વેટ હેઠળ બાકી લેણા અંગે ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવી માફી યોજના!! શું તમને મળશે આ યોજનાથી કોઈ લાભ???

Spread the love
Reading Time: 3 minutes

જી.એસ.ટી. માં “માઈગ્રેટ” થયા હોય અને ધંધો ચાલુ હોય તેવા વેપારીઓ માટે આ યોજનામાં નથી કોઈ લાભ

તા. 06.10.2022: ગુજરાત સરકાર દ્વારા વેચાણ વેરા, મૂલ્ય વર્ધિત વેરા તથા કેન્દ્રિય વેચાણ વેરા હેઠળ જૂની બાકી માંગણા સંદર્ભે મહત્વની રાહત આપવામાં આવી છે. આ અંગેનો ઠરાવ 06 ઓક્ટોબરના રોજ બહાર પાડવામાં આવ્યો છે. આ ઠરાવની મુખ્ય જોગવાઈ નીચે મુજબ છે.

આ યોજનાની મહત્વની જોગવાઈઑ નીચે મુજબ છે.

 • આ યોજના હેઠળ ગુજરાત વેચાણ વેરા અધિનિયમ 1969, કેન્દ્રિય વેચાણવેરા અધિનિયમ 1956 તથા ગુજરાત મૂલ્ય વર્ધિત વેરા અધિનિયમ 2003 કાયદા હેઠળ પસાર કરવામાં આવેલ આકારણી, ઓડિટ આકારણી, ફેર આકારણી, ફેર તપસ, ઇસ્યુ બેઇઝ આકારણી, ભૂલ સુધારણા આદેશને લાગુ પડશે.
 • આ યોજના હેઠળ નાણાકીય મર્યાદાની ગણતરી માટે ત્રણે કાયદાને અલગ અલગ રીતે ગણવાના રહેશે.
 • ઉપરોક્ત કાયદા અન્વયે 31.08.2022 સુધી પસાર કરવામાં આવેલ આદેશોને આ યોજના હેઠળ ધ્યાને લેવાના રહેશે.
 • 01.09.2022 પહેલા રાજ્ય વેરા વિભાગ દ્વારા કોઈ આકારણી, ફેર આકારણી, ફેર તપાસ, ભૂલ સુધારણા અથવા ઇસ્યુ બેઇઝ આકારણીની કાર્યવાહી પડતર હોય તે વેપારીને આ યોજનાનો લાભ મળશે નહીં.
 • 31.03.2006 સુધીના વ્યવહારો માટે ગુજરાત વેચાણ વેરા અધિનિયમ તથા કેન્દ્રિય વેચાણ વેરા અધિનિયમ હેઠળ ઉપસ્થિત થયેલ ડિમાન્ડ પૈકી જે જે વર્ષ માટે આખરી આદેશ મુજબ ડિમાન્ડ 1 લાખથી વધુ ના હોય તેવા દરેક વર્ષ માટે વેપારીને આ યોજનાનો લાભ મળશે.
 • 01.04.2006 થી 31.03.2017 (ખરેખર 30.06.2017 હોવું જોઈએ) સુધીના વ્યવહારો માટે ગુજરાત વેલ્યૂ એડેડ ટેક્સ કાયદા તથા કેન્દ્રિય વેચાણ વેરા કાયદા હેઠળ પ્રત્યેક કાયદા દીઠ તમામ વર્ષોની કુલ ડિમાન્ડ 50000 થી વધુ ના હોય તેવા કરદાતાઓ ને આ યોજના હેઠળ લાભ મળશે.
 • આ યોજના હેઠળ ઉપસ્થિત થયેલ ડિમાન્ડનો અર્થ આખરી આદેશ મુજબની વેરા, વ્યાજ તથા દંડ એમ ત્રણે સહિતની કુલ રકમને ગણવાની રહેશે.
 • કોઈ આકારણી આદેશમાં માત્ર દંડ તથા વ્યાજનો જ આદેશ થયેલ હોય તેવા કિસ્સઑમાં પણ આ યોજના લાગુ પડશે.
 • માલનું વેચાણ કર્યા વગર માત્ર વેચાણ બિલો આપવામાં આવ્યા હોય તેવા બોગસ બિલિંગના કેસોને આ યોજના લાગુ પડશે નહીં.
 • આ યોજના માત્ર એવા વેપારીઓને લાગુ પડશે જેઓ જી.એસ.ટી. હેઠળ “માઈગ્રેટ” થયેલ નથી તથા આ યોજનાના ઠરાવની તારીખે તેઓનો ધંધો બંધ છે તો જ આ યોજના નો લાભ મળવા પાત્ર થશે.
 • જે વેપારીઓને ભારત સરકારે ભાગેડુ જાહેર કર્યા હોય તેઓના સંદર્ભે આ યોજનાનો લાભ મળવા પાત્ર નથી.
 • આ યોજના હેઠળ આકારણી, ઓડિટ આકારણી, ફેર આકારણી, ફેર તપસ, ઇસ્યુ બેઇઝ આકારણી, ભૂલ સુધારણા આદેશ સામે અપીલ પડતર હોય તે અપીલ સત્તાધિકારી દ્વારા અપીલ દફતરે કરવાની રહેશે.
 • જો કોઈ વેપારી પોતાની પડતર અપીલ દફતરે કરાવવા ના માંગતા હોય અને આગળ ચલાવવા માંગતા હોય અને આ યોજના હેઠળ લાભ ના લેવા માંગતા હોય તેઓએ આ તારની તારીખથી દિન 30 માં સંબંધિત અપીલ અધિકારીને આ અંગે લેખિત જાણ કરવાની રહેશે.
 • આ યોજના હેઠળ લાભ આપવામાં આવે ત્યારે કોઈ રિફંડ ઉપસ્થિત થાય તો કોઈ રિફંડ વેપારીને મળવા પાત્ર થશે નહીં.
 • આ યોજનાનો લાભ લેવા વેપારીએ કોઈ અરજી કરવાની રહેતી નથી. અધિકારી દ્વારા આ ઠરાવ મુજબની શરતો ચકાસી આ યોજનાનો લાભ વેપારીને આપવાનો થાય છે.

છેલ્લા ઘણા સમયથી રાજ્ય વેરા ખાતા દ્વારા વસૂલાતની ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી હતી. કર નિષ્ણાતો માની રહ્યા હતા કે આ ઝુંબેશ ટૂંક સમયમાં બહાર પાડવામાં આવનાર વેરા સમાધાન યોજનાના સંકેતો ગણી શકાય. કર નિષ્ણાતોની આ માન્યતા સાચી ઠરી છે અને વેપારીઓ માટે વેરા સમાધાન નહીં પરંતુ વેરા માંડવાળ (માફી) યોજના બહાર પાડવામાં આવેલ છે. વેપારીઓના હિતમાં બહાર પાડવામાં આવતી માફી, સમાધાન યોજના ચોક્કસ આવકારદાયક છે પરંતુ આ યોજના હેઠળ અમુક પ્રશ્નો નિષ્ણાતોમાં ચર્ચાનો વિષય બની ગયેલ છે. આ યોજનામાં જી.એસ.ટી. નંબર ચાલુ હોય તેવા વેપારીઓને કોઈ લાભ આપવામાં આવ્યો નથી. આ બાબત વિચારવા યોગ્ય છે કે શું જી.એસ.ટી. હેઠળ માઈગ્રેટ થયા તે અંગેનો દંડ કોઈ વેપારીને આપવો યોગ્ય ગણાય? આ ઉપરાંત આ યોજનાની જોગવાઈ મુજબ ચાલુ હોય તેવી પેઢીને આ યોજનાનો લાભ મળશે નહીં. હવે પ્રશ્ન એ ઊભો થાય કે વેપારીનો ધંધો ચાલ છે કે બંધ તે કેવી રીતે નક્કી કરવું?? શું આ માટે અધિકારી દ્વારા સ્થળ તપાસ કરવામાં આવશે? શું કોઈ વેપારીએ વેટ કે સેલ્સ ટેક્સ નંબર રદ કરાવ્યો હોય પણ વેપાર નાના પાયે ચાલુ હોય તેવા વેપારીને આ યોજનાનો લાભ મળશે કે નહીં? 1969 થી લાગુ થયેલ સેલ્સ ટેક્સ કાયદા હેઠળ નાણાકીય મર્યાદા દર વર્ષ માટે 1 લાખ જેવી મોટી રાખવામા આવેલ છે પરંતુ 2006 થી લાગુ થયેલ વેટ કાયદા હેઠળ કુલ નાણાકીય મર્યાદા 50 હજાર જેવી સામાન્ય રાખવામા આવેલ છે. શું મોંઘવારીની રૂએ આ બાબત યોગ્ય ગણાય? આ તમામ પ્રશ્નો ચર્ચાનો વિષય બની રહ્યા છે. કોઈ પણ યોજનાની ટીકા કરવી ચોક્કસ સહેલી છે પરંતુ આ યોજના ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવી તે  વેપારીઓ માટે રાહતના સમાચાર તો ચોક્કસ ગણી શકાય!!   ભવ્ય પોપટ, ટેક્સ ટુડે

આ સ્કીમ બાબતે મહત્વના પ્રશ્ન જવાબ અંગેનો વિડીયો જોવા નીચેની લિન્ક ક્લિક કરવા વિનંતી

error: Content is protected !!