કરચોરો પકડવા માટેની ઝુંબેશ નિયમિત વેપારીઓ માટે કનડગત ઊભી ના કરે તે અંગે ગુજરાત ટ્રેડર્સ ફેડરેશનની રજૂઆત

Spread the love
Reading Time: < 1 minute

સરકારની બોગસ વેપારીઓ પકડવા અંગેની ઝુંબેશને સહકાર આપીશું પણ વેપારીઓને કનડગત સાંખી નહીં લઈએ: પ્રમુખ જયેન્દ્ર તન્ના

તા. 21.05.2023: દેશભરમાં બોગસ વેપારીઓ પકડવા બે મહિનાની ખાસ કવાયત શરૂ કરવામાં આવી છે. આ ખાસ કવાયત દેશભરમાં બોગસ જી.એસ.ટી. રજીસ્ટ્રેશન મેળવી કરચોરી કરનાર કરદાતાઓની ઓળખ કરવામાં આવશે અને તેના ઉપર કાર્યવાહી કરવામાં આવશે. આ ઝુંબેશ 16 મે થી 15 જુલાઇ સુધી સેંટરલ જી.એસ.ટી. તથા સ્ટેટ જી.એસ.ટી. સાથે સંકલન કરી હાથ ધરશે. આ ઝુંબેશ અંગે  રાજ્યના સૌથી મોટા વેપારી સંગઠન માંથી એક ગુજરાત ટ્રેડર્સ ફેડરેશન દ્વારા ગુજરાત રાજ્યના નાણાંમંત્રીને એક પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે.

ગુજરાત ટ્રેડર્સ ફેડરેશન દ્વારા પત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ ઝુંબેશ કરચોરો વિરુદ્ધ હોય વેપાર જગત આ ઝુંબેશને સહકાર આપશે. પરંતુ સાથે સાથે એ પણ રજૂઆત ફેડરેશન દ્વારા કરવામાં આવી છે કે આ ઝુંબેશ પ્રમાણિક વેપારીઓ માટે તકલીફ ઊભીના કરે તે અંગે સરકાર દ્વારા માર્ગદર્શિકા બહાર પાડવામાં આવે તેવો આગ્રહ કરવામાં આવ્યો છે. વિવિધ સમાચાર પત્રોના સમાચારનો ઉલ્લેખ કરી ફેડરેશન દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે રાજ્યના 11.50 લાખ વેપારીઓનું રી વેરિફિકેશન કરવામાં આવશે તેવા અહેવાલ વિષે સરકાર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવે જે થી વેપારીઓમાં રહેલું ભયનું વાતાવરણ દૂર થઈ શકે. આ ઉપરાંત જે વેપારીઓનું વેરિફિકેશન કરવામાં આવશે તે વેપારીઓએ ક્યાં ક્યાં દસ્તાવેજો અને પુરાવાઓ રાખવા તે અંગે પણ સમાચારપત્રમાં જાહેરાત કરી વેપાર જગતને માહિતગાર કરવામાં આવે તે જરૂરી છે. ફેડરેશન દ્વારા એ પણ રજૂઆત કરવામાં આવી છે કે બોગસ વેપારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી રીતે વેપારી સાથે મિલીભગત હોય તેવા અધિકારી ઉપર પણ કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે. ગુજરાત ટ્રેડર્સ ફેડરેશનની આ રજૂઆત ધ્યાને લઈ સરકાર દ્વારા ખુલાસો બહાર પાડવામાં આવે તેવી માંગ વેપારી આલમમાં ઉઠી રહી છે. ભવ્ય પોપટ, એડિટર, ટેક્સ ટુડે

error: Content is protected !!