વાપીની પ્રખ્યાત રોફેલ કોમર્સ કોલેજ તથા ટેક્સ ટુડેના સંયુક્ત ઉપક્રમે વિદ્યાર્થીઓને ટેક્સેશન અંગે માર્ગદર્શન સેમિનારનું આયોજન

Spread the love
Reading Time: 2 minutes

સુરતના એડવોકેટ કૃણાલ આઈસક્રીમવાલા, વડોદરાના CA ચિંતન પોપટ તથા વલસાડના એડવોકેટ અલ્પેશ ઉપાધ્યાય દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવ્યું માર્ગદર્શન:

તા. 06.03.2022: વાપીની જાણીતી રોફેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ અને ટેક્સના સમાચારો પ્રકાશિત કરતું માસિક અખબાર ટેક્સ ટુડેના સંયુક્ત ઉપક્રમે ટેક્સેશન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ 05 માર્ચ 2022 ના રોજ યોજાયેલા આ આયોજનમાં કોમર્સના વિદ્યાર્થીઓને જી.એસ.ટી. અંગેનું માર્ગદર્શન સુરતના જાણીતા એડવોકેટ કૃણાલ આઈસક્રીમવાલા દ્વારા આપવામાં આવ્યું હતું. વિદ્યાર્થીને કોમર્સ અને તેને વિષયક કેરિયર વિષે ઉપયોગી માહિતી વડોદરાના જાણીતા CA અને સ્ટાર્ટ અપ એક્સપર્ટ ચીતન પોપટ દ્વારા આપવામાં આવી હતી. વલસાડ-વાપીના એડવોકેટ અને રોફેલ કોલેજ સાથે જોડાયેલા અલ્પેશ ઉપાધ્યાય દ્વારા વિદ્યાર્થીઓને ખાસ જણાવવામાં આવ્યું હતું કે કોમર્સના મહેનતુ વિદ્યાર્થીઓ માટે ભવિષ્યમાં તકની કોઈ કમી નથી. ટેક્સેશન ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઇચ્છતા વિદ્યાર્થીઓને અનુભવી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ-એડવોકેટ કે ટેક્સ કન્સલ્ટન્ટ સાથે અભ્યાસ સાથે પ્રેક્ટિકલ અનુભવ માટે જોડાવા પણ આગ્રહ કર્યો હતો. ટેક્સ ટુડેના એડિટર ભવ્ય પોપટ આ કર્યેક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ટેક્સ અંગેની માહિતીના પ્રસાર-પ્રચાર માટે ટેક્સ ટુડે કાર્યરત છે. વિવિધ કોમર્સ સ્કૂલ, કોલેજોમાં આ પ્રકારે થતાં આયોજનને ટેક્સ ટુડે દ્વારા હમેશા સહયોગ આપવામાં આવશે તેવી બાંહેધરી આપવામાં આવી હતી.  કોલેજ પરિવાર વતી પ્રોફેસર રશ્મિબેન જોશી દ્વારા વિદ્યાર્થીઑ તથા વકતાઓનો આભાર માનવમાં આવ્યો હતો. કોમર્સ ફેકલ્ટીના  સિનિયર પ્રાધ્યાપક ડો ડારૂ દ્વારા  સમગ્ર કર્યેક્રમની સફળતા માટે જહેમત ઉઠાવવામાં આવી હતી. રોફેલ કોલેજના પ્રિન્સિપાલ હેમાલીબેન દેસાઇ દ્વારા આ કર્યેક્રમના આયોજન માટે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. બ્યૂરો રિપોર્ટ, ટેક્સ ટુડે

error: Content is protected !!