બોગસ વેપારીઓને ડામવાની કવાયતમાં પ્રમાણિક વેપારીઓને કોઈ કનડગત થશે નહીં: રાજ્ય જી.એસ.ટી.

Spread the love
Reading Time: < 1 minute

પ્રમાણિક વેપારીને કોઈ અધિકારી દ્વારા કનડગત કરવામાં આવે તો ડે. કમિશ્નર અથવા જોઇન્ટ કમિશ્નરનો સંપર્ક કરે વેપારી:

તા. 21.05.2023: બોગસ વેપારીઓને પકડવા અને કરચોરીનું કૌભાંડ ડામવા દેશભરમાં સેંટરલ જી.એસ.ટી. તથા સ્ટેટ જી.એસ.ટી. ડિપાર્ટમેંટ દ્વારા 16 મેથી બે મહિના માટે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ ઝુંબેશમાં બોગસ વેપારીઓને પકડવા સાથે પ્રમાણિક વેપારીઓને કનડગત કરવામાં આવશે તેવો ભય વેપારી આલમ સેવી રહ્યા છે. ગુજરાત ટ્રેડર્સ ફેડરેશન જેવા અનેક વેપારી મંડળો દ્વારા રાજ્ય સરકારને આ બાબતે રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆતોને ધ્યાને રાખી રાજ્ય જી.એસ.ટી. દ્વારા પ્રેસ વિજ્ઞપ્તિ  બહાર પાડવામાં આવી છે.

આ પ્રેસ વિજ્ઞપ્તિ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે કે વેપારીઓને ત્યાં તપસ એ માત્ર “રિસ્ક પેરમીટર” આધારિત કરવામાં આવશે. આમ, માત્ર સંદિગ્ધ પેઢીઓ ઉપર જ તપાસ કરવામાં આવશે.  પ્રેસ વિજ્ઞપ્તિમાં જણાવવામાં આવ્યું છે કે રાજ્યભરના 11.40 લાખ જેટલા કરદાતાઓ નોંધાયેલ છે જે CGST-SGST વચ્ચે રહેલા છે. SGST (રાજ્ય જી.એસ.ટી.) હેઠળ આવતા 6.50 લાખ કરદાતાઓ પૈકી પ્રથમ યાદીમાં માત્ર 2500 જેટલા વેપારીઓ જ આ શંકાના દાયરામાં આવેલ છે. આ યાદી મુજબ SGST હેઠળના કુલ વેપારીઓ પૈકી માત્ર 0.38 % જેટલા વેપારી જ આ યાદીમાં આવ્યા છે. આ પ્રેસ વિજ્ઞપ્તિમાં સ્પષ્ટતા કરવામાં આવેલ છે કે આ ઝુંબેશનો ઉદેશ માત્ર બોગસ વેપારીઓને ડામવાનો જ છે. કોઈ પણ પ્રમાણિક કરદાતાને હેરાનગતી કરવામાં આવે તો તે સંબધિત રેન્જના ડેપ્યુટી કમિશ્નર અથવા જોઇન્ટ કમિશ્નરનો સંપર્ક કરે. આ તમામ અધિકારીઓના ફોન નંબર કોમર્શિયલ ટેક્સ વેબસાઇટ ઉપર આપેલ છે. રાજ્ય જી.એસ.તી. દ્વારા આ ઝુંબેશમાં સહકાર આપવા વેપારીઓને અપીલ કરવામાં આવેલ છે. ભવ્ય પોપટ, એડિટર ટેક્સ ટુડે 

error: Content is protected !!