શો કોઝ નોટિસમાં ઉલ્લેખ હોય તે રકમથી વધુ રકમની ડિમાન્ડ વાળો ઓર્ડર રદ્દ થવા પાત્ર છે: અલ્હાબાદ હાઇકોર્ટ
કાલિદાસ મેડિકલ સ્ટોર વી. સ્ટેટ ઓફ યૂ.પી. ના કેસમાં અલ્હાબાદ હાઇકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો:
તા. 20.06.2024: શો કોઝ નોટિસમાં ઉલ્લેખ હોય તેનાથી વધુ રકમનું માંગણું આદેશમાં ઊભું કરવામાં આવ્યું હોય તો તેવો આદેશ રદ્દ થવા પાત્ર છે. આ અંગે મહત્વપૂર્ણ ચુકાદો અલ્હાબાદ હાઇકોર્ટ દ્વારા કાલિદાસ મેડિકલ સ્ટોર વી. સ્ટેટ ઓફ યૂ.પી. ના કેસમાં આપવામાં આવેલ છે. 29 એપ્રિલ 2024 ના રોજ આપવામાં આવેલ ચુકાદામાં સિંગલ જજ બેન્ચ દ્વારા ઠરાવવામાં આવ્યું હતું કે જ્યારે કાયદા હેઠળ શો કોઝ નોટિસની જોગવાઈ કરવામાં આવી છે ત્યારે આ સિદ્ધાંત ખૂબ મહત્વનો સાબિત થતો હોય છે. આ ઉપરાંત કોર્ટ દ્વારા નોંધવામાં આવ્યું હતું કે કુદરતી ન્યાયના સિદ્ધાંત માટે પણ આ બાબત ખૂબ મહત્વની છે.
પ્રસ્તુત કેસમાં કરદાતાને શો કોઝ નોટિસમાં 14,45,845/- ની નોટિસ આપવામાં આવી હતી જ્યારે આદેશમાં માંગણું 16,50,391/- નું ઊભું કરવામાં આવ્યું હતું. આ આદેશની કાયદેસરતાને હાઇકોર્ટમાં કરદાતા દ્વારા પડકારવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે કેસના તથ્યોને જોતાં કોર્ટ દ્વારા અધિકારીને નોટિસ આપી તેનો પક્ષ રજૂ કરવાનો સમય પણ વ્યતીત કરવાના બદલે કરદાતાની તરફેણમાં આદેશ કરી અધિકારીનો માંગણું ઉપસ્થિત કરતો આકારણી આદેશ રદ કરવામાં આવ્યો હતો. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે