માલનું સ્થળાંતર એટ્લેકે સ્ટોક ટ્રાન્સફર એ ટેક્સેબલ ઇવેંટ ગણાય??? વાંચો આ ખાસ વિશ્લેષ્ણ

Spread the love
Reading Time: 5 minutes

માલનું સ્થળાંતર (સ્ટોક ટ્રાન્સફર)- એક વિશ્લેષ્ણ

-By Alkesh જાની

1. સ્ટોક ટ્રાન્સફર એટલે કે માલનું સ્થળાંતર (માલમાં કેપિટલ ગુડ્ઝ એટલે કે મૂડીગત માલનો પણ સમાવેશ થાય છે) શું તે વેરાપાત્ર છે? આ પ્રશ્નનો જવાબ તેલંગણા હાઇકોર્ટ અને કેરેલા હાઇકોર્ટ એવો આપ્યો છે કે જો માલ પોતાના એક ડેપોથી બીજા ડેપોમાં તબદીલ કરે એટલે કે ટ્રાન્સફર કરે તો એ વેરાપાત્ર ઘટના (અંગ્રેજીમાં Taxable Event) નથી.

2. અબકો ટ્રેડ્સ (પી) લિ. વિ. સહાયક રાજ્ય ટેક્સ ઓફિસર રિટ પિટિશન નંબર WP(C) નંબર 17377-2020(V) માં એવુ બન્યું કે અરજદારે લુબ્રિકન્ટ ઑઇલનો જથ્થો મોકલેલો હતો જેની ટેક્સ ઓફિસર દ્વારા અટકાયત કરવામાં આવી હતી અને કારણ દર્શાવ્યું હતું કે e-way બિલમાં માલ લેનારને બિન રજીસ્ટર વ્યક્તિ તરીકે દેખાડવામાં આવ્યું હતું અને ડિલિવરી ચલણમાં સીજીએસટી અને એસજીએસટી ઉઘરાવવામાં આવ્યો હતો.

3. અરજદાર વતી એવી દલીલ રજુ કરવામાં આવી હતી કે e-way બિલમાં માલ લેનારને ભલે બિન રજીસ્ટર વ્યક્તિ દેખાડવામાં આવ્યો હોય પણ માલ સાથે જે ઇન્વોઇસ હતું તેમાં માલ લેનારનો GSTIN બરોબર દર્શાવવામાં આવ્યો હતો અને ડિલિવરી ચલણમાં ભૂલથી સીજીએસટી અને એસજીએસટી દર્શાવવામાં આવ્યા હતા. વધુમાં આ માત્ર સ્ટોક ટ્રાન્સફર હતો અને કોઈ વેચાણ માટે ન હતો તેથી તેના પર કોઈ ટેક્સ લાગુ પડતો નથી.

4. દલીલોને ધ્યાનમાં રાખતા હાઇકોર્ટે માન્ય રાખ્યું કે અટકાયત કરવા માટેના કારણો કલમ 129 ને લાગુ કરવા માટે પર્યાપ્ત નથી અને અટકાયત વાજબી નથી એટલે પ્રતિવાદી ને તાત્કાલિક અટકાયત કરેલા માલ અને વાહનને અટકાયતમાંથી મુક્ત કરવાનો આદેશ આપે છે.

5. સેમ ડ્યુત્ઝ-ફહર ભારત (પી.) લિ. વિ. તેલંગાણા રાજ્ય, રિટ પિટિશન નંબર.13392-2020 ના કેસમાં એવી હકીકત છે કે અરજદાર ટ્રેક્ટર ઉત્પાદન અને તેના સ્પેરપાર્ટસ બનાવવાના વ્યવસાયમાં છે, જેની કોર્પોરેટ ઓફિસ તામિલનાડુમાં છે અને એના ડેપો દેશમાં જુદી જુદી જગ્યાએ છે. રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ મુજબ અરજદારનું મુખ્ય વ્યવસાયનું સ્થળ હયાત નગર તેલંગાણામાં છે અને વધારાનું વ્યવસાયનું સ્થળ બોનગુલુર ગામ ઈબ્રાહીમ મંડલ છે.

