હવે સોનાના વેચાણ માટે પણ બનાવવું પડી શકે છે ઇ વે બિલ!!

Spread the love
Reading Time: 2 minutes

ઇ વે બિલ પોર્ટલ પર શરૂ કરવામાં આવી સગવડ. જો કે જે તે રાજ્યો દ્વારા આ અંગે નોટિફિકેશન બહાર પાડવામાં આવે ત્યારબાદ બનશે વેપારીઓ માટે ફરજિયાત

તા. 13.09.2022: જી.એસ.ટી. હેઠળ 50000 થી વધુ મૂલ્યના માલ સંદર્ભે માલ વહન સાથે ઇ વે બિલ બનાવવું ફરજિયાત રહેતું હોય છે. સોના જેવા અતિ મૂલ્યવાન વસ્તુ માટે ઇ વે બિલ બનાવવું હાલ ફરજિયાત નથી. હવે સરકારના સૂચનોને ધ્યાને લઈ જી.એસ.ટી. રેઇટ શિડ્યુલના HSN ચેપ્ટર 71 હેઠળ પડતાં સોના માટે પણ ઇ વે બિલ બનાવવું ફરજિયાત બનાવવામાં આવે તેવી માહિતી મળી રહી છે. આ ઇ વે બિલ રાજ્યમાં થતી માલની હેરફેર કે આંતરરાજ્ય માલની હેરફેર એમ બન્ને માટે ફરજિયાત બની શકે છે.  આ માટેની સેવા ઇ વે બિલ પોર્ટલ ઉપર હાલ શરૂ કરવામાં આવી છે. જો કે જે તે રાજ્ય સરકાર દ્વારા નોટિફિકેશન દ્વારા જાહેર કરવામાં આવે ત્યાર પછીથી આ ઇ વે બિલ બનાવવું સોનાના વેપારીઓ માટે ફરજિયાત બનશે. સોનાના વેચાણ માટે ઇ વે બિલ અંગે ઇ વે બિલ પોર્ટલ ઉપર અલગથી વિકલ્પ આપવામાં આવ્યો છે. સોનાના વેચાણ સંદર્ભે ઇ વે બિલ બનાવનારને ઇ વે બિલ Part A જ બનાવવાનું રહેશે. સામાન્ય રીતે માલ વેચાણ સંદર્ભે બનાવવાના થતાં ઇ વે બિલ માટે ભરવાનું થતું Part B કે જેમાં માલ વહન કરનાર ગાડીની વિગતો આપવાની થતી હોય છે તે સોનાના વેચાણ સંદર્ભે આપવાની રહેશે નહીં. જ્યારે માલનું વેચાણ માત્ર HSN ચેપ્ટર 71 ના માલ (સોના) માટે જ થતું હોય ત્યારે આ પ્રકારના ખાસ ઇ વે બિલનો વિકલ્પ લેવાનો રહેશે. જ્યારે માલ વેચાણમાં સોના ઉપરાંત અન્ય કોઈ માલ સાથે હોય ત્યારે સામાન્ય રીતે જેમ ઇ વે બિલ બનાવવામાં આવે છે તેવી રીતે જ ઇ વે બિલ વેપારીએ બનાવવાનું રહેશે. સોના માટે બનાવવાના થતાં આ ઇ વે બિલમાં Part B ભરવાનું થતું ના હોય ટ્રાન્સપોર્ટરની વિગતો અપડેટ કરવાની, કન્સોલિડેટેડ ઇ વે બિલ બનાવવાની, ઇ વે બિલની સમયમર્યાદા વધારવાની કે મલ્ટી વિહિકલ ઇ વે બિલ બનાવવાની સગવડ મળશે નહીં. જો કે સોનાનું વેચાણ કરતાં વેપારીઓને ઇ વે બિલ કેન્સલ કરવાની અને રિજેક્ટ કરવાની સગવડ સામાન્ય ઇ વે બિલની જેમ જ મળી રહેશે. સોના જેવી કિંમતી વસ્તુઓના વેચાણ સાથે જોડાયેલ વેપારીઓ માટે હાલ ઇ વે બિલ બનાવવું ફરજિયાત નથી. ટૂંક સમયમાં દરેક રાજ્યો સોના જેવી HSN ચેપ્ટર 71 ની ચીજવસ્તુઓ માટે પણ ઇ વે બિલ ફરજિયાત બનાવશે તેવી માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે

error: Content is protected !!