જી.એસ.ટી. હેઠળ આ માલ તથા સેવાની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ મળે નહીં!!
ઈન્પુટ ટેક્સ ક્રેડિટ વિશેષ લેખ શૃંખલાનો લેખ નંબર 2
તા. 30.11.2021
“સિમ લેસ ક્રેડિટ” એટલેકે કોઈ પણ બાધ વગરની ક્રેડિટ મેળવી શકાય તે માટે લાગુ કરવામાં આવેલ જી.એસ.ટી. હેઠળ અમુક ખાસ ક્રેડિટને ગણવામાં આવે છે “બ્લોક ક્રેડિટ”
“બ્લોક ક્રેડિટ” ની યાદીમાં આવતા માલ તથા સેવાની ક્રેડિટ માલ કે સેવા મેળવનાર વેપારી લઈ શકે નહીં. જો આ ક્રેડિટ લેવામાં આવે તો લાગી શકે છે દંડ તથા વ્યાજ!!
જી.એસ.ટી. કાયદો લાગુ કરવાનો સૌથી મોટો હેતુ કરદાતાને “સિમલેસ ક્રેડિટ” મળી રહે તે અંગેનો હતો. અગાઉ માલ ઉત્પાદન ઉપર લગતી એક્સાઈઝની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ છૂટક કે જથ્થાબંધ માલ વેચનાર ને મળતી ન હતી. તેવી રીતે અલગ અલગ રાજ્યોના વેટ કાયદા હેઠળ “ક્રોસ ક્રેડિટ” એટલેકે એક બીજા રાજ્યો પર લાગેલ વેટની ક્રેડિટ કરદાતાને મળતી ન હતી. આ ઉપરાંત વેટ કાયદા હેઠળ માલનું વેચાણ કરતાં કરદાતાને તેના દ્વારા મેળવવામાં આવેલ સેવાની ક્રેડિટ મળતી નહીં તો સામે સેવા પૂરી પડતાં સર્વિસ ટેક્સ હેઠળ નોંધાયેલ કરદાતાને તેની ખરીદી ઉપરના વેટની ક્રેડિટ મળતી ન હતી. માલ ઉત્પાદન પર લગતા એક્સાઈઝ, માલ વેચાણ પર વિવિધ રાજ્યો દ્વારા લાગુ કરવામાં આવેલ વેટ તથા સેવા ઉપર લાગુ સર્વિસ ટેક્સના સ્થાને એક જી.એસ.ટી. લાગુ કરવામાં આવ્યો છે. આમ, આ તમામ કાયદાના સ્થાને જી.એસ.ટી. કાયદો આવવાથી કરદાતાને “સિમલેસ ક્રેડિટ” એટલેકે કોઈ પણ બાધ વિના ક્રેડિટ મળી રહેશે તેવું માનવમાં આવી રહ્યું હતું. પરંતુ આજે 4 વર્ષે જ્યારે જી.એસ.ટી. નું આંકલન કરીએ ત્યારે એટલું ચોક્કસ કહી શકીએ કે જી.એસ.ટી હેઠળ ઈન્પુટ ટેક્સ ક્રેડિટ “સિમલેસ” રહી નથી.
જી.એસ.ટી. હેઠળ મૂળભૂત હેતુ ધંધાકીય વ્યવહારો ઉપર વધુમાં વધુ ઈન્પુટ ટેક્સ ક્રેડિટ વેપારીઓને મળી રહે ત સુનિશ્ચિત કરવાનો હતો. આમ, વધુ માં વધુ ક્રેડિટ જ્યારે વેપાર જગતને આપવામાં આવે ત્યારે વિવિધ માલ તથા સેવાઓના ભાવ ઘટે તેવી સામાન્ય અર્થશાસ્ત્રનું ગણિત હતું. પરતું આ સાથે જ જી.એસ.ટી. કાયદો લાગુ થયો છે ત્યારથી અમુક ખાસ ઈન્પુટ ટેક્સ ક્રેડિટનો સમાવેશ “બ્લોક ક્રેડિટ” માં કરવામાં આવ્યો છે. “બ્લોક ક્રેડિટ” એટ્લે એવી ક્રેડિટ જેની ક્રેડિટ કોઈ પણ વેપારીઓ માટે અથવા તો ખાસ પ્રકારના વેપારીઑ માટે “બ્લોક” કરવામાં આવેલ છે. આ માલ કે સેવાની ઈન્પુટ તકે ક્રેડિટ આ માલ કે સેવા ખરીદવામાં વેપારી દ્વારા વેચનારને જી.એસ.ટી. ચુકાવ્યો હોવા છતાં મળી શકે નહીં. આ પ્રકારની “બ્લોક ક્રેડિટ” નો સમાવેશ જી.એસ.ટી. કાયદાની કલમ 17 માં કરવામાં આવ્યો છે.
માલ કે સેવાનો અંગત હેતુઓ માટે ઉપયોગ:
ઘણી વાર કોઈ વેપારી દ્વારા એવા માલ કે સેવાનો મેળવવામાં આવતી હોય છે જે માલ કે સેવાનો ઉપયોગ વેપારી દ્વારા ધંધાકીય હેતુઓ માટે ઉપરાંત અંગત હેતુઓ માટે સંયુક્ત રીતે કરવામાં આવતો હોય. જી.એસ.ટી. કાયદાની કલમ 17(1) હેઠળ આ પ્રકારે ધંધા સિવાયના હેતુઓ માટે કરવામાં આવેલ માલ કે સેવાના ઉપયોગ માટે ચૂકવવામાં આવેલ જી.એસ.ટી. ની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ મળી શકે નહીં.
ઉદાહરણ તરીકે જોઈએ તો શ્રી જેઠાલાલ એક ઈલેક્ટ્રોનિક્સની દુકાન ધરાવે છે. તેઓ દ્વારા ટેલીવિઝનની ખરીદ વેચાણ સામાન્ય રીતે કરવામાં આવતું હોય છે. ધંધાના આ સામાન્ય વ્યવહાર માટે ખરીદવામાં આવેલ ટેલિવિઝનની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ તેઓને મળે. પરંતુ શ્રી જેઠાલાલ દ્વારા પોતાના ઘર માટે ટેલિવીઝન ખરીદવામાં ચૂકવવામાં આવેલ જી.એસ.ટી. ની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ તેઓને મળી શકે નહીં.
અમુક સંજોગોમાં એવું પણ બનતું હોય છે કે અમુક માલ કે સેવાનો ઉપયોગ વેપારી દ્વારા અંશતઃ પોતાના ધંધા માટે કરવામાં આવે અને અંશતઃ પોતાના અંગત ઉપયોગ માટે કરવામાં આવ્યો હોય. આ પ્રકારના કિસ્સામાં વેપારીને આ ખરીદી ઉપર ચૂકવવામાં આવેલ જી.એસ.ટી. ની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ ધંધાકીય હેતુઓમાં કરવામાં આવેલ મર્યાદામાં સપ્રમાણ મળે.
ઉદાહરણ તરીકે શ્રી જેઠાલાલ દ્વારા માલિકી ધોરણે કરવામાં આવતા ધંધામાં તેઓ મોબાઈલ ફોનનો ઉપયોગ કરે છે. આ ફોનનો ઉપયોગ સ્વાભાવિક રીતે ધંધાકીય કામ સિવાયના કામો માટે એટ્લે કે “બબીતા” અથવા તો “દયા” સાથે વાતો કરવામા પણ થતો હોય છે!! આ મોબાઈલ ફોનના બિલ ઉપર ચૂકવવામાં આવતા જી.એસ.ટી. ની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ તેઓએ સપ્રમાણ લેવી જોઈએ. જ્યારે ધંધાકીય હેતુ તથા અંગત ઉપયોગનું પ્રમાણ નક્કી કરવું શક્ય ના હોય ત્યારે બન્ને ઉપયોગ 50% જેટલો ગણી લેવામાં આવે તેવું નિષ્ણાંતો સલાહ આપતા હોય છે. આવા સંજોગોમાં મોબાઈલ સેવા મેળવવા માટે બિલ ઉપર ચૂકવવામાં આવેલ ઈન્પુટ ટેક્સ ક્રેડિટ 50% ની મર્યાદામાં લેવામાં આવે તે જરૂરી છે.
સામાન્ય રીતે એવું જોવામાં આવ્યું છે કે ઘણીવાર કરદાતા દ્વારા આ પ્રકારે ઘર માટે ખરીદવામાં આવેલ ટેલિવીઝની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ પણ પોતાના રિટર્નમાં માંગવામાં આવતી હોય છે. આ પ્રકારે અંગત ઉપયોગ માટે ખરીદવામાં આવેલ માલની ક્રેડિટ જી.એસ.ટી. હેઠળ લઈ શકાય નહીં. જો આ બાબત આકારણીમાં અધિકારી દ્વારા પકડવામાં આવે તો વેપારીએ મોટું વ્યાજ ઉપરાંત દંડ પણ ચૂકવવો પડે છે.
કરમુક્ત માલ કે સેવાના ઉપયોગ માટે કરવામાં આવતી કરપાત્ર માલ કે સેવાની ખરીદી
જી.એસ.ટી. હેઠળ અમુક ખાસ પ્રકારના માલ કે સેવાને કરમુક્ત જાહેર કરવામાં આવેલ છે. આ પ્રકારના કરમુક્ત માલ કે સેવાના ઉત્પાદનમાં કે વેચાણમાં ઉપયોગમાં લેવામાં આવેલ માલ કે સેવા ઉપર ચૂકવવામાં આવેલ જી.એસ.ટી.ની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ ખરીદનારને મળી શકે નહીં તેવી જોગવાઈ જી.એસ.ટી. કાયદાની કલમ 17(2) હેઠળ કરવામાં આવ્યો છે.
