ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટ હવે વિગતો આપવા કે જવાબ રજૂ કરવા કરદાતાને રૂબરૂ બોલાવી શકશે નહીં
કોઈ પણ કરદાતાને માત્ર ઇ મેઈલ દ્વારા જ મોકલવામાં આવશે નોટિસ
તા. 15.12.2021: ઇન્કમ ટેક્સ હેઠળ સ્કૃટીની તથા અપીલ છેલ્લા વર્ષથી સંપૂર્ણ પણે ઓનલાઈન બનાવી આપવામાં આવી છે. આમ, કરદાતાના ચોપડાની વિગતવાર તપાસ માટે થતી “સ્કૃટીની” તથા કરદાતા દ્વારા કે કરદાતા સામે કરવામાં આવેલ અપીલની વિધિ ઓનલાઈન તથા ફેસલેસ કરવી ફરજિયાત છે. હવે આ ડિજિટલાઇઝેશનમાં એક વધુ કડી જોડવામાં આવેલ છે. 13 ડિસેમ્બર 2021 થી કરદાતા પાસેથી મેળવવાની થતી કોઈ પણ વિગતો હવે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટ દ્વારા ઇ મેઈલ દ્વારા જ મેળવવાની રહેશે. હવે ઇન્કમ ટેક્સ હેઠળ સમન્સ દ્વારા રૂબરૂ ઉપસ્થિત રહેવા તથા વિગતો આપવા પણ જણાવી શકશે નહીં. ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટ પાસે કરદાતાના વ્યવહારોની માહિતી હોય જેના ઉપર ડિપાર્ટમેંટને ખુલાસાની જરૂર હોય તો તેઓ કરદાતાને ઇ મેઈલ દ્વારા વિગતો આપવા જણાવી શકે છે. આ વિગતોમાં કોઈ પણ સંજોગોમાં કરદાતા કે તેના વતી અધિકૃત વ્યક્તિ અધિકારીને રૂબરૂ મળી શકશે નહીં. કરદાતા દ્વારા કોઈ ખાસ સંજોગોમાં રૂબરૂ ઉપસાથિત રહેવાની માંગ કરવામાં આવેલ હોય તો પણ આ ઉપસ્થિતિ માત્ર વિડીયો કોન્ફરન્સ દ્વારા જ કરવાની રહેશે. કરદાતા તરફથી પૂરી પાડવામાં આવેલ માહિતી જો સંતોષકારક જણાશે તો ઓનલાઈન વિગતો માંગવામાં આવેલ કાર્યવાહી પડતી મૂકી આપવામાં આવશે. જ્યારે કરદાતા તરફથી પૂરી પાડવામાં આવેલ માહિતી કે જવાબ સંતોષકારક લાગે નહીં તો ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટ કાયદા મુજબ તેની યોગ્ય ચકાસણી કરવાની વિધિ ફેઇસલેસ સ્કૃટીની દ્વારા હાથ ધરશે.
આ અંગે વાત કરતાં ઉના તથા વડોદરા ખાતે ઇન્કમ ટેક્સ અંગેની પ્રેક્ટિસ કરતાં CA ચિંતન પોપટ જણાવે છે કે “આ સ્કીમ ચોક્કસ આવકારપાત્ર છે પરંતુ આ સ્કીમમાં થોડી વહીવટી મુશ્કેલી પડે તેવું હું માનું છું. ઉના જેવા નાના શહેરમાં કે જ્યાં મોટાભાગના કરદાતાઓ ઇ મેઈલ નો ઉપયોગ કરતાં ના હોય, ત્યાં માત્ર ઇ મેઈલ દ્વારા જ થતાં કરદાતા આ નોટિસ ચૂકી જાય તેવી પ્રબળ સંભાવના રહેલી છે. આ સ્કીમમાં રજિસ્ટર્ડ ઇ મેઈલ એડ્રેસ તરીકે ક્યાં ઇ મેઈલ એડ્રેસને ગણવું તે અંગે અધિકારીને વિવિધ વિકલ્પો આપવામાં આવ્યા છે. જ્યારે કરદાતાના જેટલા ઉપલબ્ધ ઇ મેઇલ હોય તેમાં તમામમાં નોટિસ આપવી મારા મતે જરૂરી ગણાય. ઇ વેરિફિકેશન સ્કીમ 2021 માં આ સુધારો કરવો ખૂબ જરૂરી છે”.
13 ડિસેમ્બરે બહાર પાડવામાં આવેલ “ઇ વેરિફિકેશન સ્કીમ-2021” સાથે જ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટ લગભગ તમામ બાબતોમાં ફેસલેસ બની ગયું છે. કરદાતાને સરળતા તથા ભ્રષ્ટાચાર ઓછો કરવા ઉઠાવવામાં આવેલ આ તમામ પગલાં લાંબાગાળે ચોક્કસ ફાયદાકારક સાબિત થશે તે ચોક્કસ છે પરંતુ આ નવી વિધિઓ ટૂંકા ગાળામાં તો કરદાતા તથા ટેક્સ પ્રોફેશનલ્સ માટે નવી નવી મુશ્કેલી ઊભી કરશે તે શક્યતા પણ નકારી શકાય નહીં. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે