જી.એસ.ટી. માફી યોજનાની અરજી કરવામાં કરદાતાઓ મુંજવાણમાં!!

0
Spread the love
Reading Time: 2 minutes

તા. 07.03.2025: જી.એસ.ટી. કાયદાની કલમ 128A હેઠળ માફી યોજના હાલ ચાલી રહી છે. આ યોજના હેઠળ નાણાકીય વર્ષ 2017-18 થી માંડીને નાણાકીય વર્ષ 2019-20 સુધીના કલમ 73 હેઠળના આદેશમાં ટેક્સ ભરી આપવામાં આવે તો વ્યાજ અને દંડમાં મુક્તિ આપવામાં આવે છે. આ લાભ માત્ર કલમ 73 હેઠળ ના આદેશ કે જેમાં જી.એસ.ટી. ડિપાર્ટમેંટ દ્વારા કરચોરીનો આક્ષેપ કરવામાં આવ્યો નથી તેવા જ આદેશ કે નોટિસ માટે લાગુ પડે છે. આ યોજના એ કરદાતાઓ માટે ખૂબ ઉપયોગી યોજના હોય મોટા પાયે કરદાતા આ યોજના માટે અરજી કરશે તેવું માનવમાં આવી રહ્યું છે. પરંતુ હાલ ઘણા કરદાતા આ અરજી કરવા ઇચ્છતા હોવા છતાં આ અરજી કરવામાં રહેલી ટેકનિકલ ક્ષતિ ના કારણે માફી યોજનાની અરજી કરી શકતા નથી. કરદાતા દ્વારા જ્યારે ઓનલાઈન પોર્ટલ પર અરજી કરવા જે તે આદેશને પસંદ કરવામાં આવે છે ત્યારે પોર્ટલ પર અરજીને પ્રિવ્યુ કરતાં આદેશનો નંબર સાચો દર્શાવે છે પરંતુ આ આદેશની તારીખ આદેશની તારીખને બદલે જે તે અરજીની તારીખ દર્શાવવામાં આવી રહી છે. આ કારણે કરદાતા માફી યોજનાની અરજી કરવામાં ખચકાટ અનુભવી રહ્યા છે. ઘણા કરદાતાને આ બાબતે ધ્યાન ના હોય તેઓ દ્વારા આ ભૂલ સાથે અરજી કરી આપવામાં આવેલ છે. આ અંગે વાત કરતાં જુનાગઢના ટેક્સ એડવોકેટ પ્રતિક મિશ્રાણી જણાવે છે કે “હાલ અરજી કરવામાં જે તારીખની સમસ્યા પડી રહી છે તે ધ્યાને લઈ ઘણા કરદાતા અને ટેક્સ પ્રેકટિશનર આ અરજી કરવાની ટાળી રહ્યા છે. આ ટેકનિકલ ક્ષતિમાં જલ્દી સુધારો કરવામાં આવે તે જરૂરી છે. ઘણા કરદાતા માને છે કે આ અરજી કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ છે પરંતુ વાસ્તવમાં આદેશ અન્વયે ટેક્સ ભરવાની તારીખ 31 માર્ચ છે. આ અરજી કરવા માટે 30 જૂન 2025 સુધી કરદાતાઓને સમય આપવામાં આવ્યો છે. આમ, જ્યાં સુધી આ ક્ષતિ દૂર ના થાય ત્યાં સુધી આ અરજી ના કરવી જોઈએ તેવું હું માનું છું.”

જી.એસ.ટી. પોર્ટલની આ ટેકનિકલ ક્ષતિના કારણે ફરી કરદાતાઓ ભોગ બની રહ્યા છે. આ ક્ષતિ જલ્દી દૂર કરવામાં આવે તથા જે અરજી અગાઉ કરવામાં આવેલ છે તેને માન્ય ગણવામાં આવે તેવી માંગ ટેક્સ પ્રેકટિશનર્સ તથા કરદાતાઓમાં ઉઠી રહી છે. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!