માટી બચાવો-જીવન બચાવો (Save Soil-Save Life)

Spread the love
Reading Time: 5 minutes

તા. 01.05.2022: કલ્પના કરો કે તમે જે દેશમાં રહી રહ્યા છો તે ધરતી ઘટતી જતી ફળદ્રુપતાની ઝપેટ માં આવે છે અને ટૂંક સમય માંજ ખેતી લાયક જમીનોની અછત સર્જાતા પાક લેવો અઘરો થઈ પડે તો?  આ સમય દરમિયાન અચાનક ટીવીમાં ન્યુઝ એંકરો સવારથી હાથમાં માઇક પકડીને જોર જોરથી એવા સમાચાર આપતા જોવા મળશે કે મોટા શહેરોમાં રેતીના વંટોળ ઊડ્યાં છે અને થોડા દિવસોમાંજ આ શહેરો રણ બની જવાથી ત્યાં પીવાના પાણીની તંગી થઈ પડશે, આપણાં આજના બાળકોને પોતાની જુવાનીમાં ખાવા માટે ખોરાક મેળવવું મુશ્કેલ થઈ પડશે અને તેઓને ખોરાકની શોધમાં અન્ય વિસ્તારો તરફ વિસર્જન કરતા રહેવું પડશે… કેવું અજીબ લાગે ને આવું સાંભળવાનું! કદાચ આવું માનવું પણ અશક્ય લાગે પરંતુ આ પરિસ્થિતીનું નિર્માણ હાલ થોડા વર્ષોમાંજ ખરેખર જોવા મળશે એ કહેવામા હું જરાપણ અતિશયોક્તિ નથી કરતો. હાલ જગ્ગી વાસુદેવ (જેઓને આપણે સૌ સદગુરુ તરીકે ઓળખીએ છીએ) ની સંસ્થા અને તેના અનુયાયીઓ દ્વારા SAVE SOIL” ની ઝુંબેશ વિશ્વના અનેક દેશોમાં ચલાવવામાં આવી રહી છે. આવીજ એક રેલીનું આયોજન દીવ શહેરમાં પણ થયેલું હતું જેમાં મે પણ ભાગ લીધો હતો. અહી મેળવેલ જાણકારી દરેક લોકો સુધી પહોંચે અને આ ઝુંબેશ માં વધુ લોકો જોડાય એક હેતુ સાથે આપ સમક્ષ આની માહિતી પહોચાડી રહ્યો છું. આશા છે કે આપણે સહુપણ આ સેવાના કાર્યમાં ભાગીદાર બની અને ભારત સરકાર સમક્ષ ઘરતીમાંની સુરક્ષા વધુ થાય એવા કાયદાઑ બનાવવાની, વધુમાં વધુ ખેડૂતો ઓર્ગેનિક ખેતીનું વાવેતર કરવા પ્રેરાય અને જે લોકો ખેતીના નિયમોનું ઉલ્લંઘન કરે તેમની સામે દંડનાત્મક પગલાં લેવાય તેની રજૂઆત કરીએ.

