MSME કાયદા હેઠળ તમામ ઉત્પાદકો તથા સેવા પ્રદાતાનો સમાવેશ થાય છે. આમ, આ કાયદા હેઠળ તમામ ઉત્પાદકો તથા સેવા પ્રદાતાઓ નોંધણી મેળવી શકે છે. આ કાયદા હેઠળ નોંધણી મેળવવાથી માઇક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝને મળતા તમામ લાભ મેળવી શકાય છે. ઉત્પાદક સિવાયના માત્ર વેપાર કરતાં વેપારીઓ પણ આ કાયદા હેઠળ નોંધણી મેળવી શકે છે. પરંતુ આ નોંધણીના માત્ર તેમને નીચા દરે બેન્ક લોન મેળવવામાં ઉપયોગી થાય છે. MSME કાયદાના અન્ય લાભો વેપાર સાથે જોડાયેલ વ્યક્તિને ઉપલબ્ધ નથી. એક બાબત જાણવી જરૂરી છે કે કોઈ પણ ઉત્પાદક, વેપારી કે સેવા પ્રદાતા માટે આ કાયદા હેઠળ નોંધણી મેળવવી ફરજિયાત નથી પરંતુ મરજિયાત છે.
01 જુલાઇ 2020 થી માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઈઝમાં નીચેની મર્યાદા નક્કી કરવામાં આવેલ છે. નીચેની મર્યાદામાં રોકાણ અને ટર્નઓવર બન્નેની મર્યાદા સાથે જોવાની રહે છે.
માઇક્રો (લધુ) | સ્મોલ (નાના) | મીડિયમ (મધ્યમ) | |
રોકાણ | 1 કરોડ સુધી | 10 કરોડ | 50 કરોડ |
વાર્ષિક ટર્નઓવર | 5 કરોડ સુધી | 50 કરોડ | 250 કરોડ |
શું છે ઇન્કમ ટેક્સ હેઠળ નવો નિયમ?
ઇન્કમ ટેક્સ કાયદાની કલમ 43B(h) મુજબ ખરીદનાર દ્વારા MSME (શૂક્ષ્મ, લઘુ, મધ્યમ એકમો) વેચનાર પાસેથી ખરીદી કરવામાં આવેલ હોય અને આ ખરીદીની ચુકવણી MSME કાયદાની કલમ 15 ની નિયત સમય મર્યાદામાં કરવામાં ના આવેલ હોય તો ખરીદનાર વેપારીની ખરીદી ખર્ચ તરીકે ખરીદીના વર્ષમાં બાદ મળે નહીં. પરંતુ આવા ખરીદનાર વેપારી જ્યારે MSME વેચનારને ચુકવણી કરે તે વર્ષમાં તેને બાદ મળે.
શું છે MSME કાયદાની કલમ 15 હેઠળ જોગવાઈ?
MSME કાયદાની કલમ 15 હેઠળ એવી જોગવાઈ કરવામાં આવેલ છે કે કોઈ પણ ખરીદનાર જ્યારે MSME વેચનાર પાસેથી ખરીદી કરે ત્યારે આ માલની ચુકવણી ખરીદનાર તથા વેચનારની વચ્ચે થયેલ સમજૂતી મુજબ ચૂકવી આપવાની રહેશે. પરંતુ આ ચુકવણી મોડમાં મોડી ખરીદી તારીખથી 45 દિવસમાં કરી આપવાની રહે. જો આ સમય મર્યાદામાં ચુકવણી કરવામાં ખરીદનાર ચૂક કરે તો MSME કાયદાની કલમ 16 હેઠળ વેચનારને વ્યાજ ચૂકવવા જવાબદાર બની જાય છે.
શું દરેક ખરીદનાર ઉપર આ જોગવાઈ લાગુ પડે?
ના, દરેક ખરીદનાર ઉપર આ જોગવાઈ લાગુ પડે નહીં. ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ 44AD, 44AE હેઠળ “પ્રિસંપટિવ ટેક્સ” હેઠળ વેરો ભરતા કરદાતાઓને આ જોગવાઈ લાગુ પડે નહીં.
શું દરેક વેચનાર જેઓની ટર્નઓવર કે રોકાણની મર્યાદા MSME ની મર્યાદામાં હોય તેના ઉપર આ જોગવાઈ લાગુ પડે?