6. અરજદારે ચાર ટ્રેક્ટર તેના હૈદરાબાદ ખાતેના ડેપો માટે રવાના કર્યા જેમાં માલ લેનાર અને માલ આપનાર બંને એક જ દર્શાવ્યા અને સરનામું હયાત નગર દેખાડવામાં આવ્યું હતું. તેની અટકાયત કરવામાં આવી અને કારણ આપવામાં આવ્યું કે માલના હેરફેર અને દસ્તાવેજ એટલે કે ડોક્યુમેન્ટમાં મેળ ખાતો નથી. કલમ 129 (3) હેઠળ અરજદારને કારણ દર્શાવો નોટિસ આપવામાં આવી જેમાં સાત દિવસની અંદર કારણ દર્શાવો કે વેરો રૂપિયા 1,67,612 સીજીએસટી અને તેટલો જ એસજીએસટી સાથે દંડની રકમ ઉમેરતા કુલ રકમ 6,70,448 રૂપિયા કેમ ન વસુલવા.

7. અરજદાર ને ડર હતો કે તેના માલની જપ્તી થશે માટે તેને રકમ ભરી માલને અટકાયતમાંથી છોડાવી દીધો. ત્યારબાદ અરજદારે હાઇકોર્ટ સમક્ષ પિટિશન દાખલ કરી કે માલની અટકાયત જીએસટીનો વેરો અને જે દંડ ભરવામાં આવ્યા છે તે ટકી શકે તેમ નથી અને ગેરકાયદેસર છે. અરજદારે એવી દલીલ રજૂ કરી કે આ માત્ર સ્ટોક ટ્રાન્સફર હતો જે તેમની ફેક્ટરી તામિલનાડુમાં છે ત્યાંથી તેલંગણાના ડેપો પર ટ્રાન્સફર કરવામાં આવ્યા છે જેથી તેમાં કોઈ માલનું વેચાણ અથવા તો સેવા પૂરી પાડવામાં આવી નથી અને માત્ર એક રાજ્યોથી બીજા રાજ્યમાં માલ ટ્રાન્સફર કરવામાં આવ્યો છે જેમાં જીએસટી એક્ટની કોઈ જોગવાઈ લાગુ પડતી નથી કારણકે કોઈ વેરાપાત્ર ઘટના બની નથી.

8. વધુમાં, એવી દલીલ કરવામાં આવી કે અટકાયતનો હુકમ ટકી શકે એમ નથી કારણ કે જીએસટી રજીસ્ટ્રેશન એવું દર્શાવે છે કે અરજદારનું મુખ્ય વ્યવસાયનું સ્થળ તેલંગાણામાં છે અને વધારાનું વ્યવસાયનું સ્થળ બોનગુલુર ગામ ઈબ્રાહીમ મંડલમાં છે, જેથી પ્રતિવાદીએ માલની અટકાયત કરીને ગેરકાયદેસર રીતે વેરો અને દંડ વસૂલવામાં આવ્યો છે.

9. પ્રતિવાદી એટલે કે ડિપાર્ટમેન્ટે એવી દલીલ રજૂ કરી કે ભારતમાં જુદી જુદી જગ્યાએ અરજદારના ડેપો છે તેવી અમને જાણ નથી અને ઇન્વોઇસ અથવા તો E-way બીલમાં પણ એવું કંઈ દેખાતું નથી અને અરજદારે કારણદર્શક નોટિસના કોઈ પણ વાંધો ઉઠાવ્યા વગર તમામ રકમ ભરી દેવામાં આવી હતી અને એવું પણ રજૂ કર્યું કે વેટ વખતે બ્રાન્ચ ટ્રાન્સફર એ વેરાપાત્ર હતું એ જીએસટીમાં પણ છે, જોકે કોઈ કલમ કે જોગવાઈ આ બાબતમાં રજૂ કરવામાં આવી ન હતી.

10. કોર્ટે એવું ઠરાવ્યું કે અમે ડિપાર્ટમેન્ટની એ દલીલને સ્વીકારતા નથી કે જે સમયે માલની અટકાયત થઈ ત્યારે ટ્રાન્સપોર્ટર / વાહનના ડ્રાઈવરે એમને આવી કોઈ મહિતી આપી નહોતી. વધુમાં અરજદારે પૈસા ભર્યા છે કારણકે તેને એવો ડર હતો કે જો પૈસા નહીં ભરે તો માલની અટકાયત કરી અને તેમના અધિકારીઓની આ કાયદા હેઠળ ધરપકડ કરી શકે એમ છે.

