ટેક્સ બચાવવા કરો રોકાણ, પણ આ બાબતોનું રાખો ધ્યાન!!
By Bhavya Popat
તા. 15.03.2022:
ઇન્કમ ટેક્સ હેઠળ ટેક્સ બચાવવા માટે વ્યક્તિગ્ત કરદાતા તથા હિન્દુ અવિભક્ત કુટુંબ (HUF) કરદાતાઓને વિવિધ રોકાણ કરવાના વિકલ્પો આપવામાં આવ્યા છે. આ વિકલ્પોમાં રોકાણ કરી કરદાતા પોતાને ભરવા પાત્ર ઇન્કમ ટેક્સ બચાવી શકે છે. આ પ્રકારના રોકાણમાં ટેક્સ બાદ આપવાનો હેતુ કરદાતાઓને લાંબાગાળાની બચત માટે પ્રેરિત કરવાનો રહેલો હોય છે. આ ઉપરાંત અર્થતંત્રમાં લાંબાગાળા માટે આ રોકાણ વડે મૂડી ઊભી થાય તેના માટે પણ આ બચત ઉપયોગી સાબિત થતી હોય છે.
આ રોકાણોમાં ઇન્કમ ટેક્સ કાયદાની કલમ 80C હેઠળ જીવન વીમા પ્રીમિયમ (LIP), નોકરીદતા દ્વારા કરવામાં આવેલ PF, GPF, EPF જેવી કપતો, PPF માં રોકાણ, ફિક્સ ડિપોઝીટમાં રોકાણ, નેશનલ સેવિંગ સર્ટિફીકેટમાં કરવાના રોકાણ, મ્યુચલ ફંડમાં રોકાણ, હાઉસિંગ લોનના હપ્તા, સ્કૂલ ફી જેવા રોકાણોનો સમાવેશ થાય છે. આ રોકાણોનો લાભ જે તે નાણાકીય વર્ષમાં લેવા આ રોકાણો 31 માર્ચ સુધીમાં કરવા જરૂરી હોય છે. 31 માર્ચ નજીક છે, આ પ્રકારના રોકાણમાં કરદાતાએ શું કાળજી રાખવી જોઈએ તે અંતે આ લેખમાં જાણકારી આપવા પ્રયાસ કરવામાં આવ્યો છે.
- જીવન વીમા પ્રીમિયમ (LIP)
ટેક્સ બચતના સૌથી લોકપ્રિય રોકાણ વિકલ્પ તરીકે જીવન વીમા પ્રીમિયમને ગણી શકાય. દેશની સૌથી મોટી ઇન્સ્યુરન્સ કંપની LIC હોય કે અન્ય કોઈ પ્રાઈવેટ કંપની, આ તમામ પાસે લેવામાં આવેલી જીવન વીમા પોલિસીનું રોકાણ કરદાતાને ટેક્સ બચતમાં બાદ મળતું હોય છે.
આ રોકાણ સંદર્ભે એ જાણવું જરૂરી છે કે કોઈ પણ કરદાતાને માત્ર પોતાનું, પોતાના જીવન સાથીનું તથા પોતાના બાળકો માટે ભરવામાં આવેલ વીમા પ્રીમિયમ બાદ મળે છે. આ સિવાયના વ્યક્તિઓ માટે જીવન વીમા પ્રીમિયમ ભરવામાં આવેલ હોય તો કરદાતા આ સંદર્ભે કોઈ ટેક્સ બચાવી શકે નહીં. ઉદાહરણ તરીકે કોઈ વ્યકિતએ પોતાના માતા પિતા માટે જીવન વીમા પ્રીમિયમ ભર્યું હોય તો આ પ્રીમિયમ તે કરદાતાને ટેક્સ બચતમાં ઉપયોગી બને નહીં.
આ તકે એ બાબત જાણવી પણ જરૂરી છે કે જો કોઈ કરદાતા જીવન વીમા પોલિસી માટે કોઈ વર્ષમાં પ્રીમિયમની રકમ બાદ લે, પરંતુ ત્યાર બાદના વર્ષનું પ્રીમિયમ તે ભરતો નથી, તો પ્રથમ પ્રીમિયમ ઉપર બાદ લેવામાં આવેલ ટેક્સ કરદાતા માટે ફરી કરપાત્ર આવક બની જશે. આમ, કોઈ વીમા પોલિસીના ટેક્સ બચત માટે લાભ લેવા ઓછામાં ઓછા પોલિસી સંદર્ભે બે વર્ષ માટેના પ્રીમિયમ ભરવા ફરજિયાત છે.
- હાઉસિંગ લોન હપ્તા:
કરદાતા દ્વારા રહેણાંક માટે ઘર બનાવવા લેવામાં આવેલ લોનના હપ્તા ઉપર ટેક્સ બચતનો લાભ મળતો હોય છે. આ લોનના હપ્તા સંદર્ભે ઇન્કમ ટેક્સ બચત બાબતે એ બાબત ધ્યાને રાખવી જરૂરી છે કે કરદાતા દ્વારા આ પ્રકારની લોન લીધેલ મિલ્કતનો કબ્જો મળ્યાના પાંચ વર્ષ સુધી આ મિલ્કતનું વેચાણ કરી શકે નહીં. જો કરદાતા દ્વારા કોઈ મિલ્કત સંદર્ભે હાઉસિંગ લોન હપ્તાનો લાભ લેવામાં આવેલ હોય અને આ મિલ્કત તેઓ 5 વર્ષ પહેલા વેચાણ કરે તો આ તમામ હપ્તા જેના પર કરદાતાએ ટેક્સ બચત કરી હોય તે તમામ રકમ તેઓની આવકમાં ઉમેરવામાં આવશે. આમ, હાઉસિંગ લોન હપ્તાનો લાભ લેતા કરદાતાએ આ બાબત ધ્યાને રાખવી ખૂબ જરૂરી છે.
