ગુજરાત બજેટ ૨૦૨૬: કોઈ નવો વેરો નહિ: પ્રોફેશનલ ટેક્સ નાબુદી તથા એમનેસ્ટી સ્કીમ અંગે કોઈ જાહેરાત નહિ
ગુજરાત વિધાનસભામાં ગુજરાત સરકારના નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા દ્વારા વર્ષ 2026-27 માટેનું બજેટ રજૂ
₹ 974 કરોડનો અનુમાનિત વધારો – કરમાં વધારો નહીં, ₹ 210 કરોડની રાહત
ગુજરાત વિધાનસભામાં તા. 18 ફેબ્રુઆરી, 2026ના રોજ રાજ્યના નાણાં પ્રધાન શ્રી કનુભાઈ દેસાઈએ વર્ષ 2026-27 માટેનું બજેટ (ભાગ-બ) રજૂ કર્યું. બજેટ અંદાજ મુજબ રાજ્યને કુલ ₹ 1184 કરોડનો વધિયારો નોંધાયો છે. કરમાં કોઈ વધારો કરાયો નથી, જ્યારે ₹ 210 કરોડની કરરાહત આપવામાં આવી હોવાથી અંતિમ વધિયારો ₹ 974 કરોડ રહેશે .
GST ક્ષેત્રે મોટા સુધારા – ₹ 11,000 કરોડની બચત
નાણાં પ્રધાનશ્રીએ જણાવ્યું હતું કે 3 સપ્ટેમ્બર, 2025ના રોજ યોજાયેલી 56મી GST કાઉન્સિલ બેઠકમાં “Next-Gen GST” અને “GST 2.0” જેવા લોકો કેન્દ્રિત સુધારા અમલમાં મુકાયા છે. ટેક્સ દરોમાં ઘટાડાના પરિણામે રાજ્યના નાગરિકોને એક જ વર્ષમાં આશરે ₹ 11,000 કરોડની GST બચત થશે .
GST હેઠળ નોંધપાત્ર નિર્ણયો આ મુજબ છે:
- રિફંડમાં ઝડપ: જોખમ આધારિત મૂલ્યાંકન આધારે 7 દિવસમાં 90% રિફંડ પ્રોવિઝનલ સ્વરૂપે ચૂકવવાની જોગવાઈ, જેથી વેપારીઓનું વર્કિંગ કેપિટલ અટવાઈ ન રહે.
- સરળ નોંધણી યોજના: નાના અને મધ્યમ ઉદ્યોગકારોને દર મહિને ₹ 2.5 લાખ સુધી ITC પાસ કરતા હોય તો માત્ર 3 કાર્યદિવસમાં GST નંબર મળે તેવી સરળ યોજના. છેલ્લા ત્રણ મહિનામાં આશરે 52,000 વેપારીઓએ આ યોજના હેઠળ નોંધણી મેળવી છે .
GST આવકમાં 12%થી વધુ વૃદ્ધિ
રાજ્યમાં GST વહીવટની કાર્યક્ષમતા અને કરદાતાઓના સહકારને કારણે ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન ગયા વર્ષની સરખામણીએ 12%થી વધુ વૃદ્ધિ નોંધાઈ છે.
ગુજરાતમાં હાલ GST હેઠળ નોંધાયેલા કરદાતાઓની સંખ્યા 13.69 લાખ સુધી પહોંચી છે, જે ગયા વર્ષ કરતાં આશરે 8% વધુ છે .
GST રિટર્ન ફાઇલિંગમાં નિયમિતતા જાળવી રાખવા બદલ ગુજરાત દેશભરમાં 2025-26 દરમિયાન પ્રથમ સ્થાન પર રહ્યું છે.
બાયોમેટ્રિક ચકાસણી હવે જિલ્લા સ્તરે
વેપારીઓને સુવિધા મળે તે હેતુથી અગાઉ જામનગરના વેપારીઓને બાયોમેટ્રિક અને દસ્તાવેજ ચકાસણી માટે જુનાગઢ જવું પડતું હતું. હવે 26 જાન્યુઆરી, 2026થી જામનગરમાં અઠવાડિયામાં બે દિવસ બાયોમેટ્રિક સુવિધા શરૂ કરાઈ છે.
આ સુવિધા આગામી સમયમાં આણદ, ભરૂચ, મોરબી, સુરેન્દ્રનગર, ભુજ અને પાટણ ખાતે પણ શરૂ કરાશે .
ઈલેક્ટ્રિક વાહનો પર ટેક્સ રાહત એક વર્ષ માટે વધારાઈ
‘ગ્રીન ગ્રોથ’ના વિઝન અંતર્ગત ઇલેક્ટ્રિક વાહનો પર લાગુ 6% સુધીના લમ્પસમ મોટર વ્હીકલ ટેક્સમાં 5% સુધીની રાહત (અસરકારક દર 1%) આપવામાં આવી હતી. આ યોજના પૂર્ણ થવા આવી રહી હોવાથી રાજ્ય સરકારે આ રાહતને વધુ એક વર્ષ માટે લંબાવવાનો નિર્ણય કર્યો છે.
આ પગલાથી રાજ્યના નાગરિકોને આશરે ₹ 210 કરોડનો લાભ થશે .
કરમાં વધારો નહીં – સંતુલિત બજેટ
બજેટ મુજબ:
- બજેટ અંદાજ મુજબ વધારો: ₹ 1184 કરોડ
- કરમાં વધારો: શૂન્ય
- કરરાહત: ₹ 210 કરોડ
- અંતિમ અનુમાનિત વધિયારો: ₹ 974 કરોડ .
પ્રોફેશનલ ટેક્સ રદ્દ કરવાની આશા ફળી નહિ:
ગુજરાતના વેપારીઓ દ્વારા જી.એસ.ટી. લાગુ થયા બાદ પ્રોફેશનલ ટેક્સ રદ્દ કરવા અંગે સતત માંગણી કરવામાં આવી રહી છે. વેપારીઓ આ બજેટમાં આ અંગે જાહેરાત થશે તેવી આશા સેવી રહ્યા હતા. પરંતુ આ બજેટમાં તેમના માટે ફરી નિરાશા હાથ લાગી હતી અને પ્રોફેશનલ ટેક્સ નાબુદી અંગે કોઈ જાહેરાત બજેટમાં કરવામાં આવી નથી. આ બાબતે વાત કરતા ગુજરાત ટ્રેડર્સ ફેડરેશનના પ્રમુખ જયેન્દ્રભાઈ તન્ના જણાવે છે કે “વ્યવસાય વેરો (પ્રોફેશનલ ટેક્સ) ને નાબુદ કરવા વેપારીઓ સતત માંગ કરી રહ્યા છે. જી.એસ.ટી. લાગુ થયા બાદ રાજ્ય સરકારની આવકમાં ખુબ મોટો વધારો થયો છે. પ્રોફેશનલ ટેક્સ નાબુદ કરવામાં આવે તો પણ સરકારની આવકમાં ખાસ કોઈ ફર્ક પડે તેમ નથી. પરંતુ પ્રોફેશનલ ટેક્સ નાબુદ થાય તો વેપારીઓને અને અન્ય કરદાતાઓને ઘણો ફાયદો થાય તેમ હતો. પરંતુ આ બજેટમાં આ અંગે કોઈ જાહેરાત નાં થતા અમે આ બાબતે નિરાશ થયા છે.”
એમનેસ્ટી સ્કીમ (માફી યોજના) અંગે કોઈ જાહેરાત નહિ:
જી.એસ.ટી. લાગુ થયા બાદ વેટ, સેલ્સ ટેક્સ, કેન્દ્રિય વેચાણ વેરા વગેરેમાં અનેક ડીમાંડ ઉભી છે. આ ડીમાંડના કેસો વર્ષો સુધી ચાલ્યા કરતા હોય છે. આ કેસોનો નિકાલ થાય તે માટે રાજ્ય સરકારને વેટ સહીત અન્ય જુના કાયદાઓ બાબતે માફી યોજના લાવવા ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ, ધ ગુજરાત સ્ટેટ ટેક્સ બાર એસોસીએશન વગેરે અનેક સંસ્થાઓ દ્વારા માંગ કરવામાં આવી હતી. આ માંગનો પણ સ્વીકાર કરવામાં આવ્યો નથી.
નાણાં પ્રધાનશ્રીએ જણાવ્યું કે ‘વિકસિત ભારત 2047’ના લક્ષ્ય સાથે ગુજરાત ‘વિકસિત ગુજરાત 2047’ તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે અને આ બજેટ તે દિશામાં સંતુલિત અને પ્રગતિશીલ પ્રયાસ છે.
