કરદાતા ઈન્પુટ ટેક્સ ક્રેડિટ મેળવવા હક્કદાર હોય તો GSTN ની ગિલ્ચના કારણે તે અટકાવી શકાય નહીં: ગુજરાત હાઇકોર્ટ

Spread the love
Reading Time: 2 minutes

કરદાતાને કંપોઝીશનમાં થી રેગ્યુલરમાં જવા સમયે સ્ટોકની ક્રેડિટ આપવા જી.એસ.ટી. ડિપાર્ટમેંટને આપવામાં આવ્યો નિર્દેશ: 

તા. 18.02.2022: ગુજરાત હાઇકોર્ટ દ્વારા એક મહત્વના કેસમાં ચુકાદો આપતા જણાવ્યુ હતું કે કરદાતા જે ક્રેડિટ મેળવવા હક્કદાર હોય તે ક્રેડિટ GST પોર્ટલની ખામીઓના કારણે રોકી શકાય નહીં. કેસના તથ્યો જોવામાં આવે તો કરદાતા વેરાવળ ખાતે કંપોઝીશન હેઠળ ટેક્સ ભરતા હતા. તેઓને 01 એપ્રિલ 2019 થી કંપોઝીશન થી બહાર નીકળી રેગ્યુલર કરદાતા તરીકે ટેક્સ ભરવાનો થતો હતો. કરદાતા દ્વારા 01.04.2019 ના રોજ રહેલા સ્ટોકની ઈન્પુટ ટેક્સ લેવા માટે ફોર્મ ITC 01 ભરવાનું થતું હતું. કરદાતા દ્વારા નિયત સમયમાં આ ફોર્મ ભરવા પ્રયાસ કરવામાં આવ્યા હતા. પરંતુ કરદાતા આ ફોર્મ પોર્ટલ ઉપર ભરી શક્ય ના હતા. કરદાતા દ્વારા આ બાબતે તુરંત જ જી.એસ.ટી. અધિકારીને ITC 01 ની CD સાથે લેખિતમાં જાણ કરવામાં આવી હતી. જી.એસ.ટી. ડિપાર્ટમેંટ દ્વારા પણ આ ITC 01 ફોર્મ ભરવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ કરદાતા આ ફોર્મ ભરી શક્યા ના હતા. આ બાબતે અધિકારી દ્વારા કરદાતાને વિધિવત રીતે જાણ પણ કરેલ હતી. આ કેસમાં સરકારી વકીલ ઉત્કર્ષ શર્મા દ્વારા દલીલ કરવામાં આવી હતી કે કરદાતા દ્વારા ITC 01 ભરવામાં જે “ઓફલાઇન યુટિલિટી” વાપરવામાં આવી હતી તે ખોટી હતી. જો કે જી.એસ.ટી. ડિપાર્ટમેંટ દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું કે કરદાતા ઈન્પુટ ટેક્સ ક્રેડિટ માટે હક્કદાર છે. આ તમામ બાબતો ધ્યાને લઈ ગુજરાત હાઇકોર્ટની ટેક્સ બેન્ચ દ્વારા ચુકાદો આપતા કરદાતાને આ ઈન્પુટ ટેક્સ ક્રેડિટ લેવા સગવડ કરી આપવા જી.એસ.ટી. ડિપાર્ટમેંટને જણાવવામાં આવ્યું હતું. આ માટે જી.એસ.ટી. ડિપાર્ટમેંટને ચુકાદો મળ્યાથી છ અઠવાડીયાનો સમય આપવામાં આવ્યો છે.

ટેકનિકલ ક્ષતિઓના કારણે કોઈ કરદાતા પોર્ટલ ઉપર ફોર્મ ભરી ના શકે તેના માટે તે હક્કદાર હોય તેવી ઈન્પુટ ટેક્સ ક્રેડિટ નકારી શકાય નહીં. આ ચુકાદાનું અન્ય મહત્વનુ પાસું જોવામાં આવે તો વેરાવળ ખાતેના આસીટંટ કમિશ્નર વિપુલ પ્રજાપતિ દ્વારા કરદાતા દ્વારા કરવામાં આવેલ પત્ર ઉપર કરવામાં આવેલ કાર્યવાહી પણ મહત્વની જણાઈ આવે છે. કરદાતાની તકલીફો બાબતે જી.એસ.ટી. ડિપાર્ટમેંટનું આ પ્રકારનું સકારાત્મક વલણ કરદાતાઓની તકલીફો દૂર કરવામાં ખૂબ મદદરૂપ બને છે તે બાબત ચોક્કસ છે. ભવ્ય પોપટ, એડિટર, ટેક્સ ટુડે

 

error: Content is protected !!