ધ ગુજરાત સ્ટેટ ટેક્સ બાર એસોસિયેશનની 72મી વાર્ષિક સામાન્ય સભા અમદાવાદ ખાતે યોજાઈ
વાર્ષિક અહેવાલ, હિસાબો અને વિવિધ ઠરાવો સર્વાનુમતે મંજૂર; વર્ષ 2026-27 માટે નવી મેનેજિંગ કમિટીની વરણી
અમદાવાદ, તા. 03 જુલાઇ :
ટેક્સ પ્રેક્ટિશનર્સના અગ્રણી સંગઠન ધી ગુજરાત સ્ટેટ ટેક્સ બાર એસોસિયેશનની 72મી વાર્ષિક સામાન્ય સભા (AGM) સોમવાર, તા. 29 જૂન, 2026ના રોજ અમદાવાદના વસ્ત્રાપુર સ્થિત એચ.ટી. પારેખ હોલ (AMA) ખાતે મોટી સંખ્યામાં સભ્યોની ઉપસ્થિતિમાં યોજાઈ હતી. એસોસિયેશનના વર્ષ 2025-26 દરમિયાન થયેલા વિવિધ શૈક્ષણિક, વ્યાવસાયિક અને પ્રતિનિધિત્વાત્મક કાર્યોની સમીક્ષા સાથે આગામી વર્ષ માટેની દિશા નક્કી કરતી આ બેઠક સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી.
સભામાં સૌપ્રથમ અગાઉ યોજાયેલી 71મી વાર્ષિક સામાન્ય સભાની કાર્યવાહીનું અનુમોદન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વર્ષ 2025-26 દરમિયાન એસોસિયેશન દ્વારા હાથ ધરવામાં આવેલી પ્રવૃત્તિઓનો વિસ્તૃત વાર્ષિક અહેવાલ તેમજ નાણાકીય હિસાબો સભ્યો સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા, જેને સભ્યોએ ચર્ચા બાદ સ્વીકાર્યા હતા. આગામી વર્ષ માટે ઓડિટરની નિમણૂક સહિતના એજન્ડાના વિવિધ મુદ્દાઓ પણ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા.
સભામાં એસોસિયેશનના માસિક સ્ટેટ ટેક્સ જર્નલની કામગીરીનો અહેવાલ પણ રજૂ કરવામાં આવ્યો હતો. ઉપરાંત વર્ષ દરમિયાન ઉત્તમ લેખન કરનાર લેખકોને ટ્રોફી એનાયત કરવાની સાથે સભ્યોના સંતાનોને વિવિધ શૈક્ષણિક ક્ષેત્રોમાં શ્રેષ્ઠ દેખાવ બદલ વિવિધ સ્મૃતિ પારિતોષિકો અને મેરિટ એવોર્ડ્સ આપવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો હતો. રમતગમત ક્ષેત્રે ચેસ, કેરમ અને ક્રિકેટ સ્પર્ધાઓના વિજેતાઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.
વર્ષ દરમિયાન એસોસિયેશને રિફ્રેશર કોર્સ, જ્ઞાનોદય પાઠશાળા, વેબિનાર, મોફુસ્સિલ કાર્યક્રમો, રેસિડેન્શિયલ રિફ્રેશર કોર્સ, આઉટરીચ કાર્યક્રમો તેમજ GST અને કરવેરા સંબંધિત વિવિધ પ્રશ્નો અંગે સરકાર સમક્ષ અસરકારક રજૂઆતો કરીને સભ્યોના હિતોની રક્ષા માટે નોંધપાત્ર કામગીરી કરી હોવાનું સભામાં જણાવાયું હતું. વાર્ષિક અહેવાલમાં આ તમામ પ્રવૃત્તિઓની વિગતવાર માહિતી રજૂ કરવામાં આવી હતી.
સભામાં એસોસિયેશનના નવા મોટ્ટો સોંગ, એમ્પાવર્ડ કમિટી અને ડિસ્પ્યુટ રિડ્રેસલ કમિટીની પુનઃરચના અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. ઉપરાંત વર્ષ 2026-27 માટે ઝોનવાઈઝ એસોસિયેટ સભ્યો જાહેર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
AGMનું મુખ્ય આકર્ષણ વર્ષ 2026-27 માટે એસોસિયેશનની નવી મેનેજિંગ કમિટીની ચૂંટણી રહ્યું હતું. એજન્ડા મુજબ 11 સભ્યોની નવી મેનેજિંગ કમિટીની વરણી કરવામાં આવી હતી, જે આગામી એક વર્ષ માટે એસોસિયેશનની કામગીરીનું સુકાન સંભાળશે. નવી ટીમ પાસેથી વ્યાવસાયિક હિતોની રક્ષા, કરકાયદામાં જાગૃતિ, તાલીમ કાર્યક્રમો અને સરકાર સમક્ષ અસરકારક રજૂઆતોને વધુ ગતિ મળશે તેવી સભ્યોએ આશા વ્યક્ત કરી હતી. એસોસીએશનની નવી કારોબારીમાં દેવકરણ વઘાસિયા, આશુતોષભાઈ ઠક્કર, બાબુભાઇ ઓઝા, દર્શિત પી. શાહ, મેહુલ એન. શાહ, નિખિલ બી. ગાંધી, નિશાંત એમ. શાહ, પ્રિતેશ એસ. ગાંધી, રાહુલ ડી. ભાવસાર, રાજીવ શાહ, પ્રિતેશભાઇ ગાંધી ની નિમણૂક થયેલ છે. આ ઉપરાંત રાજ્યના વિવિધ એસોસીએટ એસોસીએશનના સભ્યો તરીકે નડિયાદથી અમિત સોની, રાજકોટથી રાજેશ કુકડિયા, વાપીથી ચિરાગભાઈ ગાંધી, ડીસાથી રાજેશભાઈ ઠક્કર અને ઉનાથી ભવ્ય પોપટની નિમણૂંક થયેલ છે. સાધારણ સભા બાદ મળેલ પ્રથમ કારોબારી સભામાં પ્રમુખ તરીકે અમદાવાદના જાણીતા એડવોકેટ દેવકરણ વઘાસિયાની નિમણૂંક કરવામાં આવી હતી.
સભાના અંતે તમામ સભ્યોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને ટેક્સ પ્રોફેશનલ્સના હિતો, વ્યાવસાયિક જ્ઞાનના વિકાસ તથા સમાજસેવાના ક્ષેત્રે એસોસિયેશનની કામગીરીને વધુ વ્યાપક બનાવવાના સંકલ્પ સાથે વાર્ષિક સામાન્ય સભાનું સમાપન કરવામાં આવ્યું હતું. ભવ્ય પોપટ, એડિટર, ટેક્સ ટુડે

