હવે સસ્પેન્ડ થયેલા જી.એસ.ટી. નંબર ફરી ચાલુ કરાવવા બનશે સરળ!! જી.એસ.ટી. પોર્ટલ પર આપવામાં આવી આ સગવડતા

Spread the love
Reading Time: 2 minutes

તા. 13.01.2023: જી.એસ.ટી. કાયદા હેઠળ જી.એસ.ટી. રિટર્ન ભરવામાં ચૂક કરનાર કરદાતાઓના જી.એસ.ટી. રજીસ્ટ્રેશન રદ્દ કરવાની સત્તા જી.એસ.ટી. અધિકારીને આપવામાં આવેલ છે. માસિક રિટર્ન ભરતા કરદાતા જેઓ ના સતત 6 મહિનાના રિટર્ન ભરવાના બાકી હોય, ત્રિમાસિક રિટર્ન ભરતા કરદાતાઑના બે ત્રિમાસિક પત્રક ભરવાના બાકી હોય, કંપોઝીશન પરવાનગી ધરાવતા કરદાતાઓ માટે જ્યારે તેઓના GSTR 04 માં ભરવાના થતાં વાર્ષિક રિટર્ન મુદત વીતી ગયા પછી ત્રણ મહિના સુધી ભરવામાં ના આવે ત્યારે જી.એસ.ટી. નોંધણી દાખલો રદ કરવાની સત્તા અધિકારીને આપવામાં આવેલ છે. આ પ્રકારે નોંધણી દાખલો રદ્દ કરવાની સત્તા જી.એસ.ટી. કાયદાની કલમ 29(2) હેઠળ ચોક્કસ આપવામાં આવેલ છે. ઓક્ટોબર 2022 થી આ કરદાતાઓને સિસ્ટમ જનરેટેડ નોટિસ આપવામાં આવી રહી છે. આ નોટિસ આપવામાં આવે ત્યારથી કરદાતાનો જી.એસ.ટી. નંબર સસ્પેન્ડ (સ્થગિત) બની જતો હોય છે.

હવે કરદાતાઓને વધુ એક સગવડતા જી.એસ.ટી. પોર્ટલ ઉપર આપવામાં આવી છે. હવેથી રિટર્ન ના ભરવાને કારણે રદ કરવામાં આવેલ નોંધણી દાખલા બાબતે કરદાતાઓ જ્યારે આ બાકી રિટર્ન ભરી આપે ત્યારે “ઇનિશિએટ ડ્રોપ પ્રોસિડિંગ” દ્વારા જી.એસ.ટી. નંબર સસ્પેન્ડ (સ્થગિત) થયો હોય તે ચાલુ કરાવવા અરજી કરવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે. એવી ફરિયાદો ઉઠી રહી હતી કે કરદાતાનો નંબર રિટર્ન ના ભરવાના કારણે સસ્પેન્ડ થયો હોય ત્યારે કરદાતા બાકી રિટર્ન ભરી આપે છતાં પણ તેઓના રજીસ્ટ્રેશન ચાલુ કરવામાં આવતા ના હતા. હવે આ નવી સગવડ મળતા કરદાતાઓના નંબર જલ્દી ચાલુ થઈ જશે તેવું માનવમાં આવી રહ્યું છે. અત્રે એ જાણવું જરૂરી છે કે આ સગવડનો ઉપયોગ માત્ર જે કરદાતાઓના જી.એસ.ટી. નંબર સસ્પેન્ડ થયા છે તેઓ જ કરી શકશે. જે કરદાતાઓના જી.એસ.ટી. નંબર સસ્પેનશન બાદ રદ કરી નાંખવામાં આવેલ છે તેઓ એ જી.એસ.ટી. હેઠળ રિવોકેશનના વિકલ્પ દ્વારા જ પોતાનો જી.એસ.ટી. નંબર પુનઃજીવિત કરાવવાનો રહેશે. “રિવોકેશન” ની પણ ઘણી અરજીઓ નિકાલ વગર પેન્ડિંગ છે તેવી પણ માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે. આવા રિવોકેશનની અરજીઓ બાબતે પણ આવી સરળ પ્રક્રિયા અમલી બનાવવામાં આવે તેવી માંગ વેપારી વર્ગમાં ઉઠી રહી છે. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે.

2 thoughts on “હવે સસ્પેન્ડ થયેલા જી.એસ.ટી. નંબર ફરી ચાલુ કરાવવા બનશે સરળ!! જી.એસ.ટી. પોર્ટલ પર આપવામાં આવી આ સગવડતા

  1. my clients GST No. suspended on 09/11/2022 and i filed returns on 09/12/2022 but I cant find “iniceate drop proceding” button

Comments are closed.

error: Content is protected !!