11. હવે જ્યારે તે સ્પષ્ટ થયું છે કે અરજદારના વધારાના વ્યવસાયનું સ્થળ તેલંગાણામાં છે અને માલ તેના કોર્પોરેટ ઓફિસ તામિલનાડુ માંથી મોકલવામાં આવે છે અને ટેક્ષ ઇનવોઇસ અરજદારની કોર્પોરેટ ઓફિસ તામિલનાડુ અને મોકલવાનું સ્થળ એના ડેપો ઇબ્રાહિમ મંડળ છે, તો અરજદારે કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ આચરી નથી.

12. કોર્ટે એવો પણ હુકમ કર્યો કે ડિપાર્ટમેન્ટ પાસે વેરો અને દંડ ઉઘરાવવાનો કોઈ પ્રસંગ બનતો ન હતો જ્યારે અરજદારે કોઈપણ ગેરકાયદેસર પ્રવૃત્તિ આચરી નથી. માલનો ટ્રાન્સપૉર્ટ માત્ર સ્ટોક ટ્રાન્સફર છે અને તેમાં માલના વેચાણ અથવા તો સેવાનું કોઇપણ તત્વ નથી. હવે જ્યારે ડિપાર્ટમેન્ટને આ બાબતની જાણ છે તો વેરો અને દંડ જે અરજદાર પાસેથી ઉઘરાવ્યા છે તેને રાખી શકાય નહીં, જેથી ડિપાર્ટમેન્ટને નિર્દેશ આપે છે કે ભરેલી રકમ અને પેનલ્ટીને વાર્ષિક નવ ટકા વ્યાજ સાથે રિફંડ આપવી. વધુમાં ડિપાર્ટમેન્ટએ પંદર સો રૂપિયા ખર્ચ પેટે અરજદારને આપવા.

વિશ્લેષણ:-

13. ઉપરના બંને હાઈકોર્ટના નિર્ણય ખૂબ જ રસપ્રદ છે અને થોડોક વિચાર પણ માંગી લે છે કારણ કે બંને નિર્ણયોમાં સ્ટોક ટ્રાન્સફરને વેરાપાત્ર ઘટના નથી તેવી દલીલ રજુ કરવામાં આવે છે ત્યારે ડિપાર્ટમેન્ટ તરફથી કોઈ પ્રકારની વિરોધની દલીલો રજૂ કરવામાં આવતી નથી અને એવી કોઇ કલમ પણ રજૂ કરવામાં આવી નથી. જોકે તેના વિશે કોઈ વિગત અને આધાર પણ ચર્ચા કરવામાં આવ્યા નથી.

14. જો આપણે આને સમજવાનો પ્રયત્ન કરીએ તો સૌ પ્રથમ આપણે તે નક્કી કરવું પડશે કે સ્ટોક ટ્રાન્સફર તે સપ્લાયની વ્યાખ્યામાં આવે છે કે કેમ. કલમ 7(1) એવું કહે છે કે કોઈપણ અવેજ ના બદલામાં વેચાણ, ટ્રાન્સફર વગેરે ધંધા માટે અથવા ધંધાની પ્રગતિ માટે હોય તેને સપ્લાય કહેવાય પણ સ્ટોક ટ્રાન્સફરના કિસ્સામાં કોઈ અવેજ હોતું નથી માટે તે સપ્લયની વ્યાખ્યામાં આવતું નથી. અહીં જે ટ્રાન્સફર શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેના માટે અનુસૂચિ-IIમાં આપેલા ટ્રાન્સફરને જોવું પડશે.

