સરકારની સ્પષ્ટતા: જી.એસ.ટી. ના અમલથીજ લાગશે વ્યાજ માત્ર ચૂકવવાપાત્ર વેરા ઉપર!!

Spread the love
Reading Time: < 1 minute

ઘટાડેલું વ્યાજ પાછલી અસરથી લાગુ પડશે કે નહીં તે અંગે  તજજ્ઞોમાં થઈ રહી હતી ચર્ચા

તા. 27.08.2020: 01 સપ્ટેમ્બરથી જી.એસ.ટી. કાયદા હેઠળ એક મહત્વનો સુધારો લાગુ કરવામાં આવ્યો છે. જી.એસ.ટી. કાયદાની કલમ   ૫૦ હેઠળ, વ્યાજ માત્ર રોકડ સ્વરૂપે ભરવાની થતી રકમ ઉપર લાગશે તેવો સુધારો અમલી બનાવવામાં આવ્યો છે. આ સુધારા અંગે જાહેરનામું આવતાજ ટેક્સ પ્રેકટિશનરોમાં એ બાબત ચર્ચાનો વિષય બની હતી કે જી.એસ.ટી. કાઉન્સીલની મિટિંગમાં આ સુધારો જી.એસ.ટી. લાગુ થયો ત્યારથી કરવામાં આવશે તે અંગે નિર્ણય લેવામાં આવેલ હતો તથા આ અંગે પ્રેસ સમક્ષ જાહેરાત પણ કરવામાં આવી હતી ત્યારે, આ  જાહેરનામામાં આ સુધારાની અસર 01 સપ્ટેમ્બર ૨૦૨૦ થી આપવામાં આવી છે. આ સુધારો  ૦૧.૦૭.૨૦૧૭ થી લાગુ થશે કે ૦૧.૦૯.૨૦૨૦ થી, તે બાબતે અલગ અલગ અભિપ્રાય તજજ્ઞો દ્વારા આપવામાં આવી રહ્યા હતા. આ ચર્ચાઓ ઉપર સમયસર પૂર્ણવિરામ મુકાઇ ગયો છે. સરકાર દ્વારા ખૂબ સમયસર પ્રેસ વિજ્ઞપ્તિ જાહેર કરી જણાવવામાં આવ્યું છે કે આ સુધારો 01 જુલાઇ 2017 એટલેકે જી.એસ.ટી. નો અમલ થયો ત્યારથી લાગુ પાડવામાં આવશે. અમુક વિધિગત મુશ્કેલીઓ ના કારણે આ જાહેરનામામાં પાછલી અસર વિષે ઉલ્લેખ થઈ શક્યો નથી. આ ઉલ્લેખ અંગે ટૂંક સમયમાં આધિકારિક જાહેરાત કરવામાં આવશે તેવું પણ જાહેર કરવામાં આવ્યું છે. આ પ્રેસ વિજ્ઞપ્તિમાં સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું છે કે ગ્રોસ રકમ ઉપર વ્યાજ અંગે કરદાતા પાસેથી કોઈ રિકવરી કરવામાં આવશે નહીં.

જી.એસ.ટી. કાયદાનો અમલ થયો છે ત્યારથી સરકાર, વેપારીઓ તથા ખાસ કરીને ટેક્સ પ્રેકટિશનરોની અનેક ટીકાઓનો સામનો કરી રહી છે. 25 ઓગસ્ટના રોજ બહાર પાડવામાં આવેલ જાહેરનામા બાબતે ઉઠેલા વિવાદને શાંત પાડવા 26 ઓગસ્ટના રોજ ખુલાસો કરવાનું આ પગલું ખૂબ આવકારદાયક છે. આ ખુલાસો થતા કરદાતાઓ તથા કરવ્યવસાયીકોએ રાહતનો શ્વાસ ચોક્કસ લીધો હશે. ભવ્ય પોપટ, એડિટર, ટેક્સ ટુડે.

error: Content is protected !!