અપીલ માટેનો સમય ચૂકી ગયા હોય તેવા કરદાતા માટે ફરી એક તક!!

Spread the love
Reading Time: 2 minutes

31 માર્ચ 2023  સુધી મસ મોટી “ડિમાન્ડ” આદેશ સામે અપીલ કરવાની મુદત પૂર્ણ થયેલ હોય તેવા કરદાતાઓને આપવામાં આવી વધુ એક તક:

તા. 08.10.2023: જી.એસ.ટી. લાગુ થયાને છ વર્ષથી વધુ સમય થઈ ગયો છે. 01.07.2027 થી લાગુ થયેલ જી.એસ.ટી. હેઠળ અનેક કરદાતાઓ સામે અનેક આદેશ પસાર કરી મસ મોટી “ડિમાન્ડ” ઊભી કરવામાં આવી છે. આ “ડિમાન્ડ” માં ટેક્સ, વ્યાજ તથા દંડનો સમાવેશ થતો હોય છે. આ “ડિમાન્ડ” ને લગતા આદેશો સામે સામાન્ય રીતે કરદાતા દ્વારા આદેશ મળ્યાના 90 દિવસમાં અપીલ કરવાની રહેતી હોય છે. આ ઉપરાંત 30 દિવસ સુધીમાં એટ્લે કે આદેશ મળ્યાના 120 દિવસમાં “ડીલે કોંડોનેશન” સાથે અપીલ કરવાની તક કાયદા દ્વારા આપવામાં આવેલ છે. પરંતુ એવા અનેક કિસ્સા સામે આવી રહ્યા છે જેમાં કરદાતા દ્વારા નિયત સમયમર્યાદામાં અપીલ દાખલ કરેલ નથી. આવા સંજોગોમાં કરદાતાની”ડિમાન્ડ” ની રકમ કાયમી બિનવિવાદિત બની જતી હોય છે અને જી.એસ.ટી. ડિપાર્ટમેંટ દ્વારા આ રકમની વસૂલાત કરવા પ્રયાસ હાથ ધરવામાં આવતા હોય છે. આ પ્રકારના મુદ્દાને લઈ ગુજરાત હાઇકોર્ટ સહિત અનેક હાઇકોર્ટમાં અરજીઓ થઈ હોવાની માહિતી મળી રહી છે.

આ મુશ્કેલી નિવારવા 7 ઓક્ટોબરના રોજ વિજ્ઞાન ભવન દિલ્હી ખાતે મળેલ જી.એસ.ટી. કાઉન્સીલની બેઠકમાં આ અંગે મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. કરદાતાના હિતમાં 31 માર્ચ 2023 સુધીમાં પસાર કરવામાં આવેલ કોઈ આદેશ સામે અપીલ કરી શકવામાં કરદાતા નિષ્ફળ ગયા હોય અથવા તો કરદાતા દ્વારા અપીલ કરવામાં આવેલ હોય પરંતુ આ અપીલ આ સમયમર્યાદાના કારણે નામંજૂર કરવામાં આવેલ હોય, તેવા કરદાતાઓ માટે ખાસ યોજના બહાર પાડવા જી.એસ.ટી. કાઉન્સીલમાં ભલામણ કરવામાં આવેલ છે. આ યોજના મુજબ આવા કરદાતાઓને અપીલ કરવા માટે 31 જાન્યુઆરી 2024 સુધીનો સમય આપવામાં આવશે. આ યોજનાનો લાભ લેવા અપીલ કરનાર કરદાતાએ અપીલની પ્રિ ડિપોઝિટ તરીકે વિવાદિત રકમના 12.5% (સામાન્ય રીતે 10% પ્રિ ડિપોઝિટ ભરવાની થતી હોય છે) ભરવાની રહેશે. આ ઉપરાંત આ પ્રિ ડિપોઝિટ પૈકી ઓછામાં ઓછી 20% રકમ કેશ લેજર દ્વારા ભરવાની રહેશે. બીજા શબ્દોમાં કહીએ તો આ પ્રિડિપોઝિટની ઓછામાં ઓછી રકમ કરદાતા દ્વારા રોકડમાં ચલણ સ્વરૂપે ભરવાની રહેશે અને આ રકમમાં ઈન્પુટ ટેક્સ ક્રેડિટ ઉપલબ્ધ હોય છતાં 20% રકમતો રોકડમાં ભરવી ફરજિયાત રહેશે. જી.એસ.ટી. કાઉન્સીલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ એક મહત્વની રાહત છે અને આ કારણે ઘણા કરદાતાઓને ફાયદો થશે તે ચોક્કસ છે.

આ બાબતે વાત કરતાં શાશ્વત લીગલ “લો ફર્મ” ના પાર્ટનર અને વલસાડના જાણીતા ટેક્સ એડવોકેટ અલ્પેશ ઉપાધ્યાય જણાવે છે કે “આ યોજના ખરેખર કરદાતાઓને ઉપયોગી થશે તે ચોક્કસ છે. જમીની સ્તરે આવા ઘણા કરદાતાઓ છે કે જેઓ જી.એસ.ટી. હેઠળ સમયમર્યાદામાં અપીલ કરવાનું ચૂકી ગયા છે. આવા કરદાતા હાલ ખૂબ મુશ્કેલ સ્થિતિનો સામનો કરી રહ્યા છે. સરકાર માટે પણ આ આદેશોની વસૂલાત ખૂબ મુશ્કેલ છે. આ બન્ને મુશ્કેલ પરિસ્થિતીનું નિવારણ આ યોજના દ્વારા આવી શકે છે. મારા મતે આ યોજનાને વધુ અસરદાર બનાવવા પ્રિ ડિપોઝિટના નિયમને કેસના ગુણ દોષ જોઈ અમુક ખાસ કિસ્સામાં ઓછી કરવાની સત્તા પણ અધિકારીને આપવી જોઈએ. આ ઉપરાંત આ યોજના માત્ર “ડિમાન્ડ ઓર્ડર” સામે જ લાગુ કરવામાં આવશે તેવું જણાય રહ્યું છે. પરંતુ જી.એસ.ટી. રજીસ્ટ્રેશન રદ્દ થયાની પણ અનેક આપીલો આ કારણસર નામંજૂર થયેલ છે. આ પ્રકારના કિસ્સા માટે પણ આ યોજના લાગુ કરવામાં આવી હોત તો વધુ કરદાતાઓને એનો લાભ મળી શક્યો હોત. પણ આમ છતાં આ રાહત પણ ખૂબ મહત્વની છે તે બાબતે કોઈ બે મત નથી. કરદાતાઓએ આ રાહતનો લાભ લઈ જલ્દીમાં જલ્દી અપીલ દાખલ કરી આપવી જોઈએ”

આ રાહતની અમલવારી અંગે સરકાર દ્વારા જાહેરનામું ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે ત્યારેજ આ યોજનાની વિગતો જાણવી શક્ય બનશે. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે

error: Content is protected !!