CBIC દ્વારા ત્રિમાસિક ધોરણે ફરજિયાત GST રિટર્ન ચકાસણીની દરખાસ્ત
અસરકારક અને પ્રમાણિત ચકાસણી દ્વારા અનુપાલન વધારવા માટે ત્રિમાસિક ધોરણે ફરજિયાત ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) સ્ક્રુટિનીનો પ્રસ્તાવ તા. 15.04.2022: જી.એસ.ટી. નું નિયમન કરતી સર્વોચ્ચ સંસ્થા, CBIC ટૂંક સમયમાં GST રિટર્નની ફરજિયાત ત્રિમાસિક સ્ક્રુટિની અંગેનો પ્રસ્તાવ રજૂ કરશે. CBIC ના માનવા મુજબ આમ કરવાથી GST કલેક્શનને વધુ સારી રીતે વેગ મળશે અને તેનું અનુપાલન વધશે. દેશની જાણીતી ન્યૂઝ ચેનલ “CNBC-TV18, દ્વારા આ અંગે સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. ન્યૂઝ ચેનલના સૂત્રોના જણાવ્યા અનુસાર, જુલાઈ 2017 અને એપ્રિલ 1, 2021 વચ્ચેના સમયગાળામાં 52,000 કરોડ રૂપિયાની કરચોરી શોધી કાઢવામાં આવી હતી. માલનું વેચાણ થયા વગર જે બિલ આપવાની આ પ્રવૃતિ છે તેના કારણે જી.એસ.ટી. ડિપાર્ટમેંટને મહત્તમ નુકસાન થયું છે તેવું માનવમાં આવી રહ્યું છે.
“લાંબા જોડે ટૂંકો જાય મારે નહીં તો માંદો થાય” આ કહેવત જી.એસ.ટી. હેઠળ ઉઠાવવામાં આવતા પગલાં બાબતે ઘણીવાર સાચી ઠરતી હોય છે. કરચોરોને પકડવા ઉઠાવવામાં આવતા પગલાં કરચોરોને હેરાન કરે તેના કરતાં પ્રમાણિક કરદાતાઓને વધુ હેરાન કરતાં હોય છે. CBIC દ્વારા જ્યારે આ પ્રકારની ત્રિમાસિક પત્રક ચકાસણીની યોજના અમલમાં મૂકવામાં આવે ત્યારે આ બાબતની તકેદારી રાખવામા આવે તેવી આશા કરદાતાઓ સેવી રહ્યા છે. ભવ્ય પોપટ, એડિટર, ટેક્સ ટુડે