ભારે વરસાદના પગલે આવકવેરા રીર્ટન ભરવાની સમય મર્યાદા વધારવાની માંગ કરવામાં આવી
તીવ્ર વરસાદના પગલે નોકરિયાતો અને વ્યાજની આવક ધરાવતા કરદાતાઓના રીટર્નની મુદત પણ ૩૧ ઓગસ્ટ કરવા માંગ
તા. ૨૬.૦૭.૨૦૨૬: ટેક્સ એડવોકેટ્સ એસોસિયેશન ગુજરાત (TAAG), અમદાવાદ દ્વારા પ્રમુખ એડવોકેટ દીપ કે. પારીખના નેતૃત્વ હેઠળ કેન્દ્રીય નાણાંમંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણ તથા સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT)ના અધ્યક્ષને રજૂઆત કરીને આકારણી વર્ષ 2026-27 માટે બિન-ઓડિટ આવકવેરા રિટર્ન (ITR) ભરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ, 2026ના બદલે 31 ઓગસ્ટ, 2026 સુધી લંબાવવાની તાત્કાલિક માંગ કરવામાં આવી છે.
એસોસિયેશને પોતાની રજૂઆતમાં જણાવ્યું છે કે છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતના અનેક જિલ્લાઓમાં પડેલા અતિભારે વરસાદ, પૂર જેવી સ્થિતિ અને રેડ-ઓરેન્જ એલર્ટને કારણે જનજીવન તેમજ વેપાર-ધંધા ગંભીર રીતે પ્રભાવિત થયા છે. નવસારી, વલસાડ, સુરત, અમદાવાદ, ખેડા, વડોદરા સહિતના વિસ્તારોમાં સામાન્ય કામગીરી ખોરવાઈ ગઈ છે.
ભારે વરસાદના કારણે અનેક સ્થળોએ વીજ પુરવઠો અને ઇન્ટરનેટ સેવાઓ ખોરવાતા કરદાતાઓ તથા ટેક્સ પ્રોફેશનલ્સને આવકવેરા વિભાગના ઈ-ફાઇલિંગ પોર્ટલનો ઉપયોગ કરવામાં મુશ્કેલી પડી રહી છે. AIS/TIS ડેટા મેળવવા તેમજ ક્લાયન્ટ્સ સાથે સંપર્ક સાધવામાં પણ મુશ્કેલીઓ સર્જાઈ છે. માર્ગ અને રેલવે પરિવહન પણ અસરગ્રસ્ત બનતા અવરજવર મર્યાદિત થઈ ગઈ છે.
પૂરના પાણી વેપારી સંસ્થાઓ અને ઓફિસોમાં ઘૂસતાં અનેક વેપારીઓના હિસાબી ચોપડા, સ્ટોક રજિસ્ટર, બિલો તથા અન્ય મહત્વના દસ્તાવેજોને નુકસાન પહોંચ્યું છે, જેના કારણે સમયસર રિટર્ન ભરવાનું કાર્ય અત્યંત મુશ્કેલ બન્યું છે.
TAAG દ્વારા કરવામાં આવેલી મુખ્ય માંગણીઓ (1)બિન-ઓડિટ આવકવેરા રિટર્ન ભરવાની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ, 2026 સુધી લંબાવવામાં આવે.(2)CBDT દ્વારા આવકવેરા અધિનિયમની કલમ 119 હેઠળ તાત્કાલિક સત્તાવાર પરિપત્ર અથવા આદેશ બહાર પાડવામાં આવે. આ રજુઆત પ્રમુખ દીપ પરીખ, ઈન ડાયરેક્ટ રીપ્રેઇનટેશન કમિટી. સભ્ય. કૌશલ વ્યાસ, મંત્રી ઉત્સવ પટેલ, કારોબારી સભ્ય અમિત સોની સૌ એ તીવ્ર કરેલ છે. અમિત સોની, ટેક્સ ટુડે
