કંપોઝીશનના કરદાતાઓ માટે ભરવાના થતાં GSTR 4 ની મુદત 31 ઓક્ટોબર સુધી વધારવામાં આવી
GSTR 4 ભરવાના છેલ્લે દિવસે પણ જી.એસ.ટી. પોર્ટલના સર્વર અંગે ફરિયાદો ના આવી તે બાબત આવકારદાયક
તા. 01.09.2020: જી.એસ.ટી. કાયદા હેઠળ કંપોઝીશન કરદાતાએ વાર્ષિક ધોરણે ભરવાના થતા GSTR 4 ફોર્મ ની મુદત ૩૧ ઓગસ્ટ ૨૦૨૦ થી વધારી ૩૧ ઓક્ટોબર ૨૦૨૦ કરી નાંખવામાં આવી છે. આ અંગે આધિકારિક નોટિફિકેશન ૬૪/૨૦૨૦ બહાર પાડવામાં આવ્યું છે. આ ફોર્મ ૨૦૧૯-૨૦ થી કંપોઝીશન કરદાતાઑએ વાર્ષિક ધોરણે ભરવાપાત્ર છે. ઉલ્લેખનીય છે કે આ ફોર્મ ભરવાંની મુદત ૩૧ ઓગસ્ટ હોવા છતાં પોર્ટલ ઉપર આ ફોર્મ ઘણું મોડુ ઉપલબ્ધ બનાવવામાં આવ્યું હતું. રાજ્યની નામાંકિત એકાઉન્ટ સૉફ્ટવેર બનાવતી કંપની દ્વારા પોતાના સૉફ્ટવેર ઉપર આ ફોર્મ ૩૧ ઓગસ્ટના રોજ બહાર પાડવામાં આવ્યું હતું. દિવસભર ટેક્સ પ્રેકટિશનરોએ આ ફોર્મ ભર્યા હતા. આ ટેક્સ પ્રેકટિશનર્સ તથા એકાઉન્ટન્ટ આશા સેવી રહ્યા હતા કે આ ફોર્મ ભરવાની મુદતમાં સરકાર દ્વારા વધારો જાહેર કરવામાં આવે. આ ફોર્મ મોડુ ભરવામાં આવે તો રોજ ૫૦ રૂપિયા ની લેઇટ ફી કરદાતાઓ એ ભરવાની જવાબદારી આવે તેમ હતી. રાત્રિના ૯:૩૦ કલાકે મુદત વધારા અંગેનું ટ્વિટ CBIC દ્વારા બહાર પાડવામાં આવ્યું હતું. આ અંગે નોટિફિકેશન પણ ટૂંક સમયમાં આવી જતાં કરદાતાઓ અને ખાસ કરીને ટેક્સ પ્રેકટિશનરો તથા એકાઉન્ટન્ટોએ રાહત નો શ્વાસ લીધો હતો. ટેક્સ પ્રેકટિશનરોમાં એ બાબત સકારાત્મક ચર્ચાનો વિષય બની હતી કે છેલ્લે દિવસે જ્યારે જી.એસ.ટી.આર. ૪ ફોર્મ ભરવા ઘસારો હોવા છતાં જી.એસ.ટી. પોર્ટલમાં સર્વરની મુશ્કેલી જણાય ના હતી. ભવ્ય પોપટ, એડિટર, ટેક્સ ટુડે
મુદત વધારા અંગેનું નોટિફિકેશન