રોકાણનો મુખ્ય હેતુ ટેક્સ બચાવવાનો નહીં પણ નાણાકીય આયોજનનો હોવો જોઈએ!!

Spread the love
Reading Time: 4 minutes

નાણાકીય વર્ષ 2023 24 થી મોટા પ્રમાણમાં કરદાતાઓને ઇન્કમ ટેક્સ હેઠળ નવી સ્કીમ ટેક્સ ભરવાનો અનુકૂળ થશે. આ સ્કીમમાં માન્ય રોકાણ કરવા બદલ પણ નથી મળતા કોઈ લાભ!! આમ છતાં પોતાની નાણાકીય જરૂરિયાત મુજબ રોકાણ કરવું ચોક્કસ જરૂરી છે!!

તા. 19.01.2024: ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ વિવિધ માન્ય રોકાણોમાં રોકાણ કરવામાં આવે તો આ રોકાણ આવકમાંથી બાદ આપવામાં આવે છે. આ માન્ય રોકાણોમાં લાઈફ ઈન્સ્યોરન્સ પ્રીમિયમ, નેશનલ સેવિંગ સર્ટિફિકેટમાં કરવામાં આવતું રોકાણ, 3 વર્ષના લોક ઇન પિરિયડ ધરાવતા ઇક્વિટી લિન્ક મ્યુચવલ ફંડ,  ભારતમાં પૂર્ણકાલીન અભ્યાસ માટે ચૂકવવામાં આવતી ફી, પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) ના રોકાણો, પગારદાર વ્યક્તિના પગારમાંથી થતી પ્રોવિડન્ટ ફંડની કપાત, હાઉસિંગ લોન ચુકવણીના હપ્તા, પાંચ વર્ષ કે તેથી વધુ સમયગાળા માટે મૂકવામાં આવેલ “ટેક્સ સેવર FD” જેવા રોકાણ નો સમાવેશ થાય છે. નાણાકીય વર્ષ 2019-20 સુધી કરદાતાઓ માટે પોતાનો ટેક્સ બચાવવા ઇન્કમ ટેક્સની કલમ 80C હેઠળ માન્ય રોકાણો કરવા ફરજિયાત હતા. આ ઉપરાંત ઇન્કમ ટેક્સની કલમ 80D હેઠળ મેડીક્લેઇમ, 80G હેઠળ માન્ય ટ્રસ્ટને આપવામાં આવતા ડોનેશન પણ આવકમાંથી બાદ થાય છે. હવે જ્યારે ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ 01 એપ્રિલ 2020 થી નવી કલમ 115BAC ઉમેરવામાં આવી છે ત્યારથી કરદાતાને ઇન્કમ ટેક્સ બચાવવા કલમ 80C, 80D વગેરે ના રોકાણો કરવાના વિકલ્પે ઇન્કમ ટેક્સ કાયદાની કલમ 115BAC નો લાભ લેવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે. અગાઉ ટેક્સ પ્રોફેશનલ્સ તરીકે ટેક્સ બચાવવા માટે પોતાના અસીલને આ રોકાણ કરવા જણાવવામાં આવતું જ્યારે હવે ટેક્સ પ્રોફેશનલ્સ તરીકે અસીલોને જણાવવામાં આવે છે કે માત્ર ટેક્સ બચાવવાના હેતુથી ઇન્કમ ટેક્સ હેઠળ માન્ય રોકાણ કરવામાં આવે તે જરૂરી નથી. હા, બચત માટે અને પોતાની જરૂરિયાત માટે રોકાણ કરવામાં આવે તે ચોક્કસ આગ્રહભર્યું છે.

માત્ર ટેક્સ બચાવવા નહીં ફાઇનાન્સિયલ પ્લાનિંગ” માટે આ રોકાણ તમામ માટે છે જરૂરી!!

