જી.એસ.ટી. હેઠળ કંપોઝીશન કરદાતા થયા પરેશાન!! GSTN ફરી તેના છબરડા માટે બની કરદાતાઓના રોષનો શિકાર!!
તા. 02.05.2022
જી.એસ.ટી. હેઠળ કંપોઝીશન કરદાતાઓને નાના કરદાતા ગણવામાં આવતા હોય છે. કોઈ નાના ઉત્પાદક કે વેપારી જેઓનું ટર્નઓવર 1.5 કરોડથી નીચે હોય અથવા તો સેવા પૂરી પાડતા એવા કરદાતા કે જેઓનું ટર્નઓવર 50 લાખ કે તેથી ઓછું હોય તેઓ જ આ કંપોઝીશન સ્કીમનો લાભ લઈ શકે છે. સામાન્ય રીતે એવું માનવમાં આવે છે કે કંપોઝીશનના વેપારીઓને જી.એસ.ટી. ડિપાર્ટમેંટ કે GSTN ની કનડગત હોતી નથી. પરંતુ આ બાબતને GSTN દ્વારા ખોટી ઠરાવવામાં આવી છે. કંપોઝીશનની પરવાનગી ધરાવતા ઘણા નાના કરદાતાઓના “કેશ લેજર” માં 25 એપ્રિલ 2022 ના રોજ એક “સુઓ મોટો ડેબિટ એન્ટ્રી” પાડવામાં આવી છે. કોઈ પણ જાતની જાહેરાત વગર કે કરદાતાને જાણ કર્યા વગર શાંતિથી પાડવામાં આવેલ “ડેબિટ એન્ટ્રી” એ ઘણા કરદાતાઓ તથા ટેક્સ પ્રોફેશનલ્સની “શાંતિ” હણી લીધી છે તેવી માહિતી મળી રહી છે.
શું છે આ મુશ્કેલી?
કંપોઝીશનની પરવાનગી ધરાવતા કરદાતાઓ ત્રિમાસિક ધોરણે CMP-08 નામનું ફોર્મ કમ ચલણ ભરવા જવાબદાર હોય છે. આ ચાર CMP 08 ઉપરાંત વાર્ષિક ધોરણે ખરીદી સહિતની વિગતો દર્શાવી GSTR 4 માં વાર્ષિક રિટર્ન ભરવા જવાબદાર થતાં હોય છે. નાણાકીય વર્ષ 2019 20 તથા 2020 21 ના વર્ષમાં આ GSTR 4 ભરવામાં ઘણા કરદાતાઓએ ટેકનિકલ ભૂલો કરેલ છે. આ ભૂલોના કારણે જે તે વર્ષોમાં તેઓની ટેક્સની જવાબદારી નકારાત્મક એટલેકે “નેગેટિવ” દર્શાવવામાં આવી રહી હતી. આ કારણે આવા કરદાતા દ્વારા જ્યારે ત્યાર બાદના વર્ષના CMP 08 માં રિટર્ન ભરવામાં આવતા હતા તે રિટર્નમાં તેઓની જવાબદારી “કેશ લેજર” માંથી ઓછી થવાના બદલે શરતચૂકથી બનેલા “નેગેટિવ લયાબિલિટી લેજર” માંથી ઊડતી હતી. આ કારણે કરદાતાના કેશ લેજરમાં તેઓ દ્વારા ભરવામાં આવેલ રકમ CMP 08 ની રકમ ભરવામાં આવી હોવા છતાં બાદ થતી ના હતી. આ ક્ષતિને દૂર કરવા ઘણા કરદાતાઓએ DRC 03 ફોર્મ દ્વારા આ શરતચૂકથી ઊભી રહેલ રકમને સેટ ઓફ કરી આપવામાં આવી હતી. આ અંગે વિદ્વાન GSTN દ્વારા એક એડવાઈઝરી પણ બહાર પાડવામાં આવી હતી. આ એડવાઈઝરી મુજબ તેઓ દ્વારા કરદાતાને આ પ્રકારે શરતચૂક થઈ હોય તેવા સંજોગોમાં GST પોર્ટલ ઉપર ફરિયાદ (ગ્રીવન્સ) કરવા જણાવવામાં આવ્યું હતું. ઘણા કરદાતાઓએ આ એડવાઈઝરી અનુસરીને ગ્રીવન્સ કરવામાં આવી હતી. આ ગ્રીવન્સ ને ધ્યાને લઈ એડવાઈઝરી મુજબ GSTN દ્વારા “કેશ લેજર” માં ખોટી રીતે દર્શાવવામાં આવતી રકમને “ડેબિટ” કરી આપવામાં આવી હતી. DRC 03 વડે કે પોર્ટલ ઉપર ગ્રીવન્સ (ફરિયાદ) કરી જે કરદાતાઓએ “કેશ લેજર” માં સ્વ મેળે “ડેબિટ એન્ટ્રી” કરી કે કરવી હતી તેઓને સ્વપ્ને પણ ખ્યાલ નહીં હોય કે GSTN ફરી એ જ રકમ તેઓના “કેશ લેજર” માંથી ઉડાડી દેશે!!
