– By ભાર્ગવ ગણાત્રા
૧) પ્રસ્તાવના:-
✓આજકાલ GSTN એટલે કે ગુડસ એન્ડ સર્વિસસ ટેકસ નેટવકૅ કે જેનું માત્ર ને માત્ર કામ એ જી.એસ.ટી. હેઠળ રજિસ્ટ્રેશનની સુવિધા, પત્રકો ભરવાની સુવિધા વગેરે વગેરે પુરી પાડવાનું છે તેમણે હવે જી.એસ.ટી. ને જી.એસ.ટી.કાયદાની જગ્યાએ પોતે કહે તેમ ચલાવવા માટે મજબુર કરી દીધું હોય એવું લાગી રહ્યું છે.
✓તો વાત એમ છે કે, તા. ૨૫/૦૯/૨૦૨૪ ના રોજ GSTN દ્વારા એડવાઈઝરી બહાર પાડવામાં આવી કે…
✓પોટૅલ પર પ્રાપ્ત થતાં વિવિધ દસ્તાવેજો જેમ કે શો કોઝ નોટિસ, આકરણીના ઓડૅરો કે રિફંડ ઓડૅર વગેરે વગેરે કે જેના પર ડિજીટલ સિગ્નેચર ના હોય તો તેવા દસ્તાવેજો ની કાયદેસરતા પર પ્રશ્ર્ન ઉભા કરવામાં આવી રહ્યા છે.
✓આથી, આ અંગે એ સ્પષ્ટ કરી દેવામાં આવે છે કે આ દસ્તાવેજો એ અધિકારી ના અધિકૃત પોટૅલ માંથી તથા ડિજીટલ સિગ્નેચર નો ઉપયોગ કરીને જ બહાર પાડવામાં આવે છે
 તથા
✓વધુમાં આ દસ્તાવેજો અધિકારીના  અધિકૃત પોટૅલ માંથી અને ડિજીટલ સિગ્નેચર મારફત જ બહાર પાડવામાં આવતા હોવાથી કોઈ ફિઝિકલ સિગ્નેચર ની પણ જરુરત જણાતી નથી.
✓તો ચાલો, આ અંગે જાણીએ કે શું છે હકીકત…
૨) શું કહે છે કાયદો ? 
✓આ અંગે જો સેન્ટ્રલ ગુડસ એન્ડ સર્વિસ ટેક્સ રુલ તથા ગુજરાત ગુડસ એન્ડ સર્વિસ ટેક્સ રુલ નો રુલ નંબર. ૨૬ નો પેટા રુલ નંબર ૩ જોઈએ તો તે જણાવે છે કે….
✓જી.એસ.ટી. કાયદા હેઠળ બહાર પાડવામાં આવતી બધી નોટિસો, બધા પત્રકો તથા બધા ઓડૅરો એ અધિકૃત અધિકારી દ્વારા ઈલેક્ટ્રોનીકલી અને કાં તો
ડિજીટલ સિગ્નેચર મારફત, કાં તો
ઈ સિગ્નેચર મારફત, કાં તો
અન્ય કોઈ રીતે કે જે બોડૅ દ્વારા આ વતી નક્કી કરવામાં આવે તે મુજબ
જ બહાર પાડવામાં આવવા જોઈએ.
✓ આમ, GSTN દ્વારા બહાર પાડવામાં આવેલી એડવાઈઝરી કે જે એવું સુચવે છે કે જો કોઈ પણ દસ્તાવેજો પોટૅલ ઉપર પ્રાપ્ત હોય તો તેમાં ડિજીટલ સિગ્નેચર ની જરુર જણાતી નથી એ ભ્રામક તથા ગેરમાર્ગે દોરનારી છે કારણ કે ..
✓જો તે દસ્તાવેજો માં ડિજીટલ સિગ્નેચર ભલે ના પણ હોય પરંતુ ઈ સિગ્નેચર હોવી તો ફરજીયાત જ જણાય છે.
૩) શું પોટૅલ ઉપર દસ્તાવેજો પુરા પાડવાથી તેમાં કોઈ સિગ્નેચર ની જરુર જણાતી નથી એવું કહી શકાય ?
✓આપણે જાણતા હોઈએ છીએ કે કાયદાના આ પ્રકારનાં એટલે કે જુદા-જુદા અથૅધટનને હિસાબે પ્રવતૅતા પ્રશ્નો માટે કરદાતાઓ મોટાભાગે નામદાર કોટૅ નો દરવાજો ખખડાવતાં જ હોય છે.
✓તો આ અંગેના જ પ્રશ્નની ખુબ રસપ્રદ ચચૉ એ નામદાર આંધ્રપ્રદેશ હાઈકોટૅ ના એસ.આર‌.કે. એન્ટરપ્રાઈઝ વિરુદ્ધ આસિસ્ટન્ટ કમિશનર ના કેસ માં કરવામાં આવી છે જે સંક્ષિપ્તમાં નીચે મુજબ જાણી શકાય છે.
✓આ કેસની અંદર કરદાતાને પોતાની વિરુધ્ધ ઓડૅર મળતાં તે નામદાર કોટૅ નો દરવાજો ખખડાવે છે જેમાં મુખ્ય દલીલો માંની એક મહત્વની દલીલ એ હોય છે કે પસાર કરવામાં આવેલ ઓડૅર પર કોઈ સિગ્નેચર નથી.
✓તો આ અંગે પોતાનો બચાવ પક્ષમાં સરકાર શ્રી ની વકીલ વતી મુખ્યતવે દલીલ કરતાં જણાવવામાં આવ્યું કે સેન્ટ્રલ ગુડસ એન્ડ સર્વિસ ટેક્સ ની કલમ ૧૬૦ મુજબ કોઈ પણ આકરણી ને કોઈ પણ ભુલ, ખામી કે અવગણના ને લીધે અયોગ્ય ઠેરવી શકાય નહીં.
✓વધુમાં, જણાવવામાં આવ્યું કે કલમ ૧૬૯ મુજબ ઓડૅર ને અધિકૃત અધિકારી દ્વારા પોટૅલ ઉપર ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે જે કારણોસર પણ ઓડૅર ની કાયદેસરતા પર પ્રશ્ન કરી શકાય નહીં.
✓આથી, નામદાર કોટૅ એ આ દલીલો ને નકારી કાઢતાં જણાવ્યું કે ઓડૅર પર સિગ્નેચર ના હોવી તેને કોઈ ભુલ, ખામી કે અવગણના ગણીને કલમ ૧૬૦ નો સહારો લઈ શકાય નહીં.
✓વધુમાં, કલમ ૧૬૯ એ પ્રક્રિયા દશૉવે છે કે જેના મારફત શો કોઝ નોટિસ કે ઓડૅર કરદાતાઓને પ્રાપ્ત થવા જોઈએ અને આ જ કારણોસર કે કલમ ૧૬૯ મુજબ ઓડૅર ને પોટૅલ ઉપર ઉપલબ્ધ કરાવવાથી સિગ્નેચર ની જરુરીયાત ને નકારી શકાય નહીં.
✓તદુપરાંત, નામદાર તેલંગાણા હાઈકોટૅ એ પોતાના સિલ્વર ઓક વિલાસ એલ.એલ.પી. વિરુધ્ધ આસિસ્ટન્ટ કમિશનર ના જજમેન્ટ માં જણાવ્યું કે રુલ ૨૬(૩) ના તાબા હેઠળ ડિજીટલ અથવા ફિઝીકલ સિગ્નેચરથી પ્રમાણીકરણ થયેલું હોવું જરુરી છે અને આ જ કારણોસર સર સિગ્નેચર વગરનો ઓડૅર કે ભલે તે પછી ડિજીટલી પ્રાપ્ત થયેલો હોય તો પણ તેને યોગ્ય ઠેરવી શકાય નહીં.
✓તદુપરાંત, નામદાર બોમ્બે હાઈકોર્ટે રામાણી સુચિત મલિસ્ટી વિરુદ્ધ યુનિયન ઓફ ઈન્ડિયા તથા નામદાર દિલ્હી હાઈકોર્ટે માગૅ ઈઆરપી લિમિટેડ વિરુદ્ધ કમિશનર ઓફ દિલ્હી ગુડસ એન્ડ સર્વિસ ટેક્સ ના ચુકાદામાં પણ કરદાતા તરફી ચુકાદો આપતાં સિગ્નેચર વગર ના ઓડૅર તથા શો કોઝ નોટિસ ને અયોગ્ય ઠેરવેલ છે.
✓આમ, GSTN દ્વારા જારી કરેલી એડવાઈઝરી કે જે એવું સુચવે છે કે માત્ર દસ્તાવેજો ને પોટૅલ પર ઉપલબ્ધ કરાવવાથી તેમાં ડિજીટલ કે ફિઝિકલ સિગ્નેચર ની જરુર જણાતી નથી તે એકદમ કોટૅ એ આપેલા ચુકાદાઓની વિરુદ્ધ જણાય છે.
૪) નિષ્કષૅ :- 
✓ અગાઉ જણાવ્યા મુજબ આ પ્રકારની સિગ્નેચર ને લગતી એડવાઈઝરી કે પછી આઈટીસી રિવસૅલ/રિકલેઈમ સ્ટેટમેન્ટ તથા IMS જેવી સિસ્ટમ થોપાડવી એ GSTN નાં પોતાના કાયૅક્ષેત્ર ની બહારનું તથા જી.એસ.ટી. કાયદાનું વિરુદ્ધનું કાયૅ છે.
✓આથી, જી.એસ.ટી. ના ભવિષ્ય ને સુગમ બનાવવા માટે એ ખુબ જરુરી છે કે GSTN એ કરદાતાઓ ને આ પ્રકારનાં કાયદા વિરુદ્ધ નાં બંધનમાં રાખવના પ્રયાસથી દુર રહે.
૫) એક્સ્ટ્રા શોટૅ :- 
✓ GSTN ની આ પ્રકાર ની અગણિત એડવાઈઝરી પરથી કિશોર કુમાર અને મહોમ્મદ રફી ની આગોતરી માફી માંગતા GSTN નું ગીત ગાવાનું મન થાય કે….
બને ચાહે દુશ્મન ઝમાના હમારા,
લેકિન લેકિન લેકિન…
સલામત રહે એડવાઈઝરી કા સિલસિલા હમારા!
~ અ સોન્ગ બાય GSTN