જી.એસ.ટી. ઓડિટ કરાવવા માંથી વેપારીઓને મળી ગઈ મુક્તિ????
2019-20 માટે તો જી.એસ.ટી. ઓડિટ કરાવવું છે જરૂરી: CBIC દ્વારા Twitter પર આપવામાં આવ્યો ખુલાસો
તા. 03.02.2021: જી.એસ.ટી. કાયદા હેઠળ નિયત ટર્નઓવર કરતાં વધુ ટર્નઓવર થતું હોય તેવા કરદાતાઓને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અથવા કોસ્ટ એકાઉન્ટન્ટ પાસે ઓડિટ કરાવવું જરૂરી હતું. આ નિયમમાં મહત્વનો ફેરફાર બજેટ 2021 દ્વારા કરવામાં આવ્યો છે. જી.એસ.ટી. ઓડિટને લગતી કલમ 35(5) તથા 44 માં આ ઓડિટની જોગવાઈ દૂર કરી નાંખવામાં આવી છે. આ ઓડિટ PAN પ્રમાણે કુલ ટર્નઓવર ઉપર કરવાનું થતું હતું. આ કારણે પણ કોઈ એક રાજ્યમાં ખૂબ નાનું ટર્નઓવર હોવા છતાં અન્ય રાજ્યોનું ટર્નઓવર નિયત મર્યાદાથી વધુ થતું હોય, કરદાતા ઉપર ઓડિટનું ભારણ નાહક વધતું હતું. હવે આ ઓડિટની જવાબદારી દૂર થતાં કરદાતાઓના “કંપલાયન્સ” ની જવાબદારીમાં ઘટાડો થશે.
ઓડિટની જવાબદારી દૂર થતાં કરદાતાઓમાં રાહતની લાગણી પ્રસરી ગઈ છે. નાણાકીય વર્ષ 2019-20 માટેના ઓડિટને પણ કરવવાની જરૂર નહીં પડે તેવું અમુક કરદાતાઓ માની રહ્યા હતા. આ અંગે સ્પષ્ટતા કરતાં CBIC એ પોતાના ઓફિશિયલ twitter હેન્ડલ ઉપર જણાવ્યુ છે કે ઓડિટ દૂર કરવા અંગેનો સુધારો ભવિષ્યની તારીખથી “નોટિફાય” કરવામાં આવશે. આ સુધારો નાણાકીય વર્ષ 2019-20 ને લાગુ પડે નહીં. CBIC દ્વારા આ ખુલાસો કરતાં એ બાબત સ્પષ્ટ થઈ ગઈ છે કે નાણાકીય વર્ષ 2019-20 માં 5 કરોડ થી વધુ ટર્નઓવર ધરાવતા કરદાતાઓએ જી.એસ.ટી. ઓડિટ કરાવવું ફરજિયાત છે. આ ઓડિટ કરવવાની મુદત 28 ફેબ્રુઆરી સુધી છે. ભવ્ય પોપટ, એડિટર ટેક્સ ટુડે.
Please note Section 35 and 44 of CGST Act are proposed to be amended in Finance Bill 2021. However, these proposals will come into effect from a date to be notified later.
For FY 2019-20, the existing provisions shall continue.
— CBIC (@cbic_india) February 2, 2021