“તાઉ-તે” એ વેર્યો વિનાશ!! ઉના પંથકનો વિકાસ થઈ શકે છે કચ્છની તર્જ પર…………

Spread the love
Reading Time: 5 minutes

ઉના તાલુકાને ફરી બેઠો કરવા સરકાર દ્વારા આ ઉપાયો થાય તે છે જરૂરી

ઉના તાલુકામાં 17 મે 2021 ના રોજ “તાઉ-તે” વાવાઝૉડા એ ભયંકર વિનાશ વેર્યો છે. સમગ્ર તાલુકામાં ઘરના છાપરા ઊડી ગયા છે તો અનેક મકાનોની પાણીની ટાંકી ઊડી ગઈ છે. ખેતીને તો પારાવાર નુકસાન છે. કેસર કેરી માટે પ્રખ્યાત એવો આ વિસ્તારના આંબાની કલમો લગભગ નામશેષ થયેલ છે. આવી જ રીતે લગભગ તમામ નારિયેળના વૃક્ષો પણ સમગ્ર વિસ્તારમાં જમીનદોસ્ત થયેલ છે. કેરીના પાકને નુકસાન જાય તે એક બાબત છે પરંતુ સમગ્ર આંબાના વૃક્ષો નાશ પામે એ નુકસાનની ભરપાઈ કરવી લગભગ અશક્ય છે.

જાણકારો માની રહ્યા છે કે આ વાવાઝૉડાના કારણે ઉના તાલુકા અને આસપાસનનો વિસ્તાર લગભગ 10 વર્ષ પાછળ ધકેલાય ગયો છે. સવાલ એ થાય કે હવે આ સંપૂર્ણ પણે તારાજ વિસ્તારને બેઠો કેવી રીતે કરવો?? સરકાર દ્વારા આ વિસ્તારને મદદ કરવામાં આવે તે ખૂબ જરૂરી છે. આ લેખ લખાઈ રહ્યો છે ત્યાં સુધી રાજ્ય સરકારે સંપૂર્ણ પણે નાશ પામેલ મકાનોને 95,100/- ની સહાય, અંશતઃ નુકસાન પામેલા ઘરો માટે 25,000 ની સહાય, ઝૂપડાઑ નાશ પામ્યા છે તેવા લોકોને 10000/- ની સહાય, વાડાઑને થયેલ નુકસાન બદલ 5000/- ની સહાય આપવાની જાહેરાત કરેલ છે. ખેતીમાં થયેલ નુકસાન બાબતે હજુ સરકાર દ્વારા સર્વે કરવામાં આવી રહ્યો છે અને ત્યાર બાદ ખેડૂતો માટે રાહત જાહેર કરવામાં આવશે. આ ઉપરાંત “તાઉ-તે” દ્વારા ઉદ્યોગ અને ધંધામાં થયેલ નુકસાન પણ ખૂબ મોટું છે. કોરોના સંકટના કારણે મોટા ભાગના ઉદ્યોગ અને ધંધા ભયંકર મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા ત્યારે હવે ઉના તાલુકાના ઉદ્યોગ-ધંધાને આ વાવાઝૉડાના કારણે મરણતોલ ફટકો પડ્યો છે તેમાં બે મત નથી.

કુદરત સામે આપણે લાચાર છીએ. આ બાબત કચ્છના ભૂકંપમાં સાબિત થઈ હતી અને કચ્છ આ ભૂકંપમાં લગભગ જમીનદોસ્ત થઈ ગયું હતું. આવીજ રીતે “તાઉ-તે” વાવાઝોડાએ ફરીવાર એ લાચારીનું ઉદાહરણ પૂરું પાડ્યું છે અને ઉના તથા આસપાસના વિસ્તાર ખૂબ મોટી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ સમયે પ્રશ્ન એ આવે કે “સ્ટ્રોંગ પોલિટિકલ વિલ”, યોગ્ય સમયે યોગ્ય નિર્ણયો, સરકારી દૂરંદેશી અને અથાક મહેનતથી જે રીતે આજે કચ્છ પહેલા કરતાં પણ વધુ મજબૂત, પહેલા કરતાં સમૃદ્ધ થયું છે તો શું એ ઇતિહાસ ઉના માટે ફરી ના લખી શકાય??? જરૂર લખી શકાય… સરકાર પાસે ફરી એજ “ચેલેન્જ” છે જે કચ્છ વિસ્તાર માટે 2001 માં હતી…

શું કરી શકાય ખેતીને ફરી બેઠી કરવા??

ઉના તાલુકો ખેતી આધારિત તાલુકો છે. તાલુકામાં ઉદ્યોગ-ધંધા-રોજીરોટી સીધી કે આડકતરી રીતે સંપૂર્ણ પણે ખેતી ઉપર નિર્ભર છે. સૌ પ્રથમ ખેતીને ફ્રી બેઠી કરવાંની જરૂર છે. ખેડૂતોને નુકસાન વળતર તો સરકાર દ્વારા જાહેર કરવામાં આવશે તે ચોક્કસ પણે માનવમાં આવી રહ્યું છે. પરંતુ આ વળતર પૂરતું રહેશે તે હમેશા ચર્ચાનો વિષય રહેશે. આ વળતર ઉપરાંત જરૂર છે લાંબા ગાળાના આયોજનની. ઉના તાલુકાના ખેડૂતોને વગર વ્યાજે બેન્કો દ્વારા ખેતીની જમીનના પ્રમાણસર, મોટી લોન આપવામાં આવે તે જરૂરી છે. આ લોન માટે શરૂઆતના 1 થી 3 વર્ષ સુધીના હપ્તા ભરવામાં મુક્તિ આપવામાં આવે તે પણ જરૂરી છે. આમ કરવાંથી ખેડૂત ફરી પોતાની ખેતી બેઠી કરી શકશે અને ઉના તાલુકાના ખેડૂતોની ખેતીની રોનક ફરી પાછી આવી જશે. આ વાવાઝૉડાની આગાહી વિષે ખેડૂતો જાણતા હતા પરંતુ વાવાઝૉડાના પ્રકોપથી બચવા માલ ઉતારવા અને પછી તેને સંગ્રહ કરવાની કોઈ સુવિધા તેમની પાસે હતી નહીં. ખેડૂતો, સહકારી મંડળી, ખાનગી વ્યક્તિઓને ખેત પેદાશોના સ્ટોરેજ માટે ગોડાઉન ઊભું કરવાં યોજના બહાર પાડવી જરૂરી છે. હાલ, આ પ્રકારે જે અન્ન ભંડારણ યોજના ચાલુ છે તેમાં ઉના તાલુકા માટે વિશેષ લાભો આપવામાં આવે તે જરૂરી છે. આ પ્રકારના “સ્ટોરેજ” ઊભું કરવાં ખેડૂતોને 50% સહાય આપવી જરૂરી છે. જ્યારે ખેડૂત સિવાયના લોકોને પણ આ પ્રકારે ગોડાઉન બનાવવા પ્રોત્સાહિત કરવાં જરૂરી છે અને તેમને પણ 25% જેવી સહાય આપવામાં આવે તે જરૂરી છે. આ ઉપરાંત બેન્કો દ્વારા આ પ્રકારના સ્ટોરેજ બનાવવા શૂન્ય કે ખૂબ ઓછા દરની લોન પણ આપવી જરૂરી છે.

ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવાં આ વિસ્તારને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (SEZ) જાહેર કરવામાં આવે.  