  1. ટર્મ ઈન્સ્યોરન્સ

ટર્મ ઈન્સ્યોરન્સ એ “ફાઇનાન્સિયલ પ્લાનિંગ” નો ખૂબ જરૂરી અંગ છે. લેખકના અંગત મત મુજબ દરેક વ્યક્તિએ પોતાના લગ્ન થાય ત્યારે રોકાણની સૌથી પહેલી શરૂઆત ટર્મ ઈન્સ્યોરન્સ” દ્વારા કરવી જોઈએ. ખાસ કરીને એવા વ્યક્તિ જેમના જીવનસાથી કોઈ નોકરી કે ધંધામાં જોડાયેલ ના હોય અને આવકનો કોઈ નિયમિત સ્ત્રોત ના હોય ત્યારે “ટર્મ ઈન્સ્યોરન્સ” ની જરૂરિયાત ખૂબ વધી જાય છે. કોઈ પતિ પોતાની પત્નીને લગ્નની કે પ્રથમ “એનિવર્સરી” ની જે “બેસ્ટ ગિફ્ટ” આપી શકે તો તે “ગિફ્ટ” ટર્મ ઈન્સ્યોરન્સ” ની આપી શકે. હાલ “ફાઇનાન્સિયલ માર્કેટ” માં બન્ને પ્રકારના “ટર્મ ઈન્સ્યોરન્સ” મળી રહે છે. એક એવા પ્રકારના “ટર્મ ઈન્સ્યોરન્સ” છે જેમાં વ્યક્તિ દ્વારા ભરવામાં આવતી “પ્રીમિયમ” ની રકમ વીમાની રકમના પ્રમાણમાં ખૂબ નાની હોય છે પણ વીમા પોલિસીના અંતે જે વ્યક્તિનો વિમી લેવામાં આવ્યો હોય તે હયાત હોય તો ભરેલ “પ્રીમિયમ” ની રકમ પરત થતી નથી. આ પ્રકારની “ટર્મ ઈન્સ્યોરન્સ” પોલિસી, પ્રીમિયમની રકમ ખૂબ ઓછી હોવાના કારણે વીમાનો હેતુ પૂર્ણ કરવા માટે આદર્શ ગણવામાં આવે છે. હવે એ પ્રકારની “ટર્મ ઈન્સ્યોરન્સ” પોલિસી પણ ઉપલબ્ધ છે જેમાં વીમા પોલિસીનો સમય પૂર્ણ થતાં કરદાતાને રકમ નિયમોઅનુસાર પરત પણ મળતી હોય છે. આ પ્રકારની પોલિસીમાં વીમાની રકમ સામે પ્રીમિયમની રકમ પણ પ્રમાણમા મોટી આવતી હોય છે. ઘણા વ્યક્તિઓને ટ્રેડિશનલ ટર્મ ઈન્સ્યોરન્સ” માં જે વિમાની પોલિસી પૂર્ણ થતાં સંપૂર્ણ રકમ જતી રહેતી હોય તે ના પસંદ હોય તેઓના માટે આ નવા પ્રકારની “ટર્મ ઈન્સ્યોરન્સ” પોલિસી પણ સારો વિકલ્પ રહે છે. કોઈ પણ “ટર્મ ઈન્સ્યોરન્સ” લેવામાં બે મહત્વની બાબતનો ખ્યાલ રાખવો જરૂરી છે. એક, શક્ય હોય ત્યાં સુધી જેટલી નાની ઉમરે “ટર્મ ઈન્સ્યોરન્સ” લેવામાં આવે એટલો વાર્ષિક પ્રીમિયમનો દર ઓછો રહેતો હોય છે. આમ, “ટર્મ ઈન્સ્યોરન્સ” શક્ય એટલું વહેલું લેવું સલાહભર્યું છે. બીજી મહત્વની બાબત એ છે કે “ટર્મ ઈન્સ્યોરન્સ” એ વ્યક્તિનું લેવામા આવે જેના ઉપર હાલ આવક કમાવવાની જવાબદારી છે. ઘણીવાર એવું ધ્યાને આવતું હોય કે “ટર્મ ઈન્સ્યોરન્સ” એવા વ્યક્તિનું લેવામાં આવ્યું હોય છે જેમની કોઈ આવક જ ના હોય!!               

  1. મેડીક્લેઇમ:

અનુભવી લોકોના મુખેથી એવું સાંભળવા મળતું હોય છે કે “હોસ્પિટલ” અને કોર્ટ કચેરીના ખર્ચા જેના શરૂ થાય તેઓ ઊંડા ખાડામાં ઉતરી જાઇ. આ હોસ્પિટલના ખર્ચ સામે રક્ષણ મેળવવા મેડીક્લેઇમ” એ સૌથી મહત્વનું રોકાણ ગણી શકાય. વ્યક્તિએ પોતાની આવક સ્થિર થાય કે તુરંત જ પોતાના સંપૂર્ણ પરિવાર માટે મેડીક્લેઇમ” કરાવવો ખૂબ જરૂરી છે. પોતે કેટલી રકમનો મેડીક્લેઇમ” લેવો તે વ્યક્તિગત જરૂરિયાત પર આધાર રાખે છે. હા, પણ મેડીક્લેઇમ” માં “કેશલેસ” વિકલ્પ લેવામાં આવે તે ખૂબ જરૂરી છે. પોતાના કે પરિવારના સ્વસ્થ્યમાં કોઈ બીમારી નિદાન થાય પછી “મેડીક્લેઇમ” મેળવવો વધુ મુશ્કેલ હોય છે. આમ, “મેડિકલેઇમ” પણ શક્ય એટલો જલ્દી શરૂ કરવો હિતાવહ છે.   

  1. ઈકવિટી લિન્ક મ્યુચઅલ ફંડ:

ઇક્વિટીને હમેશા એક જોખમી વિકલ્પ તરીકે જોવામાં આવે છે. હા, આ બાબત ખોટી પણ નથી. શેર માર્કેટ સાથે જોડાયેલ હોવાના કારણે “ઇક્વિટી” જોખમી તો ચોક્કસ ગણી શકાય. પરંતુ એ બાબત પણ ચોક્કસ છે કે રોકાણ ઉપર સૌથી સારું વળતર આપવાની ક્ષમતા પણ ઇક્વિટી લિન્ક મ્યુચઅલ ફંડ પાસે જ છે. મોંઘવારી દિનપ્રતિદિન વધતી જાય છે. આ મોંઘવારીની સાથે તાલ મિલાવી શકે તેવો સૌથી સારા રોકાણનો વિકલ્પ ઇક્વિટી લિન્ક મ્યુચઅલ ફંડ ને ગણી શકાય. ઇક્વિટી લિન્ક મ્યુચઅલ ફંડમાં રોકાણનો સૌથી સારો વિકલ્પ SIP (સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેંટ પ્લાન) ને ગણી શકાય. દર મહિને થોડી થોડી રકમની SIP ભવિષ્યમાં સારૂ રિટર્ન આપી શકે છે. યુવાન વયના રોકાણકાર માટે SIP એ સૌથી સારો વિકલ્પ ગણી શકાય અને પોતાનું મહત્તમ રોકાણ “મ્યુચઅલ ફંડ” માં કરવામાં આવે તે સલાહભર્યું છે. જ્યારે મધ્યમ ઉમરના તથા વયસ્ક રોકાણકારોએ પોતાની પાસેના કુલ રોકાણનો અનુક્રમે 50% અને 25% જેવો હિસ્સો આ SIP દ્વારા ઇક્વિટી લિન્ક મ્યુચઅલ ફંડમાં રોકે તે હિતાવહ છે.    

 કોઈપણ વ્યક્તિ પોતાની મહેનતની કમાણી સારી જગ્યાએ રોકાણ કરવા ઇચ્છતા હોય તે સ્વાભાવિક છે. સાથે સાથે પોતાની આવક ઉપર લાગતો આવકવેરો કેવી રીતે મહત્તમ બચાવવો તે પણ હેતુ આ રોકાણ સાથે રહેલો હોય છે. હવે જ્યારે કરદાતા પાસે કોઈ રોકાણનો ટેક્સ બચતમાં લાભ લેવાના બદલે ઇન્કમ ટેક્સ કાયદાની કલમ 115BAC હેઠળ નવા દરે વેરો ભરવાનો વિકલ્પ હોય ત્યારે ટેક્સ બચાવવા રોકાણ કરવાના બદલે જરૂરિયાત મુજબ રોકાણ કરવું સલાહભર્યું છે.  

error: Content is protected !!