                        માટી એ વસવાટ છે જેના પર અસંખ્ય જીવો ખીલે છે અને આ જીવોના લીધેજ જમીનમાં બધુ ઊગે છે. આપણે આને ખોરાક ખાયે છીએ,પ્રાણીઓ વૃદ્ધિ પામે છે અને આમ કુદરતની સાઇકલ બરાબર ચાલે રાખે છે. હાલ, ખેડૂતો જમીનો માંથી વધુમાં વધુ ઉત્પાદન લેવા માટે જે પ્રમાણે વિવિધ પ્રકારના કેમિકલયુક્ત ખાતરો અને પેસ્ટીસાઇડ્સનો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે, ખેતીની જમીનો માં મોટા પાયે જીંગા ફાર્મ ઉદ્યોગનો વિકાસ થયો છે અને તેને કારણે ખેતરોની માટી પોતાની ફળદ્રુપતા ગુમાવી રહી છે, જો આપણે આને સમયસર બચાવવાના કોઈ સકારાત્મક પગલાં નહીં લઈએ તો 35 થી 40 વર્ષમાં ભારતભરની મોટાભાગની ખેતીલાયક જમીનો સંપૂર્ણ નાશ પામશે. આપણે ભારતીયો એવું બોલવામાં ગર્વ અનુભવીએ છીએ કે આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે પરંતુ ખેતી જે દેશની આવકનું મુખ્ય સાધન છે તેની માવજત કરવામાં આપણે અને સરકાર બંને ઊણા ઉતર્યા છે. મારા ઘણાં મિત્રો અને ક્લાઇંટ્સ ખેડૂતો છે. જ્યારે હું તેઓ સાથે ખેતીની પદ્ધતિ વિષે વાત કરું છું ત્યારે તેઓ દ્વારા અચૂક એવું સાંભળવા મળ્યું છે કે હવે દવાઑ વગર પાક લેવો અશક્ય બન્યું છે. તેઓ જે પ્રકારની દવાઓનો ઉપયોગ કરે છે તે એટલી ખતરનાક હોય છે કે જે દિવસે તેઓએ ખેતરમાં આ દવાનો છંટકાવ કર્યો હોય તે દિવસે તેઓને ઝાડા થઈ જતાં હોય છે. દવાની બદબૂ એટલી કાતિલ હોય છે કે શ્વાસ લેવાની પણ તકલીફ થઈ પડે એટ્લે નાક પર કપડું બાંધીનેજ દવા છાંટવી પડે! જો હાલના સમયમાં આપે કોઈ નાના ગામડાઓ કે હીલ સ્ટેશનોની મુલાકાત લીધી હોય તો આપને માલૂમ થયું હશે કે ત્યાંના ખેડૂતો હવે પોતાની ખેતીની જમીનો વેંચી રહ્યા છે અને તેનું કારણ જમીન હવે ઉપજાઉ નથી રહી ઉપરાંત ખેતી માટે જરૂરી વરસાદની અછત રહે છે. હિલસ્ટેશનોમાં મોટા પાયે આડેધડ હોટલ અને રિસોર્ટ્સના બાંધકામ થયા છે. હવે વિચારો કે માટી બચાવવાની ખરેખર જરૂર અત્યારથી છે કે હજુ આપણે વિકટ સંકટ આવી પડે તેની રાહ જોઇશું? આ કારણોથી જાણ થાય કે આપણે માટીને કેટલી તરછોડી દીધેલ છે? આપણે ગ્લોબલ વોર્મિંગ, કાર્બન, ઉત્સર્જન, પ્રદૂષણ વિષે વાતો કરીયે છીએ પરંતુ આપણે સહુથી ખતરનાક થનાર નુકશાન વિષે વાતો જ નથી કરતાં! વિશ્વમાં શહેરોની સમસ્યાઓને પર્યાવરણની સમસ્યા તરીકે બતાવી દેવાનું અભિયાન ચાલે છે. જો દુબઈ કે અમેરિકા કે યુરોપના દેશના જાહેર સ્થળો ઉપર પ્લાસ્ટિક ઊડતાં હોય તો તે શહેરનો મુદ્દો છે જેને પર્યાવરણનો મુદ્દો બનાવી દેવામાં આવે છે. અત્યારે આપણાં દેશની નદીઓ જેને આપણે માતા તરીકે પૂજયે છીએ તે એકદમ ગંદી અને ગંભીર સ્થિતિ માં જોવા મળી રહી છે. શું આની સફાઈ કે જાણવણી કરવી અશક્ય છે? જો આની સફાઈ પ્રત્યે લોકોને જાગૃત્ત કરવામાં આવે, જનતાને આ કાર્યમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોડી દેવામાં આવે  અને કાયદાઑ નું સખત પાલન કરવામાં આવે તો આ સ્થિતિ ને કાબૂમાં લેવું જરાપણ અશક્ય નથી. હાલ, આ બધી નદીઓમાં સર્વશ્રેષ્ઠ ગણાતી એવી ગંગા નદીના સફાઈ માટે પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ દ્વારા અથાગ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ગંગા ગૌમુખ થી નીકળી ને પશ્ચિમ બંગાળ સુધી વહે છે અને ભારતની સહુથી મોટી નદીઓ માની એક છે. “નમામિ ગંગે મિશન” દ્વારા જ્યારે એના શુદ્ધિકરણની શરૂઆત થઈ ત્યારે આ કામ ખૂબ અઘરું છે અને પૂરું કરવું લગભગ અશક્ય છે એવી વાતો પણ સાંભળવા મળતી હતી, પરંતુ યોગ્ય આયોજન અને જાહેરાતો દ્વારા સમાજમાં જાગૃતિ લાવી અને પ્રજાનો સહકાર મેળવી આ કામને હવે વેગ મળી રહ્યો છે! કાયદાઓ ના સખત અમલ અને યોગ્ય પગલાં લઈ સરકારે ગંગાની સફાઈ કરવામાં ઘણા અંશે સફળતા પણ મેળવી છે.

                        અત્યારે ખરો મુદદો તો માટી છે. સયુંક્ત રાષ્ટ્ર સંસ્થાઓ પૂરતી માહિતી સાથે સ્પષ્ટપણે આ વાતનું સમર્થન કરી રહી છે કે આપણી પાસે હવે 80 થી 100 પાક લઈ શકાય એટલીજ ફળદ્રુપતા જમીનો માં સમાયેલી છે અને દુનિયાની ત્રીજા ભાગની ખેતી લાયક જમીનો નષ્ટ થઈ ચૂકી છે અને આવતા 50 થી 60 વર્ષોમાં આ જમીનો પૂરી રીતે રણ સમાન બની જશે. આ એક મોટા વિનાશની શરૂઆત છે. આપણે ડાયનાસોર્સ અને ડોડો પક્ષીઓના વિનાશ વિષેની તો વાતો સાંભળી જ છે પણ આજે માટી બચાવવાની વાત પહેલીવાર સાંભળી રહ્યા છીએ. માટી કયા કારણો ને લીધે નષ્ટ થઈ રહી છે કે માટી શું કામ મરી રહી છે? તો સમજો કે જો આપણે રેતીમાં ઓર્ગેનિક કે કાર્બનિક સામગ્રી ભેળવી દઈએ તો તે માટી ફળદ્રુપ બને છે અને જો તેમાથી આ સામગ્રીઓ બહાર કાઢી લઈએ તો રેતી બને છે. જો આપણે વર્ષાવનોનું ઉદાહરણ જોઈએ તો ત્યાંની જમીનમાં જૈવિક સામગ્રીઓનું સ્તર 70% થી વધુ જોવા મળે છે. ખેતી લાયક જમીનો માં જૈવિક સામગ્રીઓ નું સ્તર વધુમાં વધુ 6% અને ઓછામાં ઓછું 3% સુધી હોવું જોઈએ પણ આજે ભારતની 62% ખેતીની જમીનોની માટી માં આ સ્તર 0.5% થી પણ ઓછું છે. એટલેજ અત્યારે આ જમીનો પર રેગિસ્તાન બની જવાની સંભાવના વધુ છે. અને આ સ્થિતિ પૂરી દુનિયાની છે ફક્ત ભારત પૂરતી સિમિત નથી.

                        હાલ ખેતી કરવામાં વધુમાં વધુ મશીનરીઓ અને પેસ્ટિસાઇડ્સનો ઉપયોગ થઈ રહ્યો છે. જૈવિક સામગ્રીઓ નો 82% થી 86% હિસ્સો ખેતીની જમીનના ઉપરી 12ઇંચ સુધીમાં હોય છે. જ્યારે આપણે ટ્રેક્ટરથી જમીનનું ખેડાણ કરીએ છીએ ત્યારે તે જમીનની ઉપરના ભાગથી અંદર 9 થી 12 ઇંચ સુધીનું ખેડાણ કરે છે અને જમીનને ખુલ્લી કરી નાખે છે, આનો મતલબ એ છે કે જમીન માંથી  જૈવિક વિવિધતાનું સ્તર સંપૂર્ણ પણે નાશ પામે છે. જમીનમાં રહેલ જૈવ વિવિધતા એટ્લે કે હુમસ (HUMAS) જે હ્યૂમન (HUMAN) શબ્દ ઉપરથી બન્યો છે, એટલેકે જમીન પણ જીવિત છે. એટ્લે જ તો હવે આપણે વધુમાં વધુ જમીન ઉપર ધ્યાન આપવાની જરૂર છે. જો આપણે ઉષ્ણકટિબંધ વિસ્તારની ત્રીજાભાગની જમીનોમાં 30 થી 40% પર વૃક્ષો વાવી અને તેને છાયામાં રાખીએ તો જળવાયુ માં ખૂબ આસાનીથી પરીવર્તન લાવી શકીએ છીએ. જમીન એટલા માટે જ ગરમ થઈ રહી છે કેમકે તે સુકાઈ ગઈ છે. જમીનને હવે ઝાડના છાયાથી ઢાંકવાની જરૂર છે. ફક્ત ઊંચા વૃક્ષોજ નહીં નાના નાના ઘાસ, ઝાડીઑ, નાના છોડો વગેરે વાવીને પણ જમીનને ઢાંકી શકાય છે કેમકે આ બધાં જ પર્યાવરણની રક્ષા કરશે. હવે આપણે એ પણ સમજવું પડશે કે માટી સહુથી વધુ કાર્બનસિંક છે મતલબ કે વધુમાં વધુ પાણી ને ચૂસે છે. આ માટી જ છે જેના ઉપર દુનિયા ના દરેક જીવોનો આધાર છે. ધરતીની ઉપરના ભાગની 36 થી 46% માટી ઉપર 86% થી વધુ જીવોનો આધાર છે. બાયોડાઈવરસિટી ને જીવિત રાખવી એ જ અત્યારનો મુખ્ય ધ્યેય હોવો જોઈએ. જો આપણે આની શરુઆત અત્યારથી નહીં કરીએ તો તે ક્યારેય પણ શરૂ નહીં થાય. એટલા જ માટે હાલ CONSCIOUS PLANET SAVE SOIL” ના બેનર હેઠળ વધુમાં વધુ લોકો આ મિશન માં જોડાઈ એ માટે વિવિધ કાર્યક્રમોની શરૂઆત વિશ્વના દરેક દેશો માં થઈ છે. મારી આપસૌ મિત્રો ને વિનંતી છે કે આપ પણ આ મિશન માં પોતાના તન, મન અને ધનથી જોડાઓ, આસપાસના લોકોને આ મિશન વિષે જાગૃત કરો અને માટીને બચાવવાની ઝુંબેશને પૂરા વિશ્વમાં ફેલાવી દેવામાં આપનો સહકાર આપો. વધુ માહિતી માટે આપ YOUTUBE ઉપર SAVE SOIL સર્ચ કરશો તો આપણે આ ઝુંબેશ વિષે સંપૂર્ણ માહિતી મળી રહેશે.

કૌશલ પારેખ – દીવ ( 9624797422 )

(લેખક દીવ ખાતે રહે છે અને વ્યવસાયે એકાઉન્ટન્ટ છે. તેઓ વિવિધ સામાજિક સેવાઓ સાથે જોડાયેલ છે)

દીવ તથા આસપાસના લોકો દ્વારા આ ઝુંબેશ સાથે જોડાવા ડૉ. હરેશ દાફડા મો. 9824833611 ઉપર પણ સંપર્ક કરી શકો છો)

error: Content is protected !!