રોયલ્ટીના આદેશ પસાર કરી ડિમાન્ડ ઊભી કરવામાં આવી પણ ભરવાના કેવી રીતે એ બાબતે સ્પષ્ટતાનો અભાવ!!

જી.એસ.ટી. હેઠળ નોંધાયેલ ના હોય તેવા કરદાતા ભોગવી રહ્યા છે આ મુશ્કેલી:
તા. 08.03.2025: સુપ્રીમ કોર્ટના રોયલ્ટી અંગેના ચુકાદાના પગલે સમગ્ર દેશમાં રોયલ્ટી ઉપર RCM ભરવાં અંગે અનેક નોટિસો સેંટરલ અને સ્ટેટ જી.એસ.ટી. દ્વારા નીકાળવામાં આવી હતી. આ નોટિસ સામે અમુક કરદાતાઓ એ જવાબ આપી પોતાનો વિરોધ દર્શાવ્યો હતો જ્યારે મોટા પ્રમાણમા કરદાતાઓ દ્વારા આ અંગે જવાબ પણ રજૂ કરવામાં આવ્યો ના હતો. આ નોટિસ સામે જવાબ આપવામાં આવ્યો હોય તો પણ અને ના આપવામાં આવ્યો હોય તો પણ જી.એસ.ટી. ડિપાર્ટમેંટ દ્વારા આદેશ ફેબ્રુઆરી મહિનામાં પસાર પણ કરી આપવામાં આવ્યા છે. હવે કરદાતા પાસે આ આદેશ મુજબ રકમ ભરી આપવાનો એક વિકલ્પ રહે અથવા તો આ આદેશ સામે તેઓ આદેશ મળ્યાના 90 દિવસમાં અપીલ કરી શકે છે. જે કરદાતાઓ પાસે જી.એસ.ટી. નંબર છે કે હતા તેઓ તો પોતાના લૉગિનમાંથી આ બન્ને વિકલ્પ માંથી કોઈ પણ વિકલ્પ લઈ શકે તેમ છે. પરંતુ જે કરદાતાઓ જી.એસ.ટી. આવ્યા બાદ નોંધાયેલ જ નથી તેવા કરદાતા માટે મુશ્કેલી સર્જાઈ રહી હોવાના સમાચાર મળી રહ્યા છે. આવા કરદાતાઓ આદેશ મુજબની રકમ ભરવાં માંગતા હોય તો પણ લૉગિનના અભાવે ભરી શકતા નથી. આવા કરદાતા અપીલ કરવા ઇચ્છતા હોય તો પણ કરી શકતા નથી. આ અંગે ભારે અસમંજસની સ્થિતિ હાલ પરવર્તી રહી છે. આ બાબતે જી.એસ.ટી. ડિપાર્ટમેંટ દ્વારા અગાઉ ટેમ્પરરી લૉગિન ફાળવવામાં આવતા હતા પરંતુ હાલ આ લૉગિન ફાળવવામાં આવતા નથી. આ સમસ્યાનો જલ્દી નિકાલ કરવામાં આવે તે સરકાર અને કરદાતા બન્ને માટે જરૂરી છે. કરદાતાઓ અને ટેક્સ પ્રોફેશનલ્સ આ બાબતે અસહાય સ્થિતિ અનુભવી રહ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે. ભવ્ય પોપટ ટેક્સ ટુડે.