લાંબા ગાળાના આયોજન દ્વારા ઉના તથા ગિરગઢડા તાલુકાનો વિકાસ થાય તેવી યોજનાની માંગ કરતાં ધારાસભ્ય વંશ
ઉના, તા. 26.05.2021: 17 મે ના રોજ ઉના તથા ગીર ગઢડા તાલુકામાં “તાઉ-તે” નામનું શક્તિશાળી વાવાઝૉડાએ વિનાશક તારાજી વેરી હતી. આજે એક અઠવાડીયાથી વધુ સમય થયો હોવા છતાં હજુ સમગ્ર પંથકમાં જનજીવન સામાન્ય થઈ શક્યું નથી. આ તારાજીમાં સમગ્ર પંથકમાં 10 જેટલા વ્યક્તિઓ મૃત્યુ પામ્યાના અહેવાલો છે. આ પૈકી 9 જેટલા મૃતકો ગામડાઓના છે જેમાંથી માત્ર એક મૃતકના પરિજનને ડીઝાસ્ટર મેનેજમેંટ એક્ટ નીચે આપવાની થતી 4 લાખની રકમ ચૂકવવામાં આવેલ છે તેવો આક્ષેપ ધારાસભ્ય વંશ દ્વારા કરવામાં આવ્યો હતો. તેઓએ પત્રકાર પરિષદમાં ખાસ ખુલાસો કર્યો હતો કે ઉના પંથકના આ 9 મૃતકો પૈકી 2 મૃતકોના પરિજનનો સંપર્ક પ્રયત્નો છતાં થઈ શક્યો નથી અને એ સિવાયના તમામ મૃતકોના પરિજનોનો તેઓએ સંપર્ક કર્યો છે. તેઓએ એ પણ જણાવ્યુ હતું કે તંત્ર દ્વારા આ વળતર ચૂકવવી આપવામાં આવ્યું હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે. આ ઉદાહરણને ટાંકી તેઓએ આક્ષેપ કર્યો હતો કે સરકારી તંત્ર વચ્ચે સમન્વય નો સદંતર અભાવ છે. તેઓએ ઉમેર્યું હતું કે અનેક નગરો, મહાનગરોમાંથી કુશળ કારીગરો, અધિકારીઓ બોલાવવામાં આવ્યા છે પરંતુ તેઓને યોગ્ય માર્ગદર્શન અને કામ માટે જરૂરી સામગ્રી પૂરી પાડવામાં આવી રહી નથી. આ કારણે કામમાં વિલંબ થઈ રહ્યો છે. મુખ્યમંત્રીએ પોતાની ઉના ખાતેની મૂલકતમાં જાહેરાત કરી હતી કે શનિવાર સુધીમાં ઉના શહેરમાં લાઇટ આપી દેવામાં આવશે જે આજ સુધી અમુક વિસ્તારોમાં શક્ય બન્યું નથી. આ ઉપરાંત નુકસાન સર્વેની કામગીરી પણ ખૂબ ધીમી હોવા અંગે આક્ષેપ કર્યો હતો. તેઓએ જણાવ્યુ હતું કે ગીર ગઢડા તાલુકાનાં 40 જેટલા ગામોમાંથી માત્ર 3 ગામમાં સર્વે થયા છે તેવી માહિતી મળી છે. સર્વે દરમ્યાન પણ ખેડૂતોના વાડીના નુકસાન અંગેના સર્વેમાં ઘર તથા પ્રાણીઓની માહિતી યોગ્ય રીતે નથી લેવાતી તેવી ફરિયાદો મળી રહી છે. ઉનાના ધારાસભ્ય દ્વારા માંગ કરવામાં આવી છે કે આ વાવાઝોડામાં બાગાયતી ઝાડને નુકસાન થયુ છે તે માટે ખેડૂતોને જમીન સંપાદન અધિનિયમ હેઠળના જાહેરનામા મુજબ વળતર આપવામાં આવે. ઉનાના ધારાસભ્ય દ્વારા એવી પણ દહેશત વ્યક્તિ કરવામાં આવેલ છે કે જે પ્રમાણે ધીમી ગતિએ કામગીરી થઈ રહી છે તે જોતાં આવનારા ચોમાસામાં ગરીબ લોકોનું જીવન વધુ મુશ્કેલ બની શકે છે. વાવાઝોડાના કારણે ઉદ્યોગો અને ધંધામાં પણ ખૂબ મોટા પ્રમાણમા નુકસાન થયું છે. ઉના પંથકમાં “સ્પેશિયલ ઇકોનોમીક ઝોન” (SEZ) જાહેર કરવામાં આવે અને લાંબાગાળાના આયોજન દ્વારા ઉદ્યોગોનો વિકાસ અંગેની યોજનાઓ જાહેર થાય તેવી માંગણી પણ ધારાસભ્ય દ્વારા કરવામાં આવી છે. આ તકે ઉના તથા ગિરગઢડાના જનપ્રતિનિધિ તરીકે તેમણે વિવિધ સેવાભાવિ સંસ્થાઓ તથા દાતાઓનોની કામગીરીને બિરદાવી હતી અને આ વિકટ સંજોગોમાં ઉના પંથકને મદદ કરવા બદલ તેમનો આભાર પ્રદર્શિત કર્યો હતો. અને સાથે સરકારને એ બાબત યાદ અપાવી હતી કે આ સેવાભાવી સંસ્થાઓ કે દાતાઓ દ્વારા થતી મદદ એ ટૂંકા ગાળા માટે બરોબર છે પરંતુ લાંબાગાળા માટે તો તંત્ર દ્વારા આયોજન કરવું જરૂરી છે. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે