બિલમાં-કેશ મેમોમાં ફૂડ લાઇસન્સ લખવા અંગેના નિયમનું પાલન સુનિશ્ચિત કરવા તાકીદ કરતું FSSAI
તા. 13.09.2022: ખાદ્ય પદાર્થના વ્યવસાય સાથે જોડાયેલા વેપારીઓ માટે ફૂડ લાઇસન્સ મેળવવું જરૂરી રહેતું હોય છે. આ ફૂડ લાઇસન્સનો નંબર હોય તેવા વેપારીઓએ ફૂડ લાઇસન્સ નંબરનો ઉલ્લેખ પોતાના બિલ, કેશ મેમો, ઇંવોઇસમાં કરવો જરૂરી છે. આ અંગે જૂન 2021 અને સપ્ટેમ્બર 2021 માં સૂચનાઑ બહાર પાડવામાં આવી હતી. આ નિયમનો યોગ્ય અમલ ના થતો હોય તેવી ફરિયાદો ગ્રાહકો દ્વારા ફૂડ ઓથોરીટીને કરવામાં આવી છે. આ નિયમ અંગે જાગૃતિ લાવવા તમામ કમિશનરોને 13 સપ્ટેમ્બર 2022 ના રોજ પત્ર દ્વારા તાકીદ કરવામાં આવી છે. હોટેલ-રેસ્ટોરન્ટ, ફૂડ ઓપરેટર આ નિયમની યોગ્ય અમલવારી કરે તે જોવા અધિકારીઓને સૂચના આપવામાં આવેલ છે. આ ઉપરાંત પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયામાં આ બાબતે વેપારીઓ તથા ગ્રાહકોમાં જાગૃતિ લાવવા અભિયાન ચલાવવા પણ અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. આ અંગે “એક્શન ટેઇકન રિપોર્ટ” આગામી 15 ઓક્ટોબર સુધીમાં આપવા તમામ કમિશ્નરને જણાવવામાં આવ્યું છે.
ફૂડ લાઇસન્સ નો ઉલ્લેખ પોતાના ઇંવોઇસ, કેશ મેમો, બિલ વગેરે કરવા અંગેના નિયમની જાણકારીના અભાવે મોટાભાગે હોટેલ-રેસ્ટોરન્ટ દ્વારા આ નિયમના પાલનમાં ચૂક કરવામાં આવી રહી છે. હવે આ અંગે ફૂડ લાઇસન્સ વિભાગ કડક બને તેવી સંભાવના નકારી શકાય નહીં. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે