ગુજરાત વેટની વેરા સમાધાન યોજનાની ચુકવણી માટે મુદતમાં કોવિડના કારણે કરવામાં આવ્યો વધારો

Spread the love
Reading Time: < 1 minute

હવે 31.01.2021 સુધી 1.5% વ્યાજ સાથે ભરી શકાશે આ રકમ

ગુજરાત વેલ્યૂ એડેડ ટેક્સ એક્ટ હેઠળ વેરા સમાધાન યોજના 2019 ની મૂળ યોજના મુજબ વેપારીએ કુલ ભરવાપાત્ર રકમના 10% રકમ ૧૫.૦૩.૨૦૨૦ સુધીમાં ભરવાની થતી હતી. ત્યારબાદ બાકીની રકમ એપ્રિલ ૨૦૨૦થી ૧૧ સરખા હપ્તે ભરવાની થતી હતી. કોરોના મહામારીના કારણે વેપારીઓને પડેલી તકલીફ જોતાં અગાઉ જાહેરનામા દ્વારા આ મૂદ્તોમાં વધારો કરી પ્રથમ ૧૦% ની રકમ ૩૧ જુલાઇ ૨૦૨૦ સુધીમાં અને બાકીની રકમ જુલાઇ થી ૧૧ હપ્તામાં ભરવા જોગવાઈ કરવામાં આવેલ હતી. હજુ અમુક ભાગોમાં કોરોનાની અસર ચાલુ હોય અને ધંધાને થયેલ નુકસાન ધ્યાને લેતા વેપારીઓના હિતમાં ફરી રાહતો આપવા અંગેનો ઠરાવ બહાર પાડવામાં આવ્યો છે. આ ઠરાવ મુજબ ૩૧.૦૭.૨૦૨૦ સુધી ભરવાની થતી ૧૦% રકમ જો કોઈ વેપારી ભરતા ચૂકી ગયો હોય તો તેમને આ રકમ ૩૧.૦૧.૨૦૨૧ સુધીમાં ૧.૫% વ્યાજ સાથે ભરી આપવાની રહેશે. આ વ્યાજની રકમ મહિનો કે તેના ભાગ માટે ગણાશે. ત્યારબાદના હપ્તા જે જુલાઇથી ભરવાના થતાં હતા તે હપ્તા પણ ૩૧.૦૧.૨૦૨૦ સુધીમાં જે તે મહિનાની ૨૦ તારીખ સુધીમાં ભરવાના રહેશે. આ હપ્તા મોડા ભરવામાં આવે તો તેના ઉપર ૧.૫% વ્યાજ ભરવાનું રહેશે. ઉલ્લેખનીય છે કે વેરા સમાધાન યોજના અન્વયે અરજી કરવા માટે કોઈ નવી તક આપવામાં આવી નથી. માત્ર જે વેપારીઓએ નિયત સમયમાં અરજી કરેલ હતી તેઓને વેરાની ચુકવણી માટે સમય આપવામાં આવ્યો છે. મૂળભૂત રીતે વેલ્યૂ એડેડ ટેક્સ કાયદામાં વ્યાજ એ બાકી દિવસો ઉપર લગાડવામાં આવતું હતું. પરંતુ આ ઠરાવ ના શબ્દો જોતાં આ વ્યાજ મહિના કે તેના ભાગ ઉપર લાગશે. આનો એક અર્થ એ પણ થઈ શકે કે મહિનો પૂર્ણ થાય એટ્લે ૧ દિવસ પણ વધુ થાય તો પૂરા મહિનાનું વ્યાજ ચડી જાય. આ અંગે યોગ્ય ખુલાસો કરવામાં આવે તે ઇચ્છનીય છે. ભવ્ય પોપટ, એડિટર, ટેક્સ ટુડે

error: Content is protected !!