વેપારીઓ માટે આવી રહી છે મોટી મુસીબત!! જો આ નિયમ થશે લાગુ તો વેપારીઓને થશે મોટું નુકસાન
બજેટ 2021 માં નાણાં મંત્રી દ્વારા પ્રસ્તાવિત નિયમ મુજબ જો વેચનાર વેપારીના વેચાણ રિટર્નમાં જે બિલની એન્ટ્રી નહીં હોય તેની ક્રેડિટ ખરીદનારને મળી શકશે નહીં!!!
તા. 27.02.2021: જી.એસ.ટી. લાગુ થયો છે ત્યારથી બોગસ બિલ દ્વારા જી.એસ.ટી. ચોરીના અનેક કિસ્સાઑ અવારનવાર સામે આવી રહ્યા છે. જી.એસ.ટી. ચોરી રોકવા સરકાર નિયમોમાં સતત ફેરફાર કરતી રહી છે. આ ફેરફારોથી કરચોરીમાં કેટલો ઘટાડો થયો તે તો ચર્ચાનો વિષય છે પરંતુ પ્રમાણિક વેપારીઓ માટે પાડાના વાંકે પખાલીને ડામ જેવી સ્થિતિનું નિર્માણ થઈ ગયું છે. આ નિયમોમાં ફેરફારની કડીમાં એક નવો નિયમ અમલી બનવા જઇ રહ્યો છે. બજેટ 2021 માં નાણાં મંત્રીએ જે બજેટ રજૂ કર્યું છે તેમાં એવી જોગવાઈ પ્રસ્તાવિત કરવામાં આવી છે કે જો વેચનાર વેપારીના વેચાણ રિટર્ન-GSTR-1 માં જે બિલ દર્શાવેલ હશે તે જ બિલની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ ખરીદનાર વેપારીને મળી શકશે. હાલ, જી.એસ.ટી. કાયદાના નિયમ 36(4) હેઠળ પણ આ નિયમ છે જ. પરંતુ જ્યારે આ જોગવાઈથી જી.એસ.ટી. કાયદાની કલમ 16 માં સુધારો કરવામાં આવ્યો છે ત્યારે આ બાબત વધુ ગંભીર બની જાય છે તે ચોક્કસ છે. વિવિધ કોર્ટના એવા ચુકાદા હતા જેમાં પ્રમાણિક ખરીદનારને વેચનારે વિગત ના દર્શાવી હોવા છતાં ઈન્પુટ ક્રેડિટ મળે તેમ પ્રતિપાદિત કરવામાં આવ્યું હતું. હવે જ્યારે આ નવી જોગવાઈ જી.એસ.ટી. કાયદામાં લાગુ થઈ જશે ત્યારે કોર્ટ પાસે પણ આવી કોઈ પણ રાહત કરદાતાઓને આપવાનો વિકલ્પ નહીં રહે તેવું જાણકારો માની રહ્યા છે.
વેપારીઓ એ એક બાબત જાણવી ખાસ જરૂરી છે કે જ્યારે કોઈ પણ જી.એસ.ટી. હેઠળ નોંધાયેલ વેપારીને વેચાણ કરવામાં આવ્યું હોય ત્યારે પોતાના વેચાર રિટર્ન GSTR 1 માં જે તે મહિનો પૂરો થયા પછી 11 તારીખ સુધીમાં અને ત્રિમાસિક રિટર્ન ભરવા જવાબદાર વેચનારે “ઇંવોઇસ ફર્નિશિંગ ફેસિલિટી” નો ઉપયોગ કરી જે તે મહિનો પૂરો થયા બાદ 13 તારીખ સુધીમાં ભરી આપવું જરૂરી છે. જો આ પ્રમાણે વેચનાર દ્વારા રિટર્ન ભરવામાં ના આવે તો ખરીદનારને તેની ક્રેડિટ તે માહિનામાં મળી શકે નહીં. ક્યારેક કોઈ સારા-નરસા પ્રસંગોના કારણે અથવા તો કોઈ ટેકનિકલ મુશ્કેલીઓના કારણે આ રિટર્ન ભરવામાં વેચનાર દ્વારા મોડુ થતું હોય છે. આ કારણે ખરીદનાર દ્વારા વેચનાર ને જી.એસ.ટી. ચુકાવ્યો હોવા છતાં ઈન્પુટ ટેક્સ ક્રેડિટ ના મળતા ફરી જી.એસ.ટી. ચૂકવવાનો વારો આવતો હોય છે. ઘણા ધંધા કે જ્યાં નફાનો ગાળો ખૂબ નાનો હોવાથી આ જી.એસ.ટી. ભરવો ધંધા ઉપર અસહ્ય બોજ ઊભું કરી દે છે. ક્યારેક નાની ટેકનિકલ શરતચૂકથી પણ વેચનાર દ્વારા ખરીદનારનું વેચાણ દર્શાવવાનું રહી જોય તો પણ આ ચૂક ખરીદનાર માટે ખૂબ મોંઘી પડતી હોય છે. આ કારણે હાલ વેપારીઓ વચ્ચે અનેક કિસ્સાઓમાં ઝઘડા થઈ રહ્યા હોવાના પણ સમાચાર મળી રહ્યા છે. આ પ્રકારે નવા નિયમો આવતા ખરીદનાર વેપારીએ ખૂબ જવાબદારી પૂર્વક પોતાના વેચનારે ક્યાં બિલો વેચાણમાં દર્શાવ્યા છે તે અંગેનું ફોર્મ GSTR 2A/2B સતત જોતાં રહેવું પડે છે. નાના વેપારીઓ કે જેમની પાસે ફૂલ ટાઈમ એકાઉન્ટન્ટ ના હોય અને સમયાંતરે GSTR 2A/2B જોવાની આવડત ના હોય તેમના માટે તો આ બાબત મરણતોલ બની શકે છે.
કુદરતી ન્યાયના સિદ્ધાંત હેઠળ પણ માત્ર વેચનારની ભૂલના કારણે ખરીદનાને ઇન્પુટ ટેક્સ ક્રેડિટ આપવામાં ના આવે તે યોગ્ય નથી. કરચોરી ડામવા ઉઠાવવામાં આવેલ આ પ્રકારના પગલાં ના કારણે પ્રમાણિક વેપારીઓ ઉપર તેની ગંભીર માઠી અસર પડશે તે ચોક્કસ છે. “ઈઝ ઓફ ડૂઇંગ બિઝનેસ” ને પોતાની નીતિઓ માં અગ્ર સ્થાન આપતી મોદી સરકારના જી.એસ.ટી. હેઠળ ઉઠાવવામાં આવેલ આ પગલાંથી વેપારીઓ “અનઇઝી ફિલ” કરશે તે ચોક્કસ છે. આગામી સંસદસત્રમાં સાંસદો વેપારીઓના હિત માટે આ નિયમ અંગે ચર્ચા કરી આ અંગે સુધારાની માંગ કરે તેવી આશા વેપારીઓ સેવીને બેઠા છે. ભવ્ય પોપટ, એડિટર, ટેક્સ ટુડે.