01 ઓગસ્ટથી 5 કરોડ ઉપર ટર્નઓવર હોય તેવા વેપારી માટે ઇ ઇંવોઇસ બનાવવું બની ગયું છે ફરજિયાત!!

Spread the love
Reading Time: 4 minutes

01.07.2023 થી એટલેકે જી.એસ.ટી. લાગુ થયો છે ત્યારથી 05 કરોડ ઉપર હોય તેવા સંજોગોમાં ઇ ઇંવોઇસ બની જાય છે ફરજિયાત

ઇ ઇંવોઇસના નિયમો માત્ર વેચનાર વેપારી માટે નહીં ખરીદનાર માટે પણ જાણવા છે એટલા જ જરૂરી

તા. 10.08.2023

By Bhavya Popat, Advocate

જી.એસ.ટી. હેઠળ હાલના નિયમો મુજબ ૦૧ જુલાઇ ૨૦૧૭ થી નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ સુધી કોઈ પણ નાણાકીય વર્ષમાં કોઈ વેપારીનું ટર્નઓવર 10 કરોડનું થી વધુ થયું હોય તેવા કરદાતાઓ માટે ઇ ઇંવોઇસ બનાવવા ફરજિયાત બનાવવામાં આવ્યા. 01 ઓગસ્ટ 2023 થી આ ટર્નઓવરની મર્યાદામાં ઘટાડો કરી 5 કરોડ ઉપર કોઈ કરદાતાનું ટર્નઓવર હશે તેઓ માટે ઇ ઇંવોઇસ બનાવવા ફરજિયાત બનાવવા જાહેરનામું બહાર પાડી આપવામાં આવ્યું છે. આમ, 01 ઓગસ્ટ 2023 થી જે કરદાતાઓનું ટર્નઓવર ૨૦૧૭-૧૮ થી માંડી ૨૦૨૨-૨૩ સુધી કોઈ પણ વર્ષમાં 5 કરોડથી વધુ થયું હોય તે તમામ કરદાતાઓની ઉપર ઇ ઇંવોઇસનો આ નિયમ લાગુ પડી જશે. નિષ્ણાંતો માની રહ્યા છે કે ટર્નઓવરની મર્યાદા 10 કરોડથી ઘટાડી 5 કરોડ કરવામાં આવશે ત્યારે ખૂબ મોટા પ્રમાણમા કરદાતાઓ ઉપર આ નિયમોની અસર થશે. સમાન્ય રીતે વેપારીએ એવું માની રહ્યા હોય છે કે જે વેપારી કે કરદાતાનું ટર્નઓવર ઇ ઇંવોઇસની ટર્નઓવર મર્યાદાથી ઉપર હોય તેના માટે જ આ નિયમોની જાણકારી મેળવવી જરૂરી છે, અન્ય વેપારીઓ માટે આ નિયમ જાણવા જરૂરી નથી. પરંતુ આ એક ભૂલ ભરેલી માન્યતા છે. આજે આ લેખમાં આ અંગે વિગતો આપવા પ્રયાસ કરવામાં આવ્યો છે.

ઇ ઇંવોઇસ એટ્લે શું?

ઇ ઇંવોઇસ એટ્લે એવા ઇંવોઇસ (બિલ) જે જી.એસ.ટી. ના ખાસ ઇ ઇંવોઇસ પોર્ટલ ઉપર તૈયાર કરવાના રહે છે અને તેના ઉપર એક ખાસ IRN એટ્લે કે ઇંવોઇસ રેફેરન્સ નંબર જનરેટ થાય છે. આ IRN ૬૪ આંકડાનો હોય છે. આ IRN જનરેટ થયા પછી કોઈ પણ કરદાતા આ IRN ના બારકોડને સ્કેન કરી તેની તમામ વિગતો મેળવી શકે છે.

ઇ ઇંવોઇસ ક્યાં વેપારીઓ માટે ક્યારથી બની ગયા છે ફરજિયાત?

ઇ ઇંવોઇસ એક અદ્યત્ન પદ્ધતિ દ્વારા બનાવવાના હોવાથી મોટા વેપારીઓનો જ સમાવેશ આ ઇંવોઇસ ફરજિયાત બનાવવા માટે કરવામાં આવેલ છે. સૌ પ્રથમ ઇ ઇંવોઇસના નિયમો 1.10.2020 થી 500 કરોડ ઉપર ટર્નઓવર ધરાવતા કરદાતાઓ માટે લાગુ કરવામાં આવ્યા હતા. નીચેના કૌષ્ટકમાં ક્યાં વેપારીઓ માટે ઇ ઇંવોઇસ ક્યારે ફરજિયાત બનાવવામાં આવ્યા તે અંગે વિગતો આપવામાં આવેલ છે.

ક્રમ       ટર્નઓવર ઇ ઇંવોઇસ લાગુ કર્યા તારીખ
૫00 કરોડ ૦૧.૧૦.૨૦૨૦
૧૦૦ કરોડ ૦૧.૦૧.૨૦૨૧
  ૫૦ કરોડ ૦૧.૦૪.૨૦૨૧
  ૨૦ કરોડ ૦૧.૦૪.૨૦૨૨
  ૧૦ કરોડ ૦૧.૧૦.૨૦૨૨
  ૦૫ કરોડ ૦૧.૦૮.૨૦૨૩

ક્યાં પ્રકારના વ્યવહારો માટે ઇ ઇંવોઇસ છે ફરજિયાત?

ઉપર જણાવેલ ટર્નઓવરની મર્યાદા ઉપર ટર્નઓવર હોય તેવા કરદાતાઓએ (જેને હવે પછી નિયત કરદાતા તરીકે ઓળખીશું) નીચેના વ્યવહારો સંદર્ભે ઇ ઇંવોઇસ બનાવવા ફરજિયાત બની જાય

૧. B૨B વેચાણો એટ્લે કે નિયત કરદાતા દ્વારા કોઈ જી.એસ.ટી. હેઠળ નોંધાયેલ કરદાતાને કરવામાં આવેલ વેચાણો

૨. B૨G વેચાણો એટ્લે કે કોઈ નિયત કરદાતા દ્વારા સરકારને કરવાના આવતા વેચાણ,

૩. એક્સપોર્ટ વ્યવહારો,

૪ ડીમ્ડ એક્સપોર્ટ વ્યવહારો,

૫. SEZ ને કરવામાં આવેલ વેચાણો,

૬. એવા વેચાણો જેના ઉપર ખરીદનાર-સેવા મેળવનાર RCM હેઠળ વેરો ભરવા જવાબદાર હોય

૭. અન્ય જી.એસ.ટી. નંબર ધરાવનાર કરદાતાને કરવામાં આવેલ સ્ટોક ટ્રાન્સફર

૮. ઉપર તમામ વ્યવહારો અંગે કોઈ ડેબિટ કે ક્રેડિટ નોટ આપવામાં આવેલ હોય

ક્યાં કરદાતાઓને આ ઇ ઇંવોઇસ બનાવવામાં આપવામાં આવેલ છે મુક્તિ?

ઉપર જણાવેલ છે તેમ કોઈ કરદાતાનું ટર્નઓવર નિયત મર્યાદાથી વધુ થાય ત્યારે તેઓ ઇ ઇંવોઇસ બનાવવા જવાબદાર બની જાય છે. પરંતુ આ નિયમોમાં અમુક ખાસ પ્રકારના કરદાતાઓને મુક્તિ આપવામાં આવેલ છે. આ કરદાતાઓની યાદી નીચે મુજબ છે.

૧. ઈન્સ્યોરન્સ કંપની

૨. બેંકિંગ કંપની

૩. ગુડ્સ ટ્રાન્સપોર્ટ એજન્સી (GTA)

૪. પેસેંજર ટ્રાન્સપોર્ટ સર્વિસ પૂરી પાડતા કરદાતાઓ

૫. મલ્ટી પ્લેક્સ સિનેમા ગૃહ જ્યાં ફિલ્મો બતાવવામાં આવતી હોય

૬. SEZ ના કાર્યક્ષેત્રમાં કાર્યરત યુનિટ

૭. સરકારી વિભાગ

૮. નગર પાલિકા, મ્યુનિસિપાલિટી, મહાનગર પાલિકા

ઇ ઇંવોઇસ ક્યારે-ક્યાં સુધીમાં જનરેટ કરી આપવાનું રહે છે?

ઇ ઇંવોઇસ સામાન્ય રીતે વેચાણ સાથે જ જનરેટ કરી લેવું જોઈએ. પરંતુ હાલ, વેપારીઓને રાહત આપવાના હેતુ થી ૧૦૦ કરોડ કે તેથી વધુ ટર્નઓવર હોય તે સિવાયના કરદાતાઓ માટે ઇ ઇંવોઇસ જનરેટ કરવા કોઈ મર્યાદા રાખેલ નથી. ૧૦૦ કરોડથી વધુ ટર્નઓવર ધરાવતા કરદાતાઓ માટે ૦૧.૦૫.૨૦૨૩ થી સામાન્ય ઇંવોઇસ કે ડેબિટ ક્રેડિટ નોટ બનાવ્યાના ૭ દિવસમાં ઇ ઇંવોઇસ બનાવવું ફરજિયાત બનાવી આપવામાં આવ્યું છે.

ઇ ઇંવોઇસ જનરેટ કરેલ હોય તો પણ ઇ વે બિલ બનાવવું છે જરૂરી

ઘણા વેપારીઓ એવી ખોટી માન્યતા ધરાવતા હોય છે કે અમે ઇ ઇંવોઇસ જનરેટ કરેલ હોય એટ્લે ઇ વે બિલ બનાવવામાંથી મુક્તિ મળી જાય છે. આ માન્યતા તદ્દન ખોટી છે. ઇ ઇંવોઇસ એ ટેક્સ ઇંવોઇસ છે જ્યારે ઇ ઇંવોઇસ બનાવવા છતાં ઇ વે બિલનો 50000 ઉપરના વ્યવહારો માટે બનાવવું ફરજિયાત જ રહે છે.

ટર્નઓવર મર્યાદાથી ઓછું ટર્નઓવર હોય તેવા કરદાતા માટે આ નિયમો જાણવાની શું જરૂર છે?
સામાન્ય રીતે વેપારી આલમમાં એવી માન્યતા પ્રવર્તતી હોય છે કે નિયત મર્યાદાથી ટર્નઓવર ઓછું હોય તો ઇ ઇંવોઇસના નિયમો તેઓને કોઈ પણ રીતે લાગુ પડતાં નથી. આ નિયમો જાણવા તેઓના માટે બિલકુલ જરૂરી નથી! પરંતુ આ માન્યતા તદ્દન ભૂલ ભરેલી છે. ઇ ઇંવોઇસ અંગેની મહત્વતા અને તેના અંગેના નિયમો જાણવા તમામ નોંધાયેલ વેપારીઓ માટે જરૂરી છે. આ અંગેનું કારણ એ છે કે પ્રવર્તમાન જોગવાઈ મુજબ ખરીદનાર કે સેવા મેળવનાર વેપારી પોતાની ખરીદીની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ તો જ લઈ શકે છે જો તેઓ પાસે કાયદા મુજબનું ટેક્સ ઇંવોઇસ હોય. હાલના નિયમો મુજબ ખરીદનાર વેપારીની એ જવાબદારી રહે છે કે તેઓ પોતાના વેચનાર માટે ઇ ઇંવોઇસ લાગુ પડે છે કે નહીં તે જી.એસ.ટી. પોર્ટલ ઉપર ચકાસી લે અને જો તેઓને એટલેકે પોતાના વેચનરને ઇ ઇંવોઇસની મર્યાદા લાગુ પડતી હોય તો પોતાની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ લેવા ફરજિયાત વેચનાર પાસે ઇ ઇંવોઇસ નો જ આગ્રહ રાખે. આ નિયમ બાબતે અજ્ઞાત વેપારી ક્યારેક પોતાની કાયદાકીય રીતે મળવાપાત્ર ઈન્પુટ ટેક્સ ક્રેડિટ પણ ઇ ઇંવોઇસ ના હોવાના કારણે ખોઈ શકે છે. આમ, જી.એસ.ટી. હેઠળ નોંધાયેલ તમામ કરદાતા આ નિયમ બાબતે સજાગ રહે તે જરૂરી છે.

(આ લેખ જાણીતા ગુજરાતી દૈનિક ફૂલછાબની વ્યાપારભૂમિ પૂર્તિમાં 08.08.2023 ના રોજ પ્રકાશિત થયેલ છે.)

error: Content is protected !!