01 જાન્યુઆરીથી પેટ્રોલ-ડીઝલના વેપારીઓ માટે આવી રહ્યા છે મહત્વના ફેરફારો જે જાણવા છે જરૂરી

Spread the love
Reading Time: 2 minutes

પેટ્રોલ, ડીઝલ, C N G, દારૂ સહિત જી.એસ.ટી. હેઠળ સમાવિષ્ટ ના કરવામાં આવેલ છ ચીજ વસ્તુના વેપાર સાથે જોડાયેલ વેપારીઓ માટે માસિક રિટર્ન ફરજિયાત: 

તા. 10.01.2022: ગુજરાત મૂલ્ય વર્ધિત કાયદા (વેટ) હેઠળ 01 જાન્યુઆરી 2022 થી મહત્વના ફેરફારો કરવામાં આવી રહ્યા છે. જી.એસ.ટી. હેઠળ સમાવિષ્ટ ના કરવામાં આવેલ છે ચીજ વસ્તુઓના તમામ વેપારીઓને આ નિયમો લાગુ પડશે. આ નિયમોમાં ફેરફારની વાત કરીએ તો હવે આ તમામ વેપારીઓએ ફરજિયાત માસિક રિટર્ન ભરવાના રહેશે. આ તમામ માસિક રિટર્ન ભરવાની સમયમર્યાદા પણ ઘટાડી જે તે મહિનો પૂરો થયા ના 30 દિવસ કરી આપવામાં આવી છે. આમ, જાન્યુઆરી મહિનાથી દરેક મહિનાના વેટ રિટર્ન ભરવાની મુદત જે તે મહિનો પૂરો થયાથી માત્ર 30 દિવસની રહેશે. આ ઉપરાંત પેટ્રોલ, ડીઝલ તથા એવિએશન ટર્બાઇન ફ્યુઅલ સાથે સંકળાયેલ વેપારીઓએ ફોર્મ 201, 201 A, B, C ઉપરાંત ફોર્મ 212 તથા 213 માં અલગથી પોતાના “મોટર સ્પિરિટ” કાયદા હેઠળના રિટર્ન પણ ભરવાના રહેશે. વેરાની ચુકવણી જે તે મહિનો પૂરો થયાના 12 દિવસમાં કરવાની રહેશે. આ અંગે વાત કરતાં રાજકોટના જાણીતા ટેક્સ એડવોકેટ પૌરવ પોપટ જણાવે છે કે “મોટર સ્પિરિટ” હેઠળના ફોર્મ 212-213 હવે દૂર થાય તે જરૂરી છે. ઉપરાંત “કમર્શિયલ ટેક્સ પોર્ટલ” પર રિટર્ન ભરવામાં સતત ટેકનિકલ ક્ષતિઓ પડી રહી છે. આ વેબસાઇટને પણ દુરસ્ત કરવામાં આવે તે ખૂબ જરૂરી છે. હવે જ્યારે નવા નિયમો લાગુ થતાં રિટર્ન ભરવાની સમયમર્યાદા ઘટી રહી હોય ત્યારે વેપારીઓ તથા ખાસ કરીને ટેક્સ પ્રોફેશનલ્સને પડી રહેલી વેબસાઇટ અંગેની તકલીફો દૂર થાય તે ખૂબ જરૂરી છે”.

ઉલ્લેખનિય છે કે પેટ્રોલ-ડીઝલ જેવી છ ચીજવસ્તુઓનો સમાવેશ જી.એસ.ટી. હેઠળ કરવામાં આવ્યો નથી. આ ચીજવસ્તુઓ ઉપર હજુ રાજ્યનો “વેટ” લાગુ પડે છે. વેટ હેઠળ વેરો ભરવાની મુદત જે તે મહિના પછીના 12 દિવસ જ હોય આ વેરો ભરવામાં રાજ્યભરના ઘણા વેપારીઓ મોડુ કરતાં હોવાની માહિતી મળી રહી છે. આ માટે ગુજરાત વેટ ડિપાર્ટમેંટ દ્વારા હવે આ વેપારીઓ ઉપર નજર રાખવા ખાસ એકમ બનાવ્યું હોવાના અહેવાલો મળી રહ્યા છે. પેટ્રોલ ડીઝલ સહિત આ વેટ હેઠળ સમાવિષ્ટ ચીજવસ્તુઓના વેપારીઓએ હવે રિટર્ન ભરવામાં તથા ટેક્સ ભરવામાં વધુ સતર્ક રહેવું પડશે તે ચોક્કસ છે. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે

error: Content is protected !!