ઉના તાલુકો આર્થિક રીતે માત્ર ખેતી પર આધારિત છે તેમ કહીયે તો અતિશયોક્તિ નથી. ઉદ્યોગો આ વિસ્તારમાં ખૂબ ઓછા પ્રમાણમા છે. જે ગણ્યા ગાઠયા ઉદ્યોગો છે તે ખેતી આધારીત છે. “તાઉ-તે” ના કારણે તાલુકાની ખેતીની કમર ભાંગી ગઈ છે. આ ઉદ્યોગોને તેમની ફેક્ટરી, શેડ, ગોડાઉન, સ્ટોકમાં જે નુકસાન થયું છે તે પણ કમરતોડ છે. આ ઉદ્યોગોને બેઠા કરવાં જરૂરી છે. ઉપરાંત નવા ઉદ્યોગ આ વિસ્તારમાં આવે તે પણ આર્થિક ઉન્નતિ માટે જરૂરી છે. કચ્છ મોડેલની જેમ ઉના તાલુકાને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (SEZ) જાહેર કરવામાં આવે તે ખૂબ જરૂરી છે. સ્પેશિયલ ઇકોનોમિક ઝોન જાહેર થતાં જ અનેક ઉદ્યોગો માંડી શકે છે ઉના તરફ મિટ. ઉના તાલુકા પાસે ઉદ્યોગ ક્ષેત્રે ખૂબ મોટી સંભાવનાઑ રહેલી છે. ખાસ કરીને ખેતી આધારીત ઉદ્યોગના વિકાસ માટે ઉના તાલુકો આદર્શ સાબિત થઈ શકે છે તેવું જાણકારો માની રહ્યા છે. આ ઉપરાંત હાલ જે ઉદ્યોગ આ ક્ષેત્રમાં છે જેવા કે જિનિંગ ઉદ્યોગ, મગફળી દાણાના કારખાના, ઓનિયન ગાર્લિક ડિહાઈડ્રેશન યુનિટને “સોફ્ટ લોન” તથા “ટેક્સ બેનિફિટ” આપી તેમના અસ્તિત્વ ટકાવી રાખવા ઈંધણ પૂરું પડવું જરૂરી છે. આ ઉદ્યોગોને શૂન્ય થી 3 ટકાના દરે લોન આપવામાં આવે તથા એક થી ત્રણ વર્ષ સુધી હપ્તા ભરવામાં છૂટ આપવામાં આવે તે જરૂરી છે. 5 વર્ષ સુધી જી.એસ.ટી. માફી આપવામાં આવે તો આ ઉદ્યોગો ફરી બેઠા થઈ શકે છે. આ ઉદ્યોગો બેઠા થવાથી આસપાસના વિસ્તારમાં બેરોજગારીનો પ્રશ્ન ઊભો નહીં થાય અને આ ઉદ્યોગો આધારિત ખેડૂતોને પણ નુકસાનથી બચાવી શકાય.

પર્યટન ક્ષેત્રે સહાય:

ઉના તાલુકામાં પર્યટન ક્ષેત્રના વિકાસની વિપુલ તકો રહેલી છે. અહેમદ પૂર માંડવી જેવો સરસ દરિયા કિનારો હોય કે સીમર જેવો રમણીય દરિયા કિનારો હોય, પર્યટનની દ્રસ્તીએ હજુ વણ ખેડેલા છે. આ ઉપરાંત તુલસીશ્યામ જેવા રમણીય પર્વત પણ આ વિસ્તારમાં છે તો શાણા વાંકીયની ગુફાઓ પણ આ વિસ્તાર સમીપ છે. વિવિધ પક્ષીઓને આકર્ષિત કરતું “નાળિયા માંડવી વેટ લેન્ડ” પાસે પણ પર્યટનની સારી તકો છે. આમ, પર્યટન ક્ષેત્રે વિવિધ તકો રહેલી હોવા છતાં આ વિસ્તારમાં જોઈએ તેટલો વિકાસ પર્યટન ક્ષેત્રે થયો નથી. આ વિસ્તારને ટુરિઝમ પોલિસી 2021-25 માં ખાસ વિસ્તાર તરીકે સ્થાન આપેલ છે. પરંતુ “તાઉ-તે” બાદ આ વિસ્તારમાં થયેલ નુકસાન બદલ વધુ રાહતો આપવી જરૂરી છે.

ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે સહાય:

ઉના તાલુકાનું સૌથી નબળું પાસું જે ગણાતું હોય તે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. રસ્તાની બદહાલી હોય કે પાણીના યોગ્ય નિકાલની ઉણપ, રોડ ટ્રાન્સપોર્ટની વાત કરીએ કે રેલ સુવિધાની આ વિસ્તારમાં આ તમામ માળખાકીય સુવિધાઑનો અભાવ છે. ઉના તાલુકા પાસે સૈયદ રાજપરા જેવા પૌરાણિક બંદર છે તો નવાબંદર જેવા વિકાસની તકો ધરાવતા બંદર છે. આ તમામ વિસ્તારોમાં કુદરતે કહેર વહેર્યો છે. સમગ્ર ઉના તાલુકાના વિકાસ માટે જરૂરી છે કે સૈયદ રાજપરા, સીમર, નવાબંદર જેવા વિસ્તારોમાં દરિયાઇ પ્રવાસ અને ટ્રાન્સપોર્ટેશન માટે જેટી વિકસાવવામાં આવે. આ જેટી ઉપરથી જો વ્યક્તિઓના અવર-જવર માટે “રો-રો ફેરી” શરૂ કરવામાં આવે તો આ ક્ષેત્રના પર્યટન ક્ષેત્રને ઉતેજન મળી રહે. આવી રીતે રો રો ફેરી દ્વારા માલ સામાનની હેરફેર કરવામાં આવે તો ધંધા-ઉદ્યોગની પ્રગતિમાં હરણફાળ પ્રગતિ  થાય તે બાબત ચોક્કસ છે.  ઉના વિસ્તારમાં SEZ જાહેર કરવામાં આવે અને સાથે જો જળ વ્યવહાર સહિતના માળખાકીય સુવિધાનો વિકાસ કરવામાં આવે તો આ વિસ્તારના વિકાસને ચાર ચાંદ લાગી જાય તે બાબત ચોક્કસ છે.

“તાઉ-તે” દ્વારા કુદરતે સમગ્ર ઉના પંથકમાં પારાવાર તારાજી સર્જી છે. હવે આ કુદરતી હોનારત રૂપી પરીક્ષાના આ મુશ્કેલ સમયમાં પ્રજાએ હીંમત રાખી પોતાની લડાઈ લડવાની છે. પોતાને થયેલા નુકસાન સામે ઉના તાલુકાની ખમીરવંતી પ્રજા લડાઈ લડી રહી છે પણ જો આ લડાઈમાં સરકાર તરફથી યોગ્ય સાથ આપવામાં આવે તો “તાઉ-તે” રૂપી આફત એક અવસરમાં બદલી શકે છે. જરૂર છે પ્રબળ રાજકીય ઈચ્છા શક્તિની, પક્ષ-અપક્ષથી ઉપર ઉઠી ઉના તાલુકાના હિતમાં યોગ્ય રજૂઆત કરી શક્ય એટલી સરકારી યોજનાઓ વિસ્તારને મળે તે સુનિશ્ચિત કરવાની. “અભિ નહીં તો કભી નહીં”… મારા લેખના આ માધ્યમથી હું આ વિસ્તારના તમામ રાજકીય આગેવાનોને અપીલ કરું છું કે અત્યારે ઉના તાલુકાની દશા અને દિશા તમારા ઉપર આધાર રાખે છે. આ વિસ્તારને વાવાઝોડાના પ્રકોપમાંથી વિકાસની વિપુલ શક્યતાઓ તરફ લઈ જવા તમારા તમામ પ્રયત્નો કરો તેવી આશા ઉનાની જનતા સેવી રહી છે. જો ઉપર જણાવેલ સહાય/યોજના ઉના વિસ્તારમાં લાવવામાં સફળ બનશે તો વિસ્તારના તમામ પ્રજાજનો, ઉદ્યોગ-ધંધાને, ખેડૂતોને, રાજકીય આગેવાનોને એમ તમામને ફાયદો થશે તે અપેક્ષિત છે. ઉના વિસ્તાર પણ કચ્છની તર્જ પર વિકાસનો શિખર સર કરશે તેવી આશા. ભવ્ય પોપટ, એડિટર, ટેક્સ ટુડે

1 thought on ““તાઉ-તે” એ વેર્યો વિનાશ!! ઉના પંથકનો વિકાસ થઈ શકે છે કચ્છની તર્જ પર…………

  1. આ બાબત મા તમામ પક્ષોએ રાજકારણ ભુલી ને યોગ્ય રજુઆત કરી ને સરકાર ઉપર દબાણ લાવે

Comments are closed.

error: Content is protected !!