જી.એસ.ટી. ના માત્ર 4.50 રૂપિયા વધુ લેવા બદલ ઓનલાઈન કંપનીને કરવામાં આવ્યો 20000 નો દંડ!!

Spread the love
Reading Time: 2 minutes [speaker]

સ્વીગી દ્વારા MRP ઉપર જી.એસ.ટી. લેવાના કારણે પંચકુલા જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ પંચ દ્વારા કરવામાં આવ્યો દંડ.

તા. 12.07.2021: ઓનલાઈન ફૂડ ડિલિવરી કંપની “સ્વીગી” ઉપર પંચકુલા જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ પંચ દ્વારા વીસ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. સ્વીગી દ્વારા અભિષેક ગર્ગ નામના વ્યક્તિના એક ઓર્ડરની ડિલિવરી કરવા સાથે જે બિલ આપવામાં આવ્યું હતું તે બિલમાં કોકો-કોલાની બોટલ કે જેની MRP 90 રૂપિયા હતી તેના ઉપર 4.5 રૂપિયાનો જી.એસ.ટી. લગાડવામાં આવ્યો હતો. આ સામે ગ્રાહકે જિલ્લા ગ્રાહક તકરાર પંચમાં ફરિયાદ કરવામાં આવી હતી કે કોકોકોલાની MRP એ તમામ ટેક્સ સાથે નક્કી થતી હોય છે. આ MRP ઉપર કોઈ પણ ટેક્સ લગાડવો યોગ્ય નથી. આ પ્રકારે MRP ઉપર જી.એસ.ટી. લગાડવો એ કંસયુમર ગુડ્સ (મેંડેટરી પ્રાઇસિંગ ઓફ કોસ્ટ ઓફ પ્રોડકશન એન્ડ મેકઝીમમ રિટેઈલ પ્રાઇસ) એક્ટ 2006 નું ઉલ્લંઘન ગણાય. સ્વીગી દ્વારા એવી દલીલ કરવામાં આવી હતી કે જે જી.એસ.ટી. ઉઘરાવવામાં આવ્યો છે તે તેમના દ્વારા નહીં પણ  જે તે રેસ્ટોરન્ટ કે જેમના દ્વારા જમવાનું પાર્સલ તૈયાર કરવામાં આવ્યું છે તેમના દ્વારા ઉઘરાવવામાં આવ્યો છે. તેઓ માત્ર આ જમવાના પાર્સલની ડિલિવરી કરનાર છે.  ગ્રાહક પંચના અધ્યક્ષ સતપાલ, મેમ્બર ડો. શુશ્માં ગર્ગ તથા ડો. પવનકુમાર સૈની દ્વારા આ દલીલનો અસ્વીકાર કરતાં આદેશ કરવામાં આવ્યો કે સ્વીગી જેવી ઓનલાઈન કંપની આ સમગ્ર વ્યવહારમાં પોતાનો હાથ નથી તેવું કહી શકે નહીં. તેઓએ આદેશમાં ખાસ ઉલ્લેખ કર્યો હતો કે સ્વીગી જેવી કંપની કે જે ખરીદનાર તથા વેચનાર વચ્ચેની કડી રૂપ કામ કરે છે અને તેના માટે કમિશન લે છે તે માટે તે આ વ્યવહાર માટે જવાબદાર ગણાય. પંચ દ્વારા આદેશમાં ખાસ જણાવાયું હતું કે સ્વીગી પોતાની સેવા માટે કમિશન લે છે અને તે કોઈ સેવાભાવિ સંસ્થા નથી.  પંચ દ્વારા સ્વીગીને આ ભૂલ બદલ કસૂરવાર ઠેરવી, ગ્રાહક પાસેથી ખોટી રીતે લેવામાં આવેલ 4.5 રૂપિયા વ્યવહાર તારીખથી 9% વ્યાજ સાથે ગ્રાહકને પરત કરવા હૂકુમ કર્યો હતો. આ ઉપરાંત ગ્રાહકને પડેલ માનસિક તણાવ બદલ દસ હજારનું વળતર ચૂકવવા તથા દસ હજારની રકમ હરિયાણા સ્ટેટ કાઉન્સીલ ફોર ચાઇલ્ડ વેલ્ફેરના લાભાર્થે આપવા આદેશ કર્યો હતો. આ રકમ આદેશ મળ્યાના 30 દિવસમાં જમા કરાવવા સ્વીગીને જણાવવામાં આવ્યું છે.

મેકઝીમમ રિટેઈલ પ્રાઇઝમાં તમામ કરવેરાનો સમાવેશ થયેલ ગણાય તે બાબત પંચકુલા જિલ્લા ગ્રાહક પંચના આ ચુકાદામાં ફરી પ્રતિપાદિત થઈ છે. વેપારીઓ આ બાબતની ખાસ નોંધ લે તે ખૂબ જરૂરી છે. 4.5 રૂપિયા જેવી નજીવી રકમ માટે ગ્રાહક તરીકે અને ગ્રાહકો માટે મહેનત કારનાર આશુતોષ ગર્ગ હાલ વાહવાહીને પત્ર બની રહ્યા છે તેવા સમાચાર છે. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે.

error: Content is protected !!