જી.એસ.ટી. હેઠળ કરચોરી ડામવા ઉઠાવવામાં આવ્યા છે ઘણા પગલાં: રાજ્ય કક્ષાના નાણાપ્રધાન. શું આ પગલાઓ થી ટેક્સ ચોરી અટકી?? કે માત્ર થયા છે પ્રમાણિક કરદાતાઓ પરેશાન??

Spread the love
Reading Time: 3 minutes

ચાલુ નાણાકીય વર્ષમાં જૂન સુધી 1900 કરોડની વસૂલાત કરવામાં આવી: રાજ્ય સભામાં પંકજ ચૌધરી દ્વારા આપવામાં આવી લેખિત માહિતી

તા. 04.08.2021: હાલ સંસદનું ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. આ સત્ર દરમ્યાન રાજ્યસભામાં, રાજ્ય કક્ષાના નાણામંત્રી શ્રી પંકજ ચૌધરી દ્વારા એક લેખિત જવાબમાં જણાવાયુ હતું કે  જી.એસ.ટી. હેઠળ 2019-20, 2020-21 તથા એપ્રિલ-જૂન 2021 સુધી કરચોરીના 24833 જેટલા કેસો ડિપાર્ટમેંટ દ્વારા પકડવામાં આવ્યા છે. આ કેસોમાં અંદાજે 98 હજાર કરોડની રકમ જેટલી જી.એસ.ટી. ચોરી થયાનું બહાર આવ્યું છે જે પૈકી 33 હજાર કરોડ જેટલી રકમની વસૂલાત જી.એસ.ટી. ડિપાર્ટમેંટ દ્વારા કરવામાં આવી છે. આ અંગે નાણાં મંત્રાલય દ્વારા આધિકારીક પ્રેસ વિજ્ઞપ્તિ પણ 03 ઓગસ્ટ 2021 ના રોજ બહાર પાડવામાં આવી છે. પ્રેસ વિજ્ઞપ્તિમાં જણાવવામાં આવ્યું છે કે હાલ જી.એસ.ટી. અંગેની સંપૂર્ણ પ્રક્રિયાઓ ઓનલાઈન પોર્ટલ ઉપર કરવાની રહે છે. આમ છતાં કરચોરો કાયદાની તથા સિસ્ટમની છટકબારીઓ શોધી આ પ્રકારની કરચોરી કરી રહ્યા હોય છે. જો કે ક્યારેક આ પ્રકારની ચોરી માનવીય ભૂલોના કારણે ખોટી વિગતો આપવાના કારણે પણ થતી હોય છે તેવી સ્પષ્ટતા પણ આ પ્રેસ વિજ્ઞપ્તિમાં કરવામાં આવી છે. ઉલ્લેખનીય રીતે આ પ્રેસ વિજ્ઞપ્તિમાં ખાસ જાહેર કરવામાં આવ્યું છે કે આ પ્રકારની ચોરી એ સિસ્ટમમાં રહેલી ખામીઓના કારણે થઈ નથી. આ પ્રેસ વિજ્ઞપ્તિમાં જણાવવામાં આવ્યું છે કે ડિપાર્ટમેંટ દ્વારા આ પ્રકારની કરચોરી રોકવા નીચેના પગલાં લેવામાં આવ્યા છે:

  • નવા નોંધણી દાખલા માટે આધાર ઓથેનટીકેશન ફરજિયાત બનાવવામાં આવ્યું છે અને જે નવા નોંધણીમાં આધાર ઓથેંટિકેશન ના થાય તેમાં ફરજિયાત સ્થળ તપાસની પદ્ધતિ દાખલ કરવામાં આવી છે.
  • નોંધણી નંબર રદ થયો હોય અને ફરી નોંધણી મેળવતા કરદાતાઓની વિગતો અધિકારીને આપવામાં આવી છે.
  • કરચોરીની શંકા હોય તેવા કરદાતાઑના નોંધણી દાખલા સસ્પેન્ડ કરવાની જોગવાઈ કરવામાં આવેલ છે.
  • મોટા પ્રમાણમા કરચોરી આચારનાર કરદાતાઑના નંબર સસ્પેન્ડ કરવાની સિસ્ટમ ચાલુ કરવામાં આવેલ છે.
  • સતત છ મહિનાના GSTR 3B રિટર્ન ના ભરવામાં આવે તેવા કિસ્સામાં નોંધણી દાખલો રદ કરવાની જોગવાઈ કાયદામાં રહેલી છે.
  • કરદાતાની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ બ્લોક કરવાના પગલાં પણ લેવામાં આવ્યા છે.
  • GSTR 2A દ્વારા કરદાતાની ઈન્પુટ ટેક્સ ક્રેડિટની ખરાઈ કરવાની પદ્ધતિ પણ અમલમાં મૂકવામાં આવી છે.

રાજ્ય મંત્રી દ્વારા આ પ્રમાણે કરચોરી રોકવા અંગેના પગલાંની વિગતો તો રાજ્યસભામાં રજૂ કરવામાં આવી છે પરંતુ જમીની સ્તરે નિષ્ણાંતો માની રહ્યા છે કે આ તમામ પગલાંઓથી કરચોરી તો ઘટાડી શકી નથી પરંતુ પ્રમાણિક કરદાતાઓ માટે પરેશાની ચોક્કસ વધી ગઈ છે. આ અંગે વાત કરીએ તો આધાર ઓથેનટીકેશન ના થવાના કારણોમાં સૌથી મોટું કારણ PAN-આધારમાં નામ મિસમેચનું હોય છે. આ મિસમેચના કારણે આધાર ઓથેનટીકેશન ના થાય અને કરદાતાને એક મહિનાથી વધુ સમય જી.એસ.ટી. નોંધણી માટે રાહ જોવી પડતાં હોવાના અનેક દાખલા સામે આવી રહ્યા છે. કંપોઝીશન હેઠળ નોંધણી માટે અરજી કરવામાં આવી હોય તેવા કિસ્સામાં પણ આ નિયમ જડતાથી લાગુ કરવામાં આવી રહ્યો છે. શું કંપોઝીશનની પરવાનગી ધરાવતો કરદાતા આ પ્રકારે ટેક્સ ચોરી કરી શકે?? આ ઉપરાંત  ટેકનિકલ કારણોસર નોંધણી નંબર રદ્દ થયો હોય અને ફરીએ નંબર ટેકનિકલ કારણોસર શરૂ ના થઈ શકતા નવી અરજી કરવા વાળા કરદાતાને પણ બિનજરૂરી પ્રશ્નો ઊભા કરી નોંધણી આપવામાં વિલંબ થઈ રહ્યાના પણ સમાચારો મળી રહ્યા છે. કોઈ પણ જાતની નોટિસ આપ્યા વગર કરદાતાનો નંબર સસ્પેન્ડ કરી આપવા અંગેની સત્તા અધિકારીઓને આપવામાં આવી છે. આ પ્રકારની જોગવાઈ એ ખુલ્લી રીતે કુદરતી ન્યાયના સિદ્ધતોનો ભંગ છે અને બંધારણના અનુચ્છેદ 19(1)(g) હેઠળ વ્યક્તિને આપવામાં આવેલ ધંધો કરવાના અધિકારનો પણ ભંગ ગણી શકાય. આ બાબત ઉપર અલગ અલગ વડી અદલતોમાં ઘણી રિટ પિટિશન થઈ રહી હોવાના પણ સમાચાર છે. જોકે જમીની સ્તરે અધિકારીઓ પોતાની વિવેકબુદ્ધિનો ઉપયોગ કરી આ પ્રકારની જોગવાઈઓનો ઉપયોગ જૂજ પ્રમાણમા કરી રહ્યા હોવાની વિગતો પણ મળી રહી છે. ઈન્પુટ ટેક્સ ક્રેડિટ બ્લોક કરવાની સગવડ કે GSTR 2A માં હોય તેટલી ક્રેડિટ જ કરદાતાને આપવાની જોગવાઈ એ ચોક્કસ પણે “પાડાના વાંકે પખાલી ને ડામ” આપવા જેવી બાબત છે. અનેક કિસ્સાઓમાં ટેકનિકલ કારણોસર અથવા તો માનવીય ભૂલના કારણે કરદાતાની “જેન્યૂન” ઈન્પુટ ટેક્સ ક્રેડિટ બ્લોક થયાના તથા નામંજૂર થયાના ઉદાહરણો સામે છે.

કરચોરીએ ચોક્કસ મોટું દૂષણ છે તે બાબતે કોઈ બે મત નથી. પરંતુ નાણાં મંત્રાલય તથા જી.એસ.ટી. ડિપાર્ટમેંટ દ્વારા ઉઠાવવામાં આવી રહેલા પગલાં કરચોરો કરતાં પ્રમાણિક કરદાતાઓને વધુ પરેશાન કરી રહ્યા છે. કરચોરી ઉપર યોગ્ય નજર રાખવા સિસ્ટમની મદદ લઈ નવો નોંધણી દાખલો મેળવી તુરંત જ ખૂબ મોટા વ્યવહારો ઉપર નજર રાખવામા આવે તો મહદ્દ અંશે કરચોરી રોકવામાં સફળતા મળી શકે છે. જરૂર છે અધિકારીઓ તથા સિસ્ટમને વધુ “વિજિલંટ” બનાવવાની. મોદી સરકારની “ઈઝ ઓફ ડૂઇંગ બિઝનેસ” ની નેમ ખરેખર આવકાર દાયક છે પરંતુ આ પ્રકારના અવ્યાવહારિક પગલાંઆ દૂરંદેશી ધરાવતા રાજકીય નેતાઓના ઈરાદા પૂરા કરવા સામે અવરોધ બની રહ્યા છે તે ચોક્કસ છે. ભવ્ય પોપટ, એડિટર ટેક્સ ટુડે.

error: Content is protected !!