ધંધા-વ્યવસાયમાં રોકડ સ્વીકારવા તથા ચૂકવવા અંગે આવકવેરાની મર્યાદા જાણો

0
Spread the love
Reading Time: 3 minutes

-Bhavya Popat, Advocate, 

તા. 06.03.2025: આપના દેશમાં ધંધો કે વ્યવસાયમાં કરતાં હોય તેવા કરદાતાએ પોતે રોકડ વ્યવહારો કઈ મર્યાદા સુધી કરી શકે તે બાબતે નિયમો જાણવા જરૂરી છે. આ નિયમોનો ભંગ કરવામાં આવે તો કરદાતા ઉપર મોટો આર્થિક બોજો આવી શકે છે. અર્થતંત્રમાં  રોકડ વ્યવહારોનું નિયમન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે અને આ નિયમનનો મુખ્ય હેતુ કાળા નાણાં રોકવા માટેનો હોય છે. આ હેતુથી જ સરકાર ડિજિટલ વ્યવહારોને-બેન્ક વ્યવહારોને  પ્રોત્સાહન આપતી હોય છે.  આજે આ લેખમાં ધંધા વ્યવસાયમાં રોકડ વ્યવહાર બાબતે શું મર્યાદારહેલ છે તે અંગે માહિતી આપવામાં આવી છે.

  1. દસ હજારથી વધુ રોકડમાં ચૂકવવામાં આવતા ધંધા-વ્યવસાયિક ખર્ચની થાય છે નામંજૂર:

કલમ 40A(3) હેઠળ, કરપાત્ર આવકની ગણતરી કરતી વખતે એક જ ખર્ચ  માટે રોકડમાં કરવામાં આવેલા રૂ. 10,000 થી વધુની ચુકવણીને કપાત તરીકે મંજૂરી આપવામાં આવતી નથી. આ સમયે એ બાબત જાણવી પણ જરૂરી છે કે આ ખર્ચમાં ખરીદીનો પણ સમાવેશ થઈ જાય છે. આમ, 10000 થી વધુ કોઈ પણ ખરીદી રોકડમાં કરવામાં આવેલ હોય તો આ ખરીદી કે અન્ય કોઈ ખર્ચ બાદ મળતો નથી. જો કે   ટ્રાન્સપોર્ટર્સને કરવામાં આવતી ચુકવણીના કિસ્સામાં, મર્યાદા રૂ. 35,000 છે. આમ, ઉપરોક્ત મર્યાદા (10000 થી વધુ કે ટ્રાન્સપોર્ટ ખર્ચમાં 35000 થી વધુ) રોકડમાં કરવામાં આવેલ ખર્ચ નામંજૂર થતાં કરદાતાની આવકમાં વધારો થઈ જાય અને તેઓ વધુ કર ભરવા જવાબદાર બને.

  1. ઘસારા પાત્ર હોય તેવી મિલ્કત ખરીદી ઉપર 10000/- થી વધુ ની ચુકવણી રોકડમાં કરવા ઉપર બાધ:

કોઈ ધંધા કે વ્યવસાયમે એવી મિલ્કત ખરીદવામાં આવે જેના ઉપર કરદાતા ઘસારો બાદ માંગવાના હોય ત્યારે આ મિલ્કત ખરીદ કરવા  ૧૦,૦૦૦ રૂપિયાથી વધુની રકમ રોકડમાં ચૂકવવામાં આવે છે, ત્યારે આવી મિલ્કત પર ઘસારાનો દાવો માન્ય રહેતો નથી. આ ઘસારો બાદ ના મળે તો કરદાતાની કુલ આવકમાં વધારો થઈ અને તેઓ વધુ ટેક્સ ભરવા જવાબદાર બને.

  1. કલમ 269ST – રોકડ વ્યવહારો પ્રાપ્ત કરવાની મર્યાદા

ઉચ્ચ મૂલ્યના રોકડ વ્યવહારોને મર્યાદિત કરવા માટે કલમ 269ST રજૂ કરવામાં આવી હતી. આ કલમ હેઠળ, ધંધા કે વ્યવસાય ધરાવતા કરદાતાઓને પણ લાગુ પડે છે. આ જોગવાઈ મુજબ કરદાતા 2 લાખ રૂપિયા કે તેથી વધુની રોકડ સ્વીકારી શકતા નથી. આ બે લાખની મર્યાદા નક્કી કરવા નીચેની બાબતો ધ્યાને લેવાની રહે.

  • એક જ દિવસમાં, એક જ વ્યક્તિ પાસેથી.
  • એક જ વ્યવહાર અથવા એક ઘટના અથવા પ્રસંગ સંબંધિત શ્રેણીબદ્ધ વ્યવહારો માટે.

દંડ: જો આ નિયમનું ઉલ્લંઘન કરવામાં આવે છે, તો પ્રાપ્તકર્તા રોકડમાં પ્રાપ્ત થયેલી રકમના 100% દંડ ચૂકવવા માટે જવાબદાર રહેશે. જો કે એક બાબત જાણવી જરૂરી છે કે આ નિયમ માત્ર ધંધા કે વ્યવસાય સાથે જોડાયેલ કરદાતા ને જ નહીં પરંતુ તમામ કરદાતાઓને લાગુ પડે છે.

દંડ: કલમ ૨૬૯T ના ઉલ્લંઘન માટે દંડ પણ ચૂકવવામાં આવેલી રોકડ રકમના ૧૦૦% છે.

  1. વીસ હજારથી વધુ રકમની લોન અને થાપણો રોકડમાં સ્વીકારવા પર પ્રતિબંધ (કલમ 269SS)

ધંધો કે વ્યવસાય કોઈપણ વ્યક્તિ પાસેથી 20,000 રૂપિયાથી વધુની લોન, થાપણો અથવા ચોક્કસ રકમ રોકડમાં સ્વીકારી શકતા નથી. આ કલમ ફક્ત વ્યવસાયિક વ્યવહારો માટે જ નહીં પરંતુ મિત્રો, પરિવાર અથવા અન્ય બિન-વ્યવસાયિક પક્ષો પાસેથી લોન માટે પણ લાગુ પડે છે.

દંડ: કલમ 269SS હેઠળ કોઈપણ ઉલ્લંઘન રોકડમાં સ્વીકૃત રકમ પર 100% દંડ લાવે છે.

  1. વીસ હજારથી વધુની લોન અને થાપણોની રોકડમાં ચુકવણી પર પ્રતિબંધ (કલમ 269T):

વીસ હજાર કે લોન અને જેમ લોન સ્વીકારવી ઉપર પ્રતિબંધ છે તેમ આ લોન અથવા થાપણો ચુકવણી ઉપર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

દંડ: કલમ 269T હેઠળ કોઈપણ ઉલ્લંઘન રોકડમાં સ્વીકૃત રકમ પર 100% દંડ લાવે છે.

જો કે કલમ 269SS, 269ST, અને 269T ની જોગવાઈઓ નીચેના કરદાતાઓ તથા તેના વ્યવહારો પર લાગુ પડતી નથી:

  • સરકાર (કેન્દ્ર અને રાજ્ય).
  • કોઈપણ બેંકિંગ કંપની, પોસ્ટ ઓફિસ બચત બેંક, અથવા સહકારી બેંક.
  • કેન્દ્ર, રાજ્ય અથવા પ્રાંતીય કાયદા દ્વારા સ્થાપિત કોઈપણ કોર્પોરેશન.
  • કંપની અધિનિયમ, 2013 ની કલમ 2(45) માં વ્યાખ્યાયિત કોઈપણ સરકારી કંપની.
  1. રોકડ દાન અને યોગદાન

આવકવેરા કાયદાની કલમ ૮૦G હેઠળ, સખાવતી દાન માટે કપાત ફક્ત ત્યારે જ માન્ય છે જો દાન રૂ. ૨૦૦૦ થી વધુ હોય અને રોકડ સિવાયના અન્ય માધ્યમો (દા.ત., ચેક, બેંક ટ્રાન્સફર) દ્વારા કરવામાં આવે.

શા માટે આ પ્રતિબંધો?

ભારત સરકારે બિનહિસાબી નાણાં (કાળા નાણાં) ના પરિભ્રમણને રોકવા, ડિજિટલ ચુકવણીને પ્રોત્સાહન આપવા અને નાણાકીય વ્યવસ્થામાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે આ પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. કોઈ પણ અર્થતંત્ર વિકાસશીલ માંથી વિકસિત અર્થતંત્ર તરફ જવા શક્ય હોય એટલા ઓછા રોકડ અને વધુ ડિજિટલ વ્યવહારોને પ્રોત્સાહન આપે તે જરૂરી છે.

(આ લેખ જાણીતા ગુજરાતી દૈનિક ફૂલછાબની વ્યાપારભૂમિ પૂર્તિમાં તા. 03.03.2025 ના રોજ પ્રકાશિત થયેલ છે)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!