ના, દરેક વેચનાર કે જેઓની ટર્નઓવર કે રોકાણની મર્યાદા MSME ની મર્યાદામાં હોય તેના ઉપર આ જોગવાઈ આપો આપ લાગુ પડે નહીં. ઉત્પાદક કે સેવા પ્રદાતા કે જેઓ MSME ની મર્યાદામાં પડતાં હોય તેઓની પાસેથી માલની ખરીદી કે સેવા મેળવવામાં આવી હોય તોજ આ નિયમ લાગુ પડે. વેપારીઓનો સમાવેશ MSME કાયદાની જોગવાઈમાં સામાન્ય રીતે થતો ના હોય વેપારી પાસેથી કરવામાં આવેલ ખરીદી ઉપર આ નિયમ લાગુ પડે નહીં તેવો લેખકનો અભિપ્રાય છે.
ઉત્પાદક કે સેવા પ્રદાતા MSME હેઠળ નોંધણી કરાવે તો જ આ નિયમ પડે લાગુ?
હા, MSME કાયદા હેઠળ નોંધાયેલ હોય તેવા કરદાતાઑ જ ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ MSME ગણાય અને તો જ ઇન્કમ ટેક્સનો આ નિયમ લાગુ પડે જો MSME કાયદા હેઠળ પોતાની નોંધણી કરાવેલ હોય તેવો લેખકનો અભિપ્રાય છે. MSME કાયદાની કલમ 15 MSME કાયદા મુજબ ના સપ્લાયરને લાગુ પડે છે. MSME કાયદાની કલમ 2(n) હેઠળ સપ્લાયરની વ્યાખ્યા આપવામાં આવેલ છે. આ વ્યાખ્યા મુજબ MSME હેઠળ એ જ સપ્લાયર ગણાય જેઓએ આ કાયદા હેઠળ નોંધણી માટેની અરજી કરેલ હોય.
ઇન્કમ ટેક્સ હેઠળનો આ નિયમ વેપાર જગત માટે ફાયદાકારક છે કે નુક્સાનકારક??
ઇન્કમ ટેક્સ હેઠળ દાખલ કરવામાં આવેલ આ નવી જોગવાઈથી વેપાર જગતમાં ખૂબ ઉહાપોહ થવા પામેલ છે. મારા અંગત મત મુજબ ઇન્કમ ટેક્સ હેઠળનો આ નિયમ વેપાર જગતના હિતમાં ગણાય. વેપાર જગતમાં અનેક એવા દાખલા છે જ્યાં વેચાણ પેટેની રકમ ફસાઈ જવાના કારણે, ઉઘરાણી સમયસર ના કરી શકવાના કારણે અનેક ધંધા ફડચામાં ગયા હોય. હું તો ત્યાં સુધી માનું છું કે MSME ને જેવી રીતે બેન્ક અંગેની બાબતોમાં વેપાર કરતાં વેપારીઓને પણ MSME નો લાભ મળે છે તેવી રીતે આ જોગવાઈનો લાભ પણ વેપાર માટે પણ આપવામાં આવે તે ધંધા માટે જરૂરી છે. ઇન્કમ ટેક્સની આ જોગવાઈના કારણે MSME દ્વારા કરવામાં આવેલ વેચાણની ચુકવણી સમયસર અને ત્વરિત મળશે જે એકંદરે સમગ્ર વેપાર જગત માટે લાંબા ગાળે ફાયદાકારક સાબિત થશે તે ચોક્કસ છે.
ઇન્કમ ટેક્સના આ સુધારા બાબતે હાલ જે ગંભીર ચર્ચાઓ ચાલી રહી છે તે અંગેનો લેખ “કરદાતાઓ સાવધાન!! ખરીદી કે ખર્ચની ચુકવણીમાં વિલંબ પડી શકે છે મોંઘો” ના ટાઇટલ સાથે આ કૉલમ હેઠળ 13.02.2023 ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ હતો.
(આ લેખ જાણીતા ગુજરાતી દૈનિક ફૂલછાબની વ્યાપારભૂમિ પૂર્તિમાં પ્રસિદ્ધ થયેલ છે.)
If we filed it return in saral form means net profit above six percent,then this it rule applies to us?
No in my personal view, it does not apply in case of return filled U/s 44Ad by declaring 6% or more profit