ખોટી ઈન્પુટ ટેક્સ ક્રેડિટ લીધાની શંકાએ “રિવોકેશન” ની અરજી નામંજૂર કરી શકાય નહીં: મદ્રાસ હાઇકોર્ટ
Important Judgements with Tax Today
Ramakrishnan Mahalingam Vs State Tax Officer (Circle), Goods and Service Tax Office & Others
W.P. No.15081 of 2020 and WMP.Nos.18799, 18801 & 18797 of 2020,
Order Dt. 30.04.2021
કેસના તથ્યો:
- કરદાતાનો જી.એસ.ટી. નંબર અધિકારી દ્વારા રદ્દ કરવામાં આવ્યો હતો.
- કરદાતાએ આ આદેશ સામે જી.એસ.ટી. કાયદાની કલમ 30 હેઠળ રિવોકેશન અરજી કરેલ હતી.
- આ રિવોકેશન અરજી સામે અધિકારી દ્વારા “ડેફીસ્યંસી મેમો” આપવામાં આવ્યો હતો જેમાં કરદાતા દ્વારા ખોટી ઈન્પુટ ટેક્સ ક્રેડિટ લેવા અંગે પ્રશ્ન ઊભો કરવામાં આવ્યો હતો.
- આ કારણથી રિવોકેશન અરજી નામંજૂર કરવામાં આવેલ હતી. આ આદેશ સામે કરદાતા દ્વારા પ્રથમ અપીલ દાખલ કરવામાં આવી હતી.
- પ્રથમ અપીલમાં કરદાતાને ખોટી ઈન્પુટ ટેક્સ ક્રેડિટ પરનો ટેક્સ ભરવામાં ના આવતા અપીલ ના મંજૂર કરવામાં આવી હતી.
કરદાતા તરફે દલીલ:
- ઈન્પુટ ટેક્સ ક્રેડિટ એલીજીબલ નથી તેના કારણે રિવોકેશન એપ્લિકેશન નામંજૂર થઈ શકે નહીં.
કોર્ટનો ચુકાદો:
- જી.એસ.ટી. કાયદા હેઠળ કલમ 30 ની જોગવાઈ પ્રમાણે રિવોકેશન અરજી સમયે ટેક્સ અને વ્યાજ દંડ ભરવા જરૂરી છે.
- ઈન્પુટ ટેક્સ ક્રેડિટ અંગે ચકાસણી કરી રિવોકેશનની પ્રક્રિયાને આકારણીની પ્રક્રિયામાં તબદીલ કરી શકાય નહીં.
- જી.એસ.ટી. ડિપાર્ટમેંટની એવી માન્યતા કે ઈન્પુટ ટેક્સ ક્રેડિટ અંગે પણ રિવોકેશનની અરજીમાં ચકાસણી કરવાની રહે તે ખોટી છે.
- રિવોકેશનની અરજી ઉપર નિર્ણય લીધા બાદ અધિકારી જી.એસ.ટી. કાયદાની કલમ 74 હેઠળ કાર્યવાહી કરી શકે છે અને એ કાર્યવાહીમાં ઈન્પુટ ટેક્સ ક્રેડિટ બાબતે નિર્ણય લઈ શકે છે.
- આમ, રિવોકેશનની અરજીના નિર્ણય લીધા સિવાય ઈન્પુટ ટેક્સ ક્રેડિટ બાબતે નિર્ણય લેવો એ બળદની આગળ ગાંડું બાંધવા જેવી બાબત ગણાય.
- કરદાતા દ્વારા બાકી તમામ રિટર્ન વેરા, વ્યાજ તથા દંડ સાથે ભરવામાં આવેલ છે અને આટલૂ કરવાંથી રિવોકેશન માટે જરૂરી પુર્તતા થઈ ગઈ ગણાય.
- અધિકારી પહેલા રિવોકેશન આદેશ પસાર કરે અને ત્યારબાદ જરૂરી જણાય તો કરદાતાની આકારણી હાથ ધરે.
(સંપાદક નોંધ: “રિવોકેશન” ની અરજી સમયે કરદાતાની સામે ઘણા અલગ અલગ પ્રશ્નો ઉપસ્થિત કરવામાં આવતા હોય છે. મદ્રાસ હાઇકોર્ટ દ્વારા આ આદેશમાં પ્રતિપાદિત કરવામાં આવ્યું છે કે જી.એસ.ટી. હેઠળ રિવોકેશનની અરજીમાં જ્યારે તમામ રિટર્ન, રિટર્નમાં દર્શાવેલ ટેક્સ, વ્યાજ અને દંડ સાથે ભરવામાં આવ્યા હોય ત્યારે તે અરજી પસાર કરવી જરૂરી છે. ઈન્પુટ ટેક્સ ક્રેડિટ જેવી આકારણીને લગતી બાબતોને રિવોકેશન અરજી દરમ્યાન મુદ્દો બનાવી શકાય નહીં.)
ભવ્ય પોપટ, એડિટર, ટેક્સ ટુડે.