ઉદાહરણ તરીકે શ્રી વાગલે કપાસિયા ખોળના ઉત્પાદક છે. કપાસિયા ખોળને જી.એસ.ટી. હેઠળ પશુ આહાર તરીકે કરમુક્ત જાહેર કરવામાં આવ્યો છે. તેઓ દ્વારા કપાસિયા ખોળના ઉત્પાદનમાં ખરીદવામાં આવેલ કપાસિયા, પ્લાસ્ટિક બેગ વી. ઉપર જી.એસ.ટી. ચૂકવવામાં આવ્યો છે. શ્રી વાગલે દ્વારા કપાસિયા ખોળ કરમુક્ત હોય તેના ઉત્પાદનમાં વાપરમાં આવેલ કપાસિયા, પ્લાસ્ટિક બેગ કે અન્ય સેવાઓ ઉપર ચૂકવવામાં આ જી.એસ.ટી. ની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ લઈ શકાય નહીં.
અમુક સંજોગોમાં એવું પણ બનતું હોય છે કે અમુક માલ કે સેવાનો ઉપયોગ વેપારી દ્વારા અંશતઃ પોતાના ધંધાના કરપાત્ર વેચાણ માટે કરવામાં આવે અને અંશતઃ કરમુક્ત વસ્તુના વેચાણ માટે કરવામાં આવ્યો હોય. આ પ્રકારના કિસ્સામાં વેપારીને આ ખરીદી ઉપર ચૂકવવામાં આવેલ જી.એસ.ટી. ની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ કરપાત્ર વેચાણની મર્યાદામાં સપ્રમાણ મળે.
ઉદાહરણ તરીકે શ્રી વાગલે દ્વારા કરમુક્ત કપાસિયા ખોળ ઉપરાંત કરપાત્ર કપાસિયાનું વેચાણ પણ કરવામાં આવતું હોય છે. આવા કિસ્સામાં જે માલ કે સેવા કરપાત્ર માલના વેચાણને લગતી હોય તેની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ વેપારીને મળે પરંતુ જે માલ કે સેવા કરમુક્ત વેચાણને લગતી હોય તેની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ વેપારીઓને મળે નહીં. જ્યારે કરપાત્ર તથા કરમુક્ત વસ્તુ કે સેવામાં સંયુક્ત રીતે ખરીદવામાં આવેલ માલ કે સેવાના કિસ્સામાં કરપાત્ર માલના વેચાણના સપ્રમાણ ઈન્પુટ ટેક્સ વેપારીને મળે.
સામાન્ય રીતે એવું જોવામાં આવ્યું છે કે ઘણીવાર કરદાતા દ્વારા આ પ્રકારે કરમુક્ત વસ્તુ કે સેવાના વેચાણ સાથે સંકળાયેલ હોય કરમુક્ત માલ કે સેવાના વેચાણ ઉપર ઘટાડવાની થતી ક્રેડિટ ઘટાડતા હોતા નથી. આ પ્રકારે કરમુક્ત વેચાણ કે સેવાઓ માટે ખરીદવામાં આવેલ માલ તથા સેવાની ક્રેડિટ જી.એસ.ટી. હેઠળ લઈ શકાય નહીં. જો આ બાબત આકારણીમાં અધિકારી દ્વારા પકડવામાં આવે તો વેપારીએ મોટું વ્યાજ ઉપરાંત દંડ પણ ચૂકવવો પડે છે.
જી.એસ.ટી. લાગુ થયા પહેલા વેટ કાયદો અમલમાં હતો ત્યારે વેટ હેઠળના રિટર્ન ઘણા વિગતવાર રહેતા હતા. જી.એસ.ટી. લાગુ થયા બાદ લાગુ કરવામાં આવેલ “સમરી રિટર્ન” GSTR 3B માં ખૂબ ઓછી વિગતો જોવા મળે છે. આ કારણે સંજોગો એવા ઊભા થયા છે કે કરદાતાનું વ્યવસાયી રીતે કામ કરતાં કોઈ ટેક્સ એડવોકેટ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કે ટેક્સ કન્સલ્ટન્ટ પાસે કરદાતા દ્વારા લેવામાં આવેલ ઈન્પુટ ટેક્સ ક્રેડિટ સાચી છે કે ખોટી તે તપાસવા ખૂબ ઓછા વિકલ્પો રહેલા છે. કરદાતા દ્વારા પોતાના ટેક્સ કન્સલ્ટન્ટને દરેક ક્રેડિટ લેવા અંગે પુછવામાં આવે અથવા તો કરદાતા પોતે આ ઈન્પુટ ક્રેડિટ અંગેના નિયમો અંગે જાણકારી રાખે અને જાણકાર બને તે બે જ વિકલ્પ રહેલા છે. આ લેખશ્રુંખલામાં કરદાતાને ઈન્પુટ ટેક્સ ક્રેડિટના વિષયો અંગે જાગૃત બનાવવા તેઓએ ધ્યાને લેવાની જરૂરી માહિતી આપવા પ્રયાસ કરવામાં આવ્યો છે.
(આ લેખ જાણીતા ગુજરાતી દૈનિક ફૂલછાબમાં તા. 29.11.2021 ના રોજ પ્રકાશિત થયેલ છે.)