આવકવેરા કાયદા હેઠળ લોન આપતી કે લેતી વખતે ધ્યાન રાખવાની બાબતો
-By Bhavya Popat, Advocate
કોઈ પણ વ્યક્તિને નાણાંની જરૂરિયાત ઊભી થાય ત્યારે લોન લેવી અથવા કોઈ વ્યક્તિને લોન આપવી સામાન્ય નાણાકીય વ્યવહાર છે. સામાન્ય રીતે વ્યક્તિ પોતાના સગા-સબંધી, મિત્રો, પાસે જરૂરિયાતના સમયે લોન લેતો હોય છે અથવા આપતો હોય છે. ઇન્કમ ટેક્સ કાયદા ૨૦૨૫ હેઠળ લોન લેવા અને આપવા બાબતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તે આ લેખમાં સમજાવવા પ્રયાસ કરવામાં આવેલ છે.
ઇન્કમ ટેક્સ કાયદાની કલમ 185 – લોન, ડિપોઝિટ અને નિર્ધારિત રકમ સ્વીકારવાની રીત, કલમ 188 – લોન, ડિપોઝિટ અથવા નિર્ધારિત એડવાન્સની પરત ચુકવણીની રીત અને તેના ઉલ્લંઘન બદલ કલમ 450 તથા 453 હેઠળની દંડની જોગવાઈઓ મહત્વપૂર્ણ છે. જૂના Income-tax Act, 1961ની કલમ 269SS અને 269Tના મૂળભૂત નિયમો હવે નવા કાયદામાં નવી કલમ નંબર સાથે ચાલુ રહ્યા છે.
- ₹20,000 કે તેથી વધુની લોન રોકડમાં ન લેવી
Income-tax Act, 2025ની કલમ 185 મુજબ કોઈ વ્યક્તિ ₹20,000 કે તેથી વધુની લોન, ડિપોઝિટ અથવા specified sum રોકડમાં સ્વીકારી શકાતી નથી. આવી રકમ સ્વીકારવા માટે એકાઉન્ટ પેયી ચેક, ડ્રાફ્ટ, ઓનલાઈન ટ્રાન્સફરનો ઉપયોગ કરવો જરૂરી છે.
ઉદાહરણ તરીકે, કોઈ વ્યક્તિએ ₹1,50,000ની લોન રોકડમાં લીધી હોય તો માત્ર “પૈસા ખરેખર લીધા હતા” તે હકીકત પૂરતી નથી. વ્યવહાર કાયદેસર રીતે સ્વીકાર્ય માધ્યમથી થયો છે કે નહીં તે પણ મહત્વનું બને છે.
- લોનને નાના–નાના રોકડ હપ્તામાં વહેંચવી યોગ્ય નથી
કેટલાક લોકો એવું માને છે કે ₹20,000થી ઓછી રકમના અલગ-અલગ હપ્તામાં લોન લેવાથી કાયદાની જોગવાઈથી બચી શકાય છે. આ અભિગમ જોખમી છે. કલમ 185માં એક જ lender પાસેથી અગાઉ બાકી રહેલી લોન અને નવી લોન બંનેને ધ્યાનમાં રાખવાની જોગવાઈ છે. તેથી કાયદાની જોગવાઈ ટાળવાના હેતુથી લોનને કૃત્રિમ રીતે નાના હપ્તામાં વહેંચવી યોગ્ય નથી. લોનની શરૂઆતથી જ બેન્કિંગ ચેનલનો ઉપયોગ કરવો એ સૌથી સુરક્ષિત માર્ગ છે.
- લોન પરત કરતી વખતે પણ રોકડથી બચવું
લોન લેવી જેટલી મહત્વપૂર્ણ બાબત છે તેટલી જ મહત્વપૂર્ણ તેની ચુકવણી છે. ઇન્કમ ટેક્સ કાયદાની કલમ 188 હેઠળ લોન, ડિપોઝિટ અથવા specified advanceની પરત ચુકવણીની રીત નિયંત્રિત કરે છે. નિર્ધારિત મર્યાદા ₹20,000 કે તેથી વધુ હોય ત્યારે તેની ચુકવણી પણ એકાઉન્ટ પયી ચેક, ડ્રાફ્ટ, ઓનલાઈન ટ્રાન્સફર દ્વારા કરવામાં આવે તે જરૂરી છે. આથી “લોન ચેકથી લીધી અને પરત રોકડમાં કરી” એવી પદ્ધતિથી દૂર રહેવું જોઈએ.
- લોન આપનારની ઓળખ અને “ક્રેડીટવર્થીનેસ” હોવી જરૂરી છે
મોટી રકમની લોન લેતી વખતે માત્ર બેન્કમાં દ્વારા રકમ આવી ગઈ છે એટલું પૂરતું નથી. આવકવેરા વિભાગ દ્વારા તપાસ થાય ત્યારે ત્રણ મહત્વના પ્રશ્નો ઊભા થઈ શકે છે જે સાબિત કરવાની જવાબદારી કરદાતા કે જેઓએ લોન લીધી છે તેમની રહેતી હોય છે.
Identity– લોન કોણે આપી? તેની ઓળખ સાબિત કરવાની જવાબદારી
Creditworthiness – લોન આપનાર પાસે આટલી રકમ આપવાની ક્ષમતા હતી? તે સાબિત કરવાની જવાબદારી
Genuineness – ખરેખર લોનનો વ્યવહાર થયો હતો? આ માત્ર ચોપડાકીય એન્ટ્રી નહિ પરંતુ સાચી રકમની આપ-લે છે તે બાબત સાબિત કરવાની જવાબદારી
આથી lenderનું નામ, PAN, સરનામું, બેન્ક સ્ટેટમેન્ટ, ITR અને નાણાંના સ્ત્રોત જેવા દસ્તાવેજો લોન લેનાર દ્વારા ઉપલબ્ધ રાખવા સલાહભર્યું છે. ખાસ કરીને મોટી રકમની લોન લેવામાં આવી હોય ત્યારે આ દસ્તાવેજીકરણ ખૂબ જ મહત્વનું બને છે.
૫. લોન પર વ્યાજની ચુકવણીનો પણ યોગ્ય રેકોર્ડ રાખવો
જો લોન વ્યાજ સાથે લેવામાં આવેલ હોય તો લોન આપનારને ચુકવવાના થતા વ્યાજ પણ સામાન્ય રીતે બેંકથી કરવામાં આવે તે સલાહભર્યું છે. આ ઉપરાંત, કેટલીક પરિસ્થિતિઓમાં વ્યાજ ચૂકવતી વખતે Tax Deducted at Source (TDS)ની જોગવાઈ પણ લાગુ પડી શકે છે. ઇન્કમ ટેક્સ કાયદા ૧૯૬૧ માં અગાઉની Section 194Aને અનુરૂપ TDS જોગવાઈ હવે નવા કાયદામાં કલમ 393 હેઠળ કરવામાં આવી છે.
૬. સંબંધીઓ પાસેથી લોન લેતા પણ સાવચેતી જરૂરી
“લોન સંબંધીઓ પાસેથી છે એટલે આવકવેરા કાયદાના આ નિયમો લાગુ પડતા નથી” એવી માન્યતા ખોટી છે. સંબંધીઓ વચ્ચેની લોનમાં પણ કલમ 185 અને 188ની જોગવાઈઓનું પાલન જરૂરી બની શકે છે. તેથી ભાઈ, બહેન, પિતા, માતા, સંતાન અથવા અન્ય સંબંધીઓ પાસેથી મોટી રકમ લેતી વખતે પણ બેન્કિંગ ચેનલ અને યોગ્ય દસ્તાવેજીકરણનો ઉપયોગ કરવો જોઈએ. “ક્રેડીટવર્થીનેસ” સાબિત કરવાની જવાબદારી સબંધી પાસેથી લેનાર લોનમાં પણ લાગુ પડે છે.
૭. લોન અને ગિફ્ટ વચ્ચેનો તફાવત સ્પષ્ટ રાખવો
લોન અને ગીફ્ટ બે અલગ પ્રકારના વ્યવહાર છે. જો રકમ ભવિષ્યમાં પરત આપવાની જવાબદારી સાથે લેવામાં આવી હોય તો તે લોન છે. જો રકમ પરત કરવાની કોઈ જવાબદારી ન હોય તો તે ગીફ્ટ હોઈ શકે છે. તેથી હકીકતમાં લોન હોય અને તેને ગીફ્ટ તરીકે દર્શાવવી અથવા ગીફ્ટ ને લોન તરીકે દર્શાવવી ભવિષ્યમાં કરવેરાની મુશ્કેલી ઊભી કરી શકે છે.
૮. કલમ 185ના ઉલ્લંઘન બદલ ભારે દંડ
ઇન્કમ ટેક્સ કાયદાની કલમ 450 મુજબ કલમ 185નું ઉલ્લંઘન કરીને લોન, ડિપોઝિટ અથવા specified sum સ્વીકારવામાં આવે તો આકારણી અધિકારી લોન અથવા સંબંધિત રકમ જેટલો જ દંડ લાદી શકે છે. એટલે કે ₹10 લાખની લોન જો કલમ 185ના ઉલ્લંઘનથી લેવામાં આવી હોય તો દંડની રકમ ₹10 લાખ સુધી જઈ શકે છે.
તેવી જ રીતે, કલમ 453 કલમ 188 હેઠળ લોન અથવા ડિપોઝિટની ચુકવણી સંબંધિત ઉલ્લંઘન માટે દંડની જોગવાઈ કરે છે.
આથી માત્ર “રકમ તો મારી પોતાની હતી” અથવા “લોન ખરેખર લીધી હતી” એવી દલીલ પૂરતી નથી. વ્યવહાર કાયદામાં નિર્ધારિત પદ્ધતિથી થયો હતો કે નહીં તે પણ એટલું જ મહત્વનું છે.
૯. લોન આપનારના ખાતામાં રોકડ જમા થતી રકમ અને ટૂંક સમયમાં આપવામાં આવેલ લોન બની શકે છે શંકા ઉપજાવનારી!!
ઘણા કરદાતાઓ લોન આપનારના ખાતામાં રોકડમાં રકમ જમા કરાવી પછી ચેક દ્વારા લોન લેતા હોય છે. બેંકથી લોન આવી હોવાથી આ લોનને સામાન્ય માનતા હોય છે. પરંતુ આ વ્યવહારમાં ઇન્કમ ટેક્સ દ્વારા જયારે તપાસ થાય તો રોકડ જમા રકમ એ લોન લેનારની છે તેવી શંકા કરવામાં આવતી હોય છે. એટલે આ પ્રકારના વ્યવહારથી બચવું ખુબ જરૂરી છે. રોકડ જમા કરાવ્યાના ટૂંક સમયમાં આપવામાં આવેલ લોન શંકાનું કારણ બની શકે છે. આવા વ્યવહારો શક્ય હોય ત્યાં સુધી કરવા જોઈએ નહિ. જો કરવા જરૂરી હોય તો ટેક્સ પ્રોફેશનલ્સનું માર્ગદર્શન લઇ કરવામાં આવે તો જોખમ ઘટી જાય છે.
I લોન આપવી કે લેવી માત્ર બેન્ક ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવાની બાબત નથી. લોન આપનારની ઓળખ, આર્થીક તાકાત વગેરે બાબતોનું યોગ્ય ધ્યાન રાખવું જરૂરી છે.
લોનના વ્યવહારમાં ચાર બાબતો ખાસ યાદ રાખવી જોઈએ:
લોન લો – બેન્કિંગ ચેનલથી.
લોન આપો – યોગ્ય દસ્તાવેજ સાથે.
વ્યાજ ચૂકવો – TDSની જરૂરિયાત તપાસીને.
લોન પરત કરો – કાયદેસર બેન્કિંગ ચેનલથી.
આથી મોટી રકમની લોનના વ્યવહારમાં “પહેલા વ્યવહાર કરો અને પછી દસ્તાવેજ બનાવો” કરતાં “પહેલા કાયદાકીય માળખું સમજો, પછી વ્યવહાર કરો” એ વધુ સુરક્ષિત કર આયોજન છે.
