અન્ય સહયોગી પેઢી ઉપર કાર્યવાહી ચાલુ હોય ત્યારે અન્ય કરદાતાનું બેન્ક ખાતું એટેચ કરવું છે અયોગ્ય: બોમ્બે હાઇકોર્ટ

Spread the love
Reading Time: 3 minutes

Important Judgement with Tax Today

પ્રફુલ નાનજી સતરા વી. મહારાષ્ટ્ર રાજ્ય, સ્ટેટ ટેક્સ કમિશ્નર, જોઇન્ટ કમિશ્નર ઓફ સ્ટેટ ટેક્સ

રિટ પિટિશન નંબર: 5182/2020 બોમ્બે હાઇ કોર્ટ

આદેશ તારીખ 31 માર્ચ 2021


કેસના તથ્યો:

  • અરજ્કર્તા કોમર્શિયલ મિલ્કત ભાડે આપવાની સેવા પૂરી પડતાં હતા.
  • અરજ્કર્તાએ ભાડે આપેલ મિલ્કતોની જગ્યા ઉપર સ્ટેટ ટેક્સ ડિપાર્ટમેંટ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.
  • આ તપાસમાં અરજ્કર્તા ઉપર કોઈ તપાસ કરવામાં આવી ના હતી કે ના તો તેમને સમન્સ પાઠવવામાં આવ્યો હતો.
  • અરજ્કર્તાએ ફેબ્રુઆરી 2020 સુધીના રિટર્ન ભર્યા હતા અને લોકડાઉનના કારણે સમય વધારો થતાં માર્ચ તથા ત્યાર બાદના રિટર્ન સમય વધારાના કારણે થોડા મોડા ભર્યા હતા.
  • આ લોકડાઉનના ગાળામાં તેઓને કોઈ ભાડું મળ્યું ના હતું અને આ કારણે તેઓએ NIL રિટર્ન ફાઇલ કર્યા હતા.
  • જૂન મહિનામાં તેમને જાણ થઈ હતી કે તેમનું ICICI બેન્કનું એક ખાતું જોઇન્ટ કમિશ્નર સ્ટેટ જી.એસ.ટી.દ્વારા એટેચ કરવામાં આવ્યું છે.
  • 01 જુલાઇના રોજ અરજ્કર્તા દ્વારા વિગતવાર રજૂઆત જોઇન્ટ કમિશ્નરને કરવામાં આવી હતી અને બેન્ક એટેચમેંટ દૂર કરવા વિનંતી કરવામાં આવી હતી.
  • આ વિનંતી કે રજૂઆતને અધિકારીએ ધ્યાને લીધી ના હતી અને જેના કારણે અરજ્કર્તાએ આ રિટ પીટીશન ફાઇલ કરી હતી.

સરકાર તરફે રજૂઆત:

  • આ કેસના ત્રણે સમવાળાએ એક સંયુક્ત સોગંદનામું ફાઇલ કર્યું હતું જેમાં જણાવાયું હતું કે અરજ્કર્તા પાસે MGST નિયમોના નિયમ 159(5) હેઠળ એટેચમેંટના 7 દિવસમાં જોઇન્ટ કમિશ્નરને રજૂઆત કરવાની તક હતી જેનો ઉપયોગ કરદાતા દ્વારા કરવામાં ના આવ્યો હોય આ રીટ પિટિશન ચલાવવા પાત્ર નથી.
  • આ કેસના સમવાળા દ્વારા જે તપાસ ધરવામાં આવેલ હતી તે અમુક કરદાતાઑના સમૂહ ઉપર હતી. આ કરદાતાઓમાં અરજ્કર્તા પોતે અથવા તેમના સગા ડાયરેક્ટર/પાર્ટનર તરીકે જોડાયેલ હતા.
  • સમવાળા તરફે રજૂ કરવામાં આવેલ વિગતો ઉપરથી જાણવા મળે છે કે આ કરદાતાઓ કે જ્યાં તપાસ હાથ ધરવામાં આવી હતી તેઓ દ્વારા અમુક ગેરરીતિ આચરવામાં આવતી હતી.
  • તપાસ થઈ રહી છે તે કંપનીઑ વિરુદ્ધ GST કાયદાની કલમ 62, 63, 6464, 67, 73, 74 હેઠળ કાર્યવાહી ચાલુ છે આ કારણે આ બેન્ક એટેચમેંટ યોગ્ય છે.

અરજ્કર્તા તરફે રજૂઆત

  • અરજ્કર્તા દ્વારા 01 જુલાઇ 2020 ના રોજ કરવામાં આવેલ રજૂઆતને 159(5) હેઠળની રજૂઆત ગણવી જરૂરી હતી અને તેની સામે આદેશ આપવો જરૂરી હતો, જે આપવામાં આવ્યો નથી.
  • જે વિવિધ કલમ હેઠળ કાર્યવાહી ચાલુ હોવા અંગે એફિડેવિટમાં જણાવવામાં આવેલ છે તે અરજ્કર્તા સામે નહીં પણ અન્ય કરદાતાઓ સામે ચાલુ છે.
  • અરજ્કર્તાની કંપની તેમના સગાની કંપની કે ભાગીદારી પેઢીએ અલગ અસ્તિત્વ ધરાવના કરદાતાઓ છે અને તેમના કારણે અરજ્કર્તાના બેન્ક ખાતા ઉપર થયેલ ટાંચ યોગ્ય નથી.

કોર્ટનો આદેશ:

  • કલમ 83 ની જોગવાઈ ધ્યાને લેતા એ સ્પષ્ટ છે કે કોઈ કરદાતા ઉપર ટાંચ મુક્તા પહેલા તેના ઉપર કોઈ કાર્યવાહી ચાલુ હોવી જરૂરી છે.
  • આ ટાંચ કમિશ્નર દ્વારા મૂકવામાં આવી જોઈએ. કમિશ્નરની વ્યાખ્યા જી.એસ.ટી. કાયદાની કલમ 2(24) હેઠળ આપવામાં આવી છે. જો કે કમિશ્નરને પોતાની સત્તા ડેલિગેટ કરવાની સત્તા પણ આપવામાં આવી છે.
  • સમવાળા તરફથી રજૂ કરવામાં આવેલ દસ્તાવેજો જોતાં એ બાબત સ્પષ્ટ છે કે જે કાર્યવાહી થઈ છે તે કરદાતા નહીં પણ અન્ય સહયોગી કંપની ઉપર થઈ છે.
  • આ કાર્યવાહી કરવાની સત્તા પણ ડે. કમિશ્નર દ્વારા આપવામાં આવી છે જ્યારે કલમ 67 માં સત્તા આ કાર્યવાહીની સત્તા જોઇન્ટ કમી. થી નીચેના અધિકારી આપી શકે નહીં.
  • આમ, એ બાબત સ્પષ્ટ છે કે અરજ્કર્તા વિરુદ્ધ કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી અને આવી કોઈ કાર્યવાહી પેન્ડિંગ નથી.
  • અરજ્કર્તાના બેન્ક ખાતા ઉપરની ટાંચ અયોગ્ય ગણાય.
  • આ કેસના સમવાળાને 19.06.2020 એ મૂકવામાં આવેલ બેન્ક ટાંચ ઉઠાવવા આદેશ કરવામાં આવે છે.

(સંપાદક નોંધ: કોઈ એક કરદાતા ઉપર કોઈ કાર્યવાહી ચાલુ હોય ત્યારે અન્ય કરદાતાના બેન્ક ખાતા જી.એસ.ટી. કાયદાની કલમ 83 હેઠળ ટાંચમાં લઈ શકાય નહીં તેવો મહત્વનો સિદ્ધાંત આ ચુકાદામાં પ્રતિપાદિત થાય છે. પરંતુ એ બાબત યાદ રાખવી જરૂરી છે કે ફાઇનાન્સ એક્ટ 2021 માં હવે કરદાતા ઉપરાંત અન્ય વ્યક્તિઑની મિલ્કત પણ ટાંચમાં લેવા કલમ 83 માં સુધારો કરવામાં આવેલ છે. આ સુધારો જ્યારથી નોટિફાય થશે ત્યાર બાદ આ કેસની ઉપયોગિતા ઓછી થઈ જશે તેમ માની શકાય.)

error: Content is protected !!