15. અનુસૂચિ-IIનું માથાળુ કહે છે પ્રવૃત્તિ અથવા વ્યવહાર જેને માલ અથવા સેવાનો સપ્લાય તરીકે ગણવામાં આવશે જેમાંનું પહેલું ટ્રાન્સફર માટે છે. (a) કહે છે કોઈપણ માલના માલિકી હકને ટ્રાન્સફરને માલનો સપ્લાય ગણવાનો (b) કહે છે કોઈપણ માલના હક અથવા તો વણવહેંચાયેલા હિસ્સાના માલને જેમાં માલિકી હક ટ્રાન્સફર થતો નથી એને સેવાની સપ્લાય ગણવાનો. (c) કહે છે કોઈપણ માલના માલિકી હક એટલે કે ટાઈટલ કોઈ કરારથી બંધાયેલું હોય કે માલને ભવિષ્યમાં પૂરો પાડવામાં આવશે જ્યારે પૂરેપૂરી કિંમત જે નક્કી થઈ છે તે ચુકવ્યા પછી જ માલ આપવામાં આવશે, તેને માલનો સપ્લાય ગણવામાં આવશે.

16. સ્ટોક ટ્રાન્સફર એ પ્રવૃત્તિ તો છે પણ તેમાં કોઈ વ્યવહાર (અવેજ) નથી માટે એને અનુસૂચિ-II લાગુ પડશે જ નહીં, છતાં એને ઊંડાણે જોતા એવા તારણ પર આવી શકીએ કે માલનો માલિકીહક ટ્રાન્સફરને માલના સપ્લાય ગણવાનો, જ્યારે સ્ટોક ટ્રાન્સફરમાં આવા કોઈ માલના માલિકીહક ટ્રાન્સફર થતો નથી તેથી તે લાગુ નહીં પડે. બીજામાં વણવહેંચાયેલા હિસ્સાની વાત છે જ્યારે સ્ટોક ટ્રાન્સફરમાં કોઈ વણવહેચાયેલો હિસ્સો હોતો નથી તેથી તે પણ લાગુ નહીં પડે અને કોઈ કિંમત નક્કી થઈ નથી જે ચૂકવવામાં આવી હોય કે ભવિષ્યમાં પુરો પાડવામાં આવતો હોય માટે આ જોગવાઈ પણ સ્ટોક ટ્રાન્સફર ને લાગુ પડશે નહીં.

17. જ્યારે કોઈ ઇન્વોઇસ ઇસ્યુ કરવામાં આવે તો તેવું માનવામાં આવે છે કે માલિકીહક તબદીલ એટલે કે ટ્રાન્સફર કરવામાં આવ્યો છે પણ પોતાના જ નામનું ઇન્વોઇસ આપવાથી તે માલિકીહક તબદીલ થતો નથી. અહીંયા જ્યારે માલ રવાના કરવામાં આવે છે ત્યારે માલની સાથે ઇન્વોઇસ આપવું જરૂરી છે તેથી પોતાના જ નામનો ઇન્વોઇસ આપવામાં આવે છે આ માત્ર જોગવાઈનું પાલન માટે છે પણ કોઈ માલિકી હક્ક ટ્રાન્સફર થતો નથી તેથી તેને સપ્લાય ગણી શકાય નહીં. આમાં માલની કિંમત અને અવેજ જ પણ હોતું નથી કારણ કે એક જ પેન કાર્ડ ઉપર જુદા જુદા GSTIN હોઈ શકે છે પણ કંપનીના ચોપડે જેમાં દેશના જુદા જુદા પ્રદેશમાં આવેલી પોતાની ફેક્ટરી અથવા બ્રાન્ચ ઓફિસ કે ગોડાઉન વગેરે માટે સ્ટોક હોઈ શકે તો પણ સરવૈયુ તો એક જ બને છે. આ ચર્ચાનું સારાંશ એ છે કે સ્ટોક ટ્રાન્સફર તે વેરાપાત્ર ઘટના નથી અને સ્ટોક ટ્રાન્સફરમાં કોઈપણ વેરો પણ ભરવાપાત્ર નથી.

ખાસ નોંધ:- ઉપર જણાવેલા હાઇકોર્ટના નિર્ણયની વિરૂદ્ધમાં કોઈ અપીલ દાખલ કર્યાની માહિતી નથી.

2 thoughts on “માલનું સ્થળાંતર એટ્લેકે સ્ટોક ટ્રાન્સફર એ ટેક્સેબલ ઇવેંટ ગણાય??? વાંચો આ ખાસ વિશ્લેષ્ણ

  1. Very good massage and
    Tax related matter and good works or notification.

Comments are closed.

error: Content is protected !!