કરદાતાની જી.એસ.ટી. નોંધણી નંબરની અરજી રદ કરવાના આદેશ સામે કડક વલણ દર્શાવતી અલ્હાબાદ હાઇકોર્ટ: કરદાતાને હેરાનગતિ કરવા બદલ સરકારને કર્યો 15000 નો દંડ

Spread the love
Reading Time: 3 minutes

જી.એસ.ટી. હેઠળ નોંધણી દાખલો મેળવવામાં પડી રહેલી ટેકલીફ બાબતે રાહત આપતો અલ્હાબાદ હાઇકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો

તા. 11.01.2022:

જી.એસ.ટી. કાયદા હેઠળ નોંધણી દાખલો મેળવવામાં વિવિધ દસ્તાવેજો જેવા કે PAN કાર્ડ, આધાર કાર્ડ, ધંધાની માલિકીના પુરાવા તરીકે વેરા પહોચ અથવા ઇલેક્ટ્રીક બિલ ની જરૂર રહેતી હોય છે. આ દસ્તાવેજો પૂરા પાડી નોંધણી દાખલો મેળવવા ઓનલાઈન અરજી કરી હોવા છતાં ઘણા કરદાતાઓની અરજી એક યા બીજા કારણોસર રદ્દ થઈ હોવાના અનેક કિસ્સા બની રહ્યા છે. કાયદા તથા નિયમોમાં નિર્દિષ્ટ પુરાવાઓ ઓનલાઈન અપલોડ કર્યા હોવા છતાં નોંધણી દાખલો આપવામાં ગલ્લા-તલ્લા થતાં હોવાની અનેક ફરિયાદો મળતી રહે છે. ગુજરાત રાજ્યની વાત કરીએ તો જી.એસ.ટી .ચોરી અંગેના કેસો જેમ જેમ બહાર આવી રહ્યા છે તેમ તેમ આ નોંધણી દાખલો આપવાની વિધિ વધુ ને વધુ કડક બનાવવામાં આવી રહી છે.

ઉત્તર પ્રદેશ ખાતે આ પ્રકારે નોંધણી દાખલા મેળવવા અંગેની અરજી રદ કરવાના કિસ્સામાં કરદાતા રંજના સિંઘ દ્વારા માનનીય અલ્હાબાદ વડી અદાલતના દ્વારા ખટ ખટાવવામાં આવ્યા હતા. આ કેસમાં વાડી અદાલત દ્વારા ખૂબ મહત્વનો ચુકાદો આપતા અધિકારી દ્વારા જી.એસ.ટી. નોંધણી દાખલો મેળવવાની અરજી રદ કરતાં આદેશને જ રદબાતલ ઠેરવ્યો હતો. એટલું જ નહીં રાજ્ય સરકારના જી.એસ.ટી. (સ્ટેટ જી.એસ.ટી.) ડિપાર્ટમેંટ ઉપર કરદાતાને થયેલ હેરાનગતિ બદલ 15000/- નો દંડ પણ લગાડ્યો હતો. જી.એસ.ટી. ડિપાર્ટમેંટને આ દંડ જે તે અધિકારી પાસેથી વસૂલ કરવા પણ છૂટ આપવામાં આવી હતી.

આ કેસની વિગતવાર વાત કરીએ તો કરદાતાએ જી.એસ.ટી. કાયદા હેઠળ નોંધણી દાખલો મેળવવા જરૂરી પુરાવાઓ સાથે 17 ઓગસ્ટ 2021 ના રોજ ઓનલાઈન અરજી કરેલ હતી. આ અરજી ઉપરથી 15.09.2021 ના રોજ કરદાતાની ધંધાની જગ્યાનું નિરીક્ષણ (સ્પોટ વિઝિટ) પણ રાજ્ય જી.એસ.ટી. દ્વારા હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ કરદાતાને અમુક વધુ વિગતો આપવા કારણદર્શક નોટિસ આપવામાં આવી હતી. આ નોટિસનો જવાબ દયાને લઈ કરદાતાની નોંધણી દાખલો મેળવવાની અરજી ઇલેક્ટ્રીક બિલ ના જોડેલ હોવાના કારણે રદ્દ કરવામાં આવી હતી. આ આદેશ સામે કરદાતા દ્વારા અપીલ કરવામાં આવી હતી. આ અપીલ પણ અપીલ અધિકારી દ્વારા નામંજૂર કરવામાં આવી હતી. આ બાબત ઉપર જ કરદાતા દ્વારા અલ્હાબાદ હાઇકોર્ટમાં “રિટ પિટિશન” દાખલ કરવામાં આવી હતી.

કરદાતા વતી તેમના એડવોકેટ દ્વારા ધારદાર દલીલો રજૂ કરી કોર્ટ સમક્ષ જણાવ્યુ હતું કે કરદાતા દ્વારા જી.એસ.ટી. કાયદાની કલમ 25 હેઠળ મરજિયાત પણે નોંધણી દાખલો મેળવવા અરજી કરેલ હતી. જી.એસ.ટી. નિયમોના નિયમ 8 તથા 9 હેઠળ નિયત તમામ દસ્તાવેજો કરદાતા દ્વારા પૂરા પાડવામાં આવ્યા હતા. આ નિયમ હેઠળ ધંધાની જગ્યાની વેરા પહોચ અથવા ઇલેક્ટ્રીક બિલ બન્નેમાંથી એક આપવું ફરજિયાત છે. અધિકારી દ્વારા કરદાતાને આપવામાં આવેલ કારણદર્શક નોટિસમાં પણ મકાન વેરાની પહોચ અથવા ઇલેક્ટ્રીક બિલ રજૂ કરવાં જણાવવામાં આવ્યું હતું. આ બે પૈકી એક પુરાવા કરદાતા દ્વારા રજૂ પણ કરવામાં આવ્યા છે. આવા સંજોગોમાં માત્ર ઇલેક્ટ્રીક બિલ ના હોવાના કારણે મરજિયાત નોંધણી નંબર મેળવવાની અરજી રદ કરવી યોગ્ય નથી. કરદાતાએ કરેલ અપીલમાં પણ અપીલ અધિકારી દ્વારા પણ અધિકારીનો નોંધણી દાખલો રદ્દ કરતો આદેશ માન્ય રાખ્યો હતો.