- ફિક્સ ડિપોઝિટ:
કરદાતા દ્વારા ઓછામાં ઓછા પાંચ વર્ષ માટે મૂકવામાં આવેલ ફિક્સ ડિપોઝિટ ઉપર પણ ટેક્સ બચતનો લાભ મળે છે. આ રોકાણ બાબતે એ જાણવું જરૂરી છે કે આ “ટેક્સ સેવર FD” ઉપર અમુક ખાસ પ્રકારના નિયંત્રણો લાદવામાં આવ્યા છે. આ ફિક્સ ડિપોઝિટ પર કોઈ “OD” કે અન્ય લોન લેવાનો વિકલ્પ રહેલ હોતો નથી. આ પ્રકારની FD પાંચ વર્ષ પહેલા ઉપાડી શકાય નહીં. આ પ્રકારની ફિક્સ ડિપોઝિટ એ માત્ર શિડ્યુલ બેન્કોમાં જ કરી શકાય છે. “શિડ્યુલ બેન્ક” એટ્લે એવી બેન્કો જે રીઝર્વ બેન્ક દ્વારા પરિશિષ્ટ બે માં સમાવેશ કરવામાં આવ્યો હોય. આ શિડ્યુલ બેન્કોમાં તમામ સરકારી બેન્કો, મોટાભાગની પ્રાઈવેટ બેન્કો તથા મોટી સહકારી બેન્કોનો સમાવેશ થાય છે. કરદાતાએ આ પ્રકારની FD માં રોકાણ કરતાં પહેલા બેન્ક શિડ્યુલ બેન્ક છે કે નહીં તે અંગે તપાસ કરવી જરૂરી છે.
- સ્કૂલ ફી:
કરદાતાના બાળકોના અભ્યાસને પણ રોકાણ ગણવાની મહત્વની જોગવાઈ ઇન્કમ ટેક્સ કાયદામાં થોડા વર્ષો પહેલા દાખલ કરવામાં આવી છે. કરદાતા દ્વારા ભરવામાં આવેલ સ્કૂલ ફી સદર્ભે તેઓને ટેક્સ બચતનો લાભ મળે છે. સ્કૂલ ફીનો લાભ એ કરદાતાને પોતાના બે બાળકોની ફી બાબતે આપવામાં આવે છે. બે થી વધારે બાળકોની ફી કરદાતા દ્વારા ભરવામાં આવેલ હોય તો મહત્તમ કોઈ પણ બે બાળકોની ફી નો જ કરદાતા ટેક્સ બચત માટે ઉપયોગ કરી શકે છે. આ ઉપરાંત એ બાબત પણ જાણવી જરૂરી છે કે કલામ 80C હેઠળ ટેક્સમાં બાદ આપવામાં આવતી સ્કૂલ ફી એ માત્ર કરદાતાના બાળકો સંદર્ભે મળે છે. કરદાતા પોતાના અભ્યાસ માટે કોઈ ફી ભારે તો તેનો લાભ આ કલમ હેઠળ તેઓને મળતો નથી. આ ઉપરાંત એ બાબત જાણવી જરૂરી છે કે કરદાતા ને સ્કૂલ ફી સંદર્ભે આપવામાં આવેલ છૂટ માત્ર ભારતમાં આવેલી સ્કૂલ, કોલેજ, યુનિવર્સિટી બાબતે જ મળે છે. વિદેશમાં અભ્યાસ માટે આપવામાં આવેલ ફી ટેક્સ બચત માટે કામ આવતી નથી. સ્કૂલ ફી બાબતે એ પણ જાણવું જરૂરી છે કે કરદાતા દ્વારા સ્કૂલ, કોલેજ, યુનિવર્સિટીમાં ભરવામાં આવેલ ટ્યુશન ફી અને તેના જેવી ફી સદર્ભે જ લાભ મળશે. ટ્યુશન ફી જેવી ફી માં પરીક્ષા ફી, લાઈબ્રેરી ફી, એક્ટિવિટી ફી નો સમાવેશ થઈ શકે. જ્યારે હોસ્ટેલ ફી, ડોનેશન, ડેવલોપમેન્ટ ફી જેવી રકમનો લાભ કરદાતાને મળી શકે નહીં.
લાંબાગાળાના રોકાણ થકી ટેક્સ બચત કરવાની પદ્ધતિ ભારતીય ઇન્કમ ટેક્સ પદ્ધતિનું એક મહત્વનુ અંગ છે. જો કે જે પ્રમાણે છેલ્લા અમુક વર્ષોથી આ રોકાણની મર્યાદામા વધારો કરવામાં આવ્યો ના હોય, સાથે સાથે રોકાણ વગરની ટેક્સ પદ્ધતિમાં નવા ઇન્કમ ટેક્સના દરો બહાર પાડવામાં આવ્યા છે તે જોતાં લાગી રહ્યું છે કે રોકાણ દ્વારા કરદાતાને ટેક્સ બચત આપવાના વિકાલ્પો કદાચ ભવિષ્યમાં હટાવી નાંખવામાં આવે.
(આ લેખ જાણીતા ગુજરાતી દૈનિક ફૂલછાબની વ્યાપારભૂમિ પૂર્તિની તા 14.03.2022 ની આવ્રુતિમાં પ્રકાશિત થયેલ છે.)