સ્ટેટ જી.એસ.ટી. માં કરદાતાઓને પડી રહેલી તકલીફો બાબતે ગુજરાત હાઇકોર્ટમાં રિટ
કાયદામાં ના હોય તેવી વિગતો માંગવામાં ના આવે તે છે જરૂરી: ગુજરાત હાઇકોર્ટ
તા. 02.12.2021: છેલ્લા ઘણા સમયથી કરદાતાઓએ જી.એસ.ટી. હેઠળ નવો નોંધણી દાખલો મેળવવામાં ખૂબ મુશ્કેલી પડી રહી હોવાની ફરિયાદો ઉઠવા પાણી છે. ખાસ કરીને નોંધણી દાખલા માટેની જે અરજી સ્ટેટ જી.એસ.ટી. પાસે જતી હોય છે તેવી અરજીઓમાં ઘણી વિગતો માંગી નોંધણી દાખલો આપવામાં ખૂબ વધુ સમય લગાડવામાં આવતો હોવા અંગે ફરિયાદો ઉઠવા પામી છે.
આ ફરિયાદોને લઈને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એસોશીએશન સુરત તથા હાર્દિક જીવરાજભાઈ કાકડિયા દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં એક રિટ કરવામાં આવેલ છે. આ રિટ પિટિશનમાં સ્ટેટ જી.એસ.ટી. ડિપાર્ટમેંટ તથા જી.એસ.ટી. નેટવર્કને પાર્ટી બનાવવામાં આવ્યા છે. કરદાતાઓને પડી રહેલી મુશ્કેલીઓ તથા કાયદા કે નિયમોમાં જરૂરી ના હોય તેવા પુરાવાઓ માંગવામાં આવી રહેલ હોવાની રજૂઆત આ રિટ પિટિશનમાં ખાસ કરવામાં આવી છે. 01 ડિસેમ્બરે આ કેસના પ્રથમ હિયરિંગમાં કોર્ટ દ્વારા કાયદા કે નિયમો થી વધુ કોઈ વિગતો ના માંગવામાં આવવી જોઈએ તેવો ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ રિટમાં એવો ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કરદાતાઓ નિયમો અનુસાર તમામ વિગતો આપવા બંધાયેલ છે અને તમામ વિધિમાંથી પસાર થવા પણ તૈયાર છે પરંતુ આ વિધિઓની આંટીઘૂટી ઊભી કરી ખોટી હેરાનગતિ થવી જોઈએ નહીં. આ કેસની હવે પછીની સુનાવણી 08 ડિસેમ્બરે થશે જેમાં રાજ્ય જી.એસ.ટી. ને પોતાનો પક્ષ રાખવા જણાવવામાં આવ્યું છે. અરજકર્તા વતી એડવોકેટ તરીકે અવિનાશ પોદ્દાર ઉપસ્થિત થઈ રહ્યા છે. ભવ્ય પોપટ, એડિટર ટેક્સ ટુડે.