“રિટ પિટિશન” નો ચુકાદો આપતા માનનીય અલ્હાબાદ હાઇકોર્ટ દ્વારા ઠરાવ્યું હતું કે રાજ્ય અધિકારી દ્વારા નોંધણી દાખલો ના આપવાનો નિર્ણય યોગ્ય નથી. આ નિર્ણય કરદાતાને હેરાનગતી ઊભી કરવાં કરવામાં આવ્યો હોય તેવું જણાય આવે છે. કોર્ટ દ્વારા એવું પણ ખાસ જણાવવામાં આવ્યું હતું કરદાતાને હેરાનગતી ઊભી કરવાનું વલણ ક્યારેય સ્વીકારી શકાય નહીં. અધિકારીને ફરી નોંધણી દાખલો મેળવવાની અરજી ઉપર કાયદા મુજબના પુરાવાઓ ધ્યાને લઈ આ આદેશ મળ્યા ના 7 દિનમાં આદેશ કરવાં જણાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત રાજ્ય સરકારના જી.એસ.ટી. ડિપાર્ટમેંટ ઉપર 15000/- ખર્ચ પેટે ચૂકવવા પણ આદેશ કરવામાં આવ્યો હતો. આ ખર્ચની રકમ જી.એસ.ટી. ડિપાર્ટમેંટ અધિકારી પાસેથી પણ વસૂલ કરી શકે તેવી છૂટ આપવામાં આવી છે.

જી.એસ.ટી. લાગુ થયો છે ત્યારથી કરચોરીના અનેક કૌભાંડ બહાર આવી રહ્યા છે. આ કૌભાંડ રોકવાના હેતુથી જી.એસ.ટી. હેઠળ નોંધણી દાખલો આપવામાં જી.એસ.ટી. ડિપાર્ટમેંટ ખૂબ કડક બની ગયું છે. આ કડક વલણના કારણે કરચોરો માટે તો મુશ્કેલી વધી જશે પરંતુ પ્રમાણિક કરદાતાઓ માટે હેરાનગતીમાં વધારો થઈ રહ્યો છે તે ચોક્કસ છે. કરચોરીને ડામવા સરકાર દ્વારા પ્રયાસ કરવામાં આવે તે સ્વાભાવિક છે અને જરૂરી પણ છે પણ આ કરચોરી ડામવાની પદ્ધતિના કારણે વેપાર જગતને ડામ પડી રહ્યો છે. મરજિયાત નોંધણી દાખલો લેવા અરજી કરતાં અસંખ્ય કરદાતા એવા છે કે જે કરદાતાઓ એક વાર નોંધણી દાખલાની અરજી રદ થાય પછી ફરી નોંધણી લેવા અરજી કરતાં નથી. આ મરજિયાત ધોરણે નોંધણી દાખલા માટે અરજી કરતાં કરદાતાઓ ફૂલ નહીં તો ફૂલ ની પાંખડી સ્વરૂપે ટેક્સ ચોક્કસ આપવાના હતા. હવે સરકારી તિજોરી ને થઈ રહેલા આ નુકસાન માટે જવાબદાર કોણ??? એવા પણ કિસ્સા સામે આવ્યા છે જેમાં કંપોઝીશન હેઠળ વેરો ભરવા જવાબદાર કરદાતાના પણ નોંધણી નંબર રદ કરવામાં આવ્યા છે!! એક તરફ સરકાર જી.એસ.ટી. ની આવક વધારવા પ્રયાસો કરવા જી.એસ.ટી. અધિકારીઓ ને દબાણ કરી રહી હોવાની માહિતી મળી રહી છે જ્યારે બીજી તરફ આ પ્રકારે નોંધણી નંબરની અરજી રદ કરવામાં આવી રહી છે. આ બન્ને બાબતો એક બીજાની તદ્દન વિરુદ્ધ સાબિત થઈ રહી છે. જી.એસ.ટી. નોંધણી દાખલો સરળતાથી આપી “આર્ટિફિશિયલ ઇંટેલિજન્સ” દ્વારા નવા નંબર મેળવી ટૂંકા સમયમાં મોટું ટર્નઓવર કરી રહેલા કરદાતાઓ ઉપર વધુ સાવચેત બની નજર રાખવામા આવે તો આ કરચોરીનું દૂષણ દૂર કરવું શક્ય બનશે તેવું નિષ્ણાંતો માની રહ્યા છે. જી.એસ.ટી. નોંધણી દાખલો લેવામાં પડી રહેલી મુશ્કેલી માટે માનનીય અલ્હાબાદ હાઇકોર્ટનો આ ચુકાદો ઉપયોગી સાબિત થશે.  ભવ્ય પોપટ, એડવોકેટ

error: Content is protected !!