શું ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાની મુદત 31 ડિસેમ્બરથી વધશે??
બોમ્બે હાઇકોર્ટ દ્વારા સેંટરલ બોર્ડ ઓફ ડિરેક્ટ ટેક્સને 15 જાન્યુઆરી સુધી મુદત વધારવા આપવામાં આવ્યો છે આદેશ:
તા. 28.12.2024: નાણાકીય વર્ષ 2023 24 ના ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર છે. ઇન્કમ ટેક્સ કાયદાની કલમ 87A હેઠળ ના રિબેટ બાબતે ચાલી રહેલી અસ્પષ્ટતાના કારણે અનેક કરદાતા આ બાબતે મુંજવણ અનુભવી રહ્યા છે. ઘણા કરદાતાઓ આ બાબતે રિવાઈઝ રિટર્ન ભરવા અંગે પણ વિચારી રહ્યા છે. ધ ચેમ્બર ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ મુંબઈ દ્વારા કરવામાં આવેલ પબ્લિક ઇન્ટરેસ્ટ લીટીગેશન (PIL) માં માનનીય બોમ્બે હાઇકોર્ટ દ્વારા ઇન્કમ ટેક્સનું નિયમન કરતી સર્વોચ્ચ સંસ્થા CBDT ને નિર્દેશ આપવામાં આવ્યો છે કે 87A ને લગતી મુશ્કેલીના કારણે ઇન્કમ ટેક્સ ભરવાની મુદત 31 ડિસેમ્બર 2024 થી વધારી 15 જાન્યુઆરી કરવામાં આવે. આ અંગે યોગ્ય નોટિફિકેશન ઇન્કમ ટેક્સ કાયદાની કલમ 119 હેઠળ બહાર પાડવામાં આવે તેવા નિર્દેશ આપવામાં આવેલ છે. આ લેખ લખાઈ રહ્યો છે ત્યાં સુધી આ અંગે કોઈ જાહેરાત કરવામાં આવેલ નથી. આ બાબતે કરદાતા અને ટેક્સ પ્રોફેશનલ્સના મનમાં એક જ પ્રશ્ન ચર્ચાઇ રહ્યો છે, શું ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાની મુદત 31 ડિસેમ્બરથી વધશે? આ અંગે વાત કરતાં ઉના અને વડોદરા ખાતે પ્રેક્ટિસ કરતાં CA ચિંતન પોપટ જણાવે છે કે “બોમ્બે હાઇકોર્ટના CBDT ને આપવામાં આવેલ નિર્દેશના કારણે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાની મુદત 15 જાન્યુઆરી સુધી વધશે તેવું હું ચોક્કસ માનું છું. આ કેસમાં વધુ સુનાવણી 09 જાન્યુઆરીના રોજ થનાર હોય વધુ મુદતમાં વધે તેવી શક્યતા પણ નકારી શકાય નહીં. પણ માત્ર રિટર્ન ભરવાની મુદત વધે તે અનુમાન કરી પોતાનું રિટર્ન બાકી રાખવું જોઈએ નહીં”. ઇન્કમ ટેક્સ મુદતમાં વધારો સામાન્ય રીતે છેલ્લી તારીખના રોજ જ કરવામાં આવતો હોય છે. આશા રાખીએ કે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાની મુદત વધારી કરદાતાઓને રાહત આપવામાં આવે. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે