જી.એસ.ટી. હેઠળ 01 ઓક્ટોબરથી લાગુ થશે આ મહત્વના ફેરફારો

Spread the love
Reading Time: 3 minutes

તા. 04.10.2022

By Bhavya Popat

બજેટ 2022 માં જી.એસ.ટી. હેઠળ ઘણા ફેરફારો પસાર કરવામાં આવ્યા હતા. આ ફેરફારો લાગુ કરવા અંગે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યા ના હતા. હવે લગભગ બજેટ લાગુ થયાના છ મહિના પછી, જી.એસ.ટી. હેઠળના બજેટ 2022 માં પસાર કરવામાં આવેલ ફેરફાર લાગુ કરતાં નોટિફિકેશન 28.09.2022 ના રોજ બહાર પાડવામાં આવ્યા છે. આ નોટિફિકેશનની મહત્વની બાબતો પર વાંચકોનું ધ્યાન દોરવા આ લેખમાં પ્રયાસ કરવામાં આવ્યો છે.

  1. પાછલા વર્ષની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ લેવા હવે કરદાતાઓને મળશે વધુ સમય:

આપણે સૌ જાણીએ છીએ કે જી.એસ.ટી. હેઠળ કરદાતા દ્વારા ભરવામાં આવેલ રિટર્ન રિવાઈઝ કરવાની કોઈ જોગવાઈ નથી. કરદાતા કોઈ ઈન્પુટ ટેકસ ક્રેડિટ જે મહિનામાં બિલ ઇસસ્યું થયું છે તે મહિનામાં લેતા રહી ગયા હોય તો તેઓ આ ક્રેડિટ ત્યાર પછીના રિટર્નમાં લાઈ શકે છે. હાલના નિયમો અનુસાર પાછલા નાણાકીય વર્ષને લગતી ઈન્પુટ ટેક્સ ક્રેડિટ પછીના વર્ષમાં સપ્ટેમ્બર મહિનાના GSTR 3B ની મુદત સુધી જ લઈ શકાતી હતી. હવે આ નિયમમાં 01 ઓક્ટોબર 2022 થી ફેરફાર કરી પાછલા વર્ષની ક્રેડિટ પછીના વર્ષના નવેમ્બર મહિના સુધી લઈ શકાશે. નાણાકીય વર્ષ 2021 22 ની કોઈ ક્રેડિટ લેવાની ક્દરદાતા દ્વારા રહી ગઈ હોય તો તેઓ આ ક્રેડિટ હવે 30 નવેમ્બર સુધી લઈ શકશે. આ ફેરફાર 01.10.2022 થી અમલી બનાવવામાં આવેલ છે. નિષ્ણાતો એ બાબતે દ્વિધા અનુભવી રહ્યા છે કે 30 નવેમ્બર સુધી ક્રેડિટ લેવા બાબતે માસિક રિટર્ન ભરતા કરદાતા માટે તો ચોક્કસ આવકારદાયક રહેશે પરંતુ નાના કરદાતાઓ જેઓએ ત્રિમાસિક રિટર્ન (QRMP) ભરવાનો વિકલ્પ સ્વીકારેલ હોય તેઓ નવેમ્બર મહિનામાં ક્રેડિટ કેવી રીતે લઈ શકેશે. સામાન્ય રીતે પોતાની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ અને આઉટપુટ ટેક્સની ગણતરી કરી ત્રિમાસિક રિટર્ન ભરતા કરદાતા PMT 06 દ્વારા પોતાનો સેલ્ફ એસેસમેંટ ટેક્સ ભરતા હોય છે. પરંતુ ક્રેડિટ લેજરમાં તો તેઓની ત્રીજા ક્વાટરની ક્રેડિટ સામાન્ય રીતે જાન્યુઆરી માંજ જમા થતી હોય છે. શું આ આવકારદાયક સુધારાનો લાભ નાના ગણી શકાય તેવા ત્રિમાસિક રિટર્ન ભરતા કરદાતાઓને નહીં મળે??. આ અંગે જી.એસ.ટી. નું નિયમન કરતી સર્વોચ્ચ સંસ્થા સેન્ટરલ બોર્ડ ઓફ ઇંડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમ્સ (CBIC) જલ્દી ખુલાસો બહાર પાડે તેવી અપેક્ષા સેવાઇ રહી છે.

  1. પાછલા વર્ષની વેચાણની વિગતો સુધારવા પણ કરદાતાને મળશે વધુ તક:

અગાઉ આ લેખમાં જણાવ્યુ છે તેમ જી.એસ.ટી. હેઠળ રિટર્ન રીવાઇઝ કરવાની જોગવાઈ નથી. કરદાતાએ પોતે ભરેલા રિટર્નમાં કોઈ ફેરફાર કરવા હોય તો તે ફેરફાર ત્યાર બાદના રિટર્નમાં નિયત મુદતની મર્યાદા સુધી કરી શકે છે. હાલ આ નિયત મર્યાદા જે તે વર્ષ પછીના વર્ષના સપ્ટેમ્બર મહિના સુધીની હતી. હવે 01.10.2022 થી લાગુ થતાં સુધારા મુજબ કરદાતા દ્વારા ભરવામાં આવતું વેચાણ અંગેનું ફોