જી.એસ.ટી. હેઠળ ત્રિમાસિક કરદાતાઓને નહીં મળે આ લાભ!!
30 નવેમ્બર સુધી ભરવામાં આવેલ રિટર્નમાં જ માંગી શકાશે પાછલા વર્ષની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ: CBIC પ્રેસનોટ
તા. 05.10.2022: જી.એસ.ટી. હેઠળ પાછલા વર્ષની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ ક્લેઇમ કરવાં માટે તથા વેચાણ અંગેની વિગતોમાં સુધારા કરવા માટેના સમય વધારો કરવા અંગેની બજેટ 2022 ની જોગવાઇઓ હાલમાં નોટિફિકેશન દ્વારા અમલી બનાવવામાં આવેલ છે. આ સુધારા સુધી, કરદાતા પોતાની પાછલા વર્ષની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ સપ્ટેમ્બર મહિનાના રિટર્નની મુદત સુધી જ ક્લેઇમ કરી શકતા હતા. આ જોગવાઈઑ અમલી બની જતાં કરદાતાઓ હવે આ પાછલા વર્ષની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ 30 નવેમ્બર સુધી ક્લેઇમ કરી શકશે. આવી જ રીતે પોતાના વેચાણ અંગે આપવામાં આવેલ વિગતોમાં પણ કરદાતાઓ માત્ર સપ્ટેમ્બર મહિનાના રિટર્ન સુધી કરી શકતા હતા. હવે જી.એસ.ટી.ના કાયદા માં સુધારો કરવામાં આવ્યો છે અને આ સુધારા નવેમ્બર મહિના સુધી થઈ શકે છે.
આ સુધારાઓ લાગુ થતાં બે મહત્વના પ્રશ્નો અંગે દ્વિધા અનુભવવામાં આવી રહી હતી. પ્રથમ દ્વિધા એ ઊભી થઈ રહી હતી કે 01 ઓક્ટોબરથી લાગુ કરવામાં આવેલ આ સુધારાઓ નાણાકીય વર્ષ 2021-22 થી અમલી બનશે કે નાણાકીય વર્ષ 2022-23 થી અમલી બનશે. આ અંગે મહત્વનો આવકારદાયક ખુલાસો કરતાં સેંટરલ બોર્ડ ઓફ ઇંડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સ (CBIC) દ્વારા 04 ઓક્ટોબર 2022 ના રોજ પ્રેસ વિજ્ઞપ્તિ બહાર પાડી સ્પષ્ટતા કરેલ છે કે આ સુધારાઓ પાછલા વર્ષ એટ્લે કે 2021-22 થી જ લાગુ થઈ જશે. આ ઉપરાંત અન્ય એક દ્વિધા એ ઊભી થઈ રહી હતી કે શું ઓક્ટોબર મહિનાના માસિક રિટર્ન કે જેની મુદત નવેમ્બરમાં આવે અને ત્રિમાસિક રિટર્ન ના બીજા ક્વાટરના રિટર્ન માટેની મુદતમાં કોઈ વધારો કરવામાં આવ્યો છે કે નહીં? આ અંગે ખુલાસો કરતાં CBIC એ સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ ઓક્ટોબર મહિનાના માસિક રિટર્ન કે સપ્ટેમ્બર મહિનાના ત્રિમાસિક રિટર્નની મુદતમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. પાછલા વર્ષની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ ક્લેઇમ કરવા કે વેચાણની વિગતોમાં સુધારો કરવા 30 નવેમ્બર સુધીની સમય મર્યાદા આ અંગે પણ ખુલાસો કરતાં આ પ્રેસ વિજ્ઞપ્તિમાં જણાવવામાં આવ્યું છે કે કરદાતાએ વધારાની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ કે વેચાણની વિગતોમાં કરવાના થતાં સુધારાઓ 30 નવેમ્બર સુધી ભરવામાં આવતા રિટર્નમાં જ કરી આપવાના રહેશે.
પ્રેસ વિજ્ઞપ્તિ દ્વારા આ ખુલાસો કરવામાં આવતા એક બાબત સ્પષ્ટ થઈ ગઈ છે કે જી.એસ.ટી. હેઠળ QRMP હેઠળ ત્રિમાસિક રિટર્ન ભરતા કરદાતાઓએ બીજા ત્રિમાસના રિટર્ન માંજ પોતાની નાણાકીય વર્ષ 2021-22 ની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ મેળવી લેવાની રહેશે. આ રિટર્ન બાદ તેઓનું ત્રિમાસિક રિટર્ન જાન્યુઆરીમાં ભરવાનું થશે, જ્યારે જી.એસ.ટી. ની કલમ 16(4) હેઠળ ની સમય મર્યાદા પૂરી થઈ ગઈ ગણાશે. આ અંગે વાત કરતાં જુનાગઢના એડવોકેટ પ્રતિક મિશ્રાણી ટેક્સ ટુડેને જણાવે છે કે “જી.એસ.ટી. હેઠળ પાછલા વર્ષોની ક્રેડિટ ક્લેઇમ કરવામાં જે વધારો કરવામાં આવ્યો છે તેનો લાભ ત્રિમાસિક રિટર્ન ભરતા કરદાતાઓને સામાન્ય સંજોગોમાં મળશે નહીં. તેઓએ 2021-22 ની ક્રેડિટ સપ્ટેમ્બર મહિનાના રિટર્નમાંજ ક્લેઇમ કરી લેવાની રહેશે. હા, માત્ર તેઓ માટે આ વધારાનો લાભ એ જ ગણી શકાય કે તેઓ હવે સપ્ટેમ્બર મહિનાનું રિટર્ન 30 નવેમ્બર સુધીમાં (લાઇટ ફી) સાથે ભરે તો તેઓને આ વધારાની સમય મર્યાદાનો લાભ મળી શકે. ખરેખર ત્રિમાસિક કરદાતાઓ આ વધારાની મર્યાદાનો લાભ લઈ શકે તે માટે ક્રેડિટ ક્લેઇમ કરવાની મુદત 31 જાન્યુઆરી કરવી જરૂરી હતી”. આમ, સામાન્ય રીતે જી.એસ.ટી. હેઠળ નાના કરદાતાઓ ગણાતા QRMP કરદાતાઓને જી.એસ.ટી. હેઠળ કલમ 16(4) ના વધારાના સમયનો લાભ મળશે નહીં. ભવ્ય પોપટ, એડિટર, ટેક્સ ટુડે