DRC 03 કરવું હતું ભૂલ ભરેલું?
મારા દ્વારા અગાઉ પણ આ અંગે અભિપ્રાય આપવામાં આવ્યો હતો અને હજુ એ અભિપ્રાય ઉપર કાયમ છું કે કરદાતા દ્વારા કરવામાં આવેલ DRC 03 એ યોગ્ય વિકલ્પ હતો. આ પ્રમાણે GSTN “ડેબિટ એન્ટ્રી” મારી શકે તે અંગે વિચાર કરવો એ તો એ સમયે તો શક્ય જ ના હતો. આ ઉપરાંત એક અલગ રીતે આ મુદાને મૂલવીએ તો જો આ ભૂલના કિસ્સામાં “કેશ લેજર” માં પડી રહેલી રકમ ઉપર GSTN Suo Motto વ્યાજ લાગુ કરી તેની ડેબિટ એન્ટ્રી કરી આપે તો??? જેવી રીતે હાલ GSTN દ્વારા DRC 03 કે ગ્રીવન્સ દ્વારા “સેટ ઓફ” કરેલ રકમની ફરી “ડેબિટ એન્ટ્રી” મારી છે તેવી રીતે શું GSTN જે કરદાતાઓએ CMP 08 માં “ડેબિટ” ના કરેલ “કેશ લેજર” ની રકમ ઉપર વ્યાજ અંગે “ડેબિટ એન્ટ્રી” ના કરી શકે??? મારા અંગત મત મુજબ આ “સુઓ મોટો” કરવામાં આવેલ હાલની મૂળ રકમની “ડેબિટ એન્ટ્રી” કરતાં “કેશ લેજર” માં ખોટી રીતે પડી રહેલ રકમ ઉપર વ્યાજની રકમની “ડેબિટ એન્ટ્રી” ની શક્યતા અને કાયદેસરતા વધુ સારી ગણાય.
ગ્રીવન્સ કરી “કેશ લેજર” ડેબિટ કરવી હોય તેવા કરદાતાઓની “ડેબિટ એન્ટ્રી” અંગે GSTN પાસે છે સંપૂર્ણ માહિતી!
DRC 03 એક એવું ફોર્મ છે જે GST હેઠળના તમામ રિટર્ન પછી તે GSTR 1 હોય, 3B હોય, CMP 08 હોય કે પછી GSTR 4 હોય, આ તમામથી સંપૂર્ણ પણે અલિપ્ત છે. કરદાતા દ્વારા કરવામાં આવેલ DRC 03 વિષેની માહિતી કદાચ સીધી રીતે GSTN પાસે ના હોય તે સમજી શકીએ પરંતુ, GSTN દ્વારા બહાર પાડવામાં આવેલ “એડવાઈઝરી” પ્રમાણે જેઓએ “ગ્રીવન્સ” દ્વારા આ રકમ “સેટ ઓફ” કરવી છે તેની માહિતી તો GSTN પોર્ટલ પાસે હોય તે સામાન્ય બાબત ગણાય. આ પ્રકારે “ગ્રીવન્સ” વાળા કેસોમાં પણ “ઠંડા કળેજે” GSTN દ્વારા “સુઓ મોટો ડેબિટ એન્ટ્રી” પાડવામાં આવેલ છે. આ બાબતે કરદાતાઓ ખાસ કરીને ટેક્સ પ્રોફેશનલ્સમાં ખૂબ રોષ વ્યાપી રહ્યો છે તેવી માહિતી મળી રહી છે.
GSTR 4 નો દંડ (સોરી લેઇટ ફી) લાગવાની ભીતિ!
કંપોઝીશનની પરવાનગી ધરાવતા કરદાતાઓ એ વાર્ષિક ધોરણે 30 એપ્રિલ સુધીમાં GSTR 4 ભરવાનું રહેતું હોય છે. આ ફોર્મ મોડુ ભરવામાં આવે તો કરદાતાઓને 2000/- જેવી લેઈટ ફી ભરવાની જવાબદારી આવે છે. GSTN દ્વારા 25 એપ્રિલના રોજ પાડવામાં આવેલ “સુઓ મોટ્ટો ડેબિટ એન્ટ્રી” એન્ટ્રીના કારણે કરદાતા પોતાનું GSTR 4 રિટર્ન સમયસર ભરી શકશે નહીં અને તેઓ મજબૂરીથી આ લેઇટ ફી ભરવા જવાબદાર બનશે.
સમગ્ર દેશના વેપારીઓ/કરદાતાઓ થયા છે પ્રભાવિત:
સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે કંપોઝીશન હેઠળ પરવાનગી ધરાવતા દેશભરના વેપારીઓ/કરદાતાઓ મોટા પ્રમાણમા આ મુશ્કેલી ભોગવી રહ્યા ના અહેવાલ મળી રહ્યા છે. કરદાતાઓ ખાસ કરીને ટેક્સ પ્રોફેશ્ન્લસ GSTN ના “ટ્વિટર હેન્ડલ” ઉપર પોતાનો રોષ ઠાલવી રહ્યા છે. આ કોઈ એક કરદાતા, એક ટેક્સ પ્રોફેશનલ, એક ગામ, એક રાજ્યનો પ્રશ્ન નહીં પરંતુ દેશ ભરના વેપારીઓને હેરાન કરતો પ્રશ્ન છે.
શું છે આ મુશ્કેલીનું સમાધાન??
હાલ આ મુશ્કેલીથી પીડાતા સૌ કોઈ કરદાતા કે ટેક્સ પ્રોફેશનલ્સના મનમાં એક જ સવાલ છે.. શું છે આ મુશ્કેલીનું સમાધાન. મારા અંગત મત પ્રમાણે આ મુશ્કેલી અંગે હાઇકોર્ટમાં રિટ પિટિશન થઈ શકે છે. કોઈ એક હાઇકોર્ટમાં આ પિટિશન થાય અને GSTN ને આ કુદરતી ન્યાય વિરુદ્ધની કાર્યવાહી અંગે ઠપકો આપવામાં આવે અને GSTN આ “સુઓ મોટ્ટો ડેબિટ એન્ટ્રી રિવર્સ” કરી આપે તેમ થઈ શકે. આ ઉપરાંત આ બાબતે વિવિધ વેપારી એસોશીએશન તથા ટેક્સ પ્રોફેશનલ્સ એસોશીએશન દ્વારા સરકાર તથા અધિકારીઓ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. આ રજૂઆતોના પગલે પણ આ “સુઓ મોટ્ટો ડેબિટ એન્ટ્રી” રિવર્સ થઈ શકે છે. કરદાતાઓ ઉપર આ “સુઓ મોટ્ટો ડેબિટ એન્ટ્રી” ની કાર્યવાહી કરતાં પહેલા કરદાતાને નોટિસ (કરદાતાનું નામ તથા GSTN સાથે) આપી તેઓને પોતે GSTR 4 ભરવામાં થયેલ ભૂલને સુધારવા DRC 03 કે ગ્રીવન્સ જેવા કોઈ પગલાં લીધા હોય તો તેની વિગતો આપવાની તક આપવી જોઈએ. કોઈ કરદાતા આ વિગતો ના આ અથવા તો વાર્ષિક રિટર્ન ભરવાની આ ભૂલ ઉપર તેઓએ કોઈ પગલાં ના લીધા હોય તેવા કિસ્સામાં જ આ “સુઓ મોટ્ટો ડેબિટ એન્ટ્રી” કરવામાં આવે તે જરૂરી છે. કરદાતાઓ તથા ટેક્સ પ્રોફેશનલ્સ આશા સેવી રહ્યા છે કે GSTN દ્વારા આ મુસીબતનું સમાધાન જલ્દી કરવામાં આવે. આ ઉપરાંત GSTR 4 ની મુદતમાં વધારો કરવો પણ આ સ્થિતિમાં જરૂરી છે. આ લેખ લખાઈ રહ્યો છે ત્યાં સુધી (02.05.2022 બપોરે 12 વાગ્યા સુધી) GSTR 4 ની મુદત વધારવા અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી.