વેચનાર વેપારી જો સમયસર નહીં ભારે પોતાનું GSTR 1/IFF રિટર્ન તો ખરીદનારને નહીં મળે ક્રેડિટ…

તમામ B2B વેચાણ કરનાર વેપારીએ સતર્ક રહી જે તે મહિના પછીની 11 તારીખ સુધી GSTR 1 અથવા 13 તારીખ સુધીમાં IFF ભરી આપવું ખૂબ જરૂરી છે.
તા. 03.03.2021: જી.એસ.ટી. કાયદા હેઠળ ઈન્પુટ ટેક્સ ક્રેડિટ અંગેના નિયમો સતત કડક બનાવવામાં આવી રહ્યા છે. સતત જી.એસ.ટી. ચોરીના જે કિસ્સાઓ સામે આવી રહ્યા છે તેને ડામવા સરકાર દ્વારા વિવિધ નિયમો માં સતત ફેરફારો કરી રહી છે. આ કારણોસર અન્ય જી.એસ.ટી. નંબર ધરાવતા વેપારીઑને વેચાણ કરતાં વેપારીની જવાબદારી અનેક ગણી વધી ગઈ છે. પ્રવર્તમાન નિયમ મુજબ ખરીદનાર વેપારીને પોતાની ખરીદીની ક્રેડિટ તો જ મળી શકે જો વેચનારે પોતાના વેચાણ રિટર્નમાં (GSTR 1 અથવા IFFમાં) આ વેચાણ દર્શાવ્યું હોય. જો આ ક્રેડિટ ખરીદનારના 2A માં દર્શાવવામાં નહીં આવે તો તેને ઈન્પુટ ટેક્સ ક્રેડિટ મળશે નહીં અને વેચનાર વેપારીને ટેક્સ આપ્યો હોવા છતાં ફરી ટેક્સ ભરવાની જવાબદારી ખરીદનારની આવશે.
આ બાબતને એક ઉદાહરણ તરીકે સમજવામાં આવે તો ઉના ટ્રેડર્સ દ્વારા રાજકોટ એનટરપ્રાઇસ પાસેથી 1 લાખનો 18% જી.એસ.ટી. વાળો માલ ફેબ્રુઆરીમાં ખરીદવામાં આવ્યો છે. આ માલ ઉપર 18 % લેખે જી.એસ.ટી. પણ ખરીદનાર દ્વારા વેચનારને આપી દેવામાં આવ્યો છે. પરંતુ કોઈક કારણસર વેચનાર વેપારીએ પોતાનું GSTR 1, 11 માર્ચ સુધી ભર્યું નથી તો ખરીદનાર જ્યારે પોતાનું રિટર્ન ભરશે ત્યારે તેમણે આ ઈન્પુટ ટેક્સ ક્રેડિટ મળશે નહીં. 18000 નો જી.એસ.ટી. વેચનારને ચુકાવ્યો હોવા છતાં ફરી તે ભરવાની જવાબદારી આવશે. આમ, ખરીદનાર વેપારીને મોટી મુશ્કેલી થશે.
B2B વ્યવહારો હોય ત્યારે આ બાબતની ગંભીરતા સમજી વેપારીએ નિયત તારીખ સુધીમાં વેચાણનું રિટર્ન ભરવું ખૂબજ જરૂરી બની જાય છે. આ ઈન્પુટ ટેક્સ ક્રેડિટ ના મળવાના કારણે અનેક કિસ્સાઓમાં ખરીદનાર અને વેચનાર વચ્ચે ઝઘડા થયા હોવાના પણ સમાચારો મળી રહ્યા છે. વેપારીઓએ એ બાબત સમજવી જરૂરી છે કે પોતાના વેચાણનું રિટર્ન ભરી આપ્યા પછી ખરીદીની વિગતો સાથે GSTR 3B ભરવા તેમને 20 તારીખ સુધીનો સમય મળે છે. પણ કોઈ ખરીદીની વિગત બાકી હોય અને પોતાના એકાઉન્ટન્ટને વેચાણની વિગતો ના પહોચડવાની ભૂલો અનેક વેપારીઓ કરતાં જોવા મળે છે જે ભૂલ ના થાય તેની તકેદારી રાખવી જોઈએ. જો કે માત્ર, B2C એટલેકે ગ્રાહકો સાથે વેચાણ કરતાં કરદાતાઓ માટે ઉપરોક્ત વિગત એટલી ગંભીર રહેતી નથી.
આ લેખનું ખાસ ઉદ્દેશ એ જ છે કે B2B વ્યવહાર કરતાં દરેક વેપારી પોતાની જવાબદારી સમજી પોતાનું વેચાણનું રિટર્ન સમયસર ભારે તે ઇચ્છનીય છે.
(ટેક્સ ટુડે દ્વારા આ લેખ વેપારીઑના હિત માટે ખાસ લખવામાં આવ્યો છે. આપને ખાસ વિનંતી કે આ લેખ આપના અસીલો, મિત્રોને ખાસ ફોરવર્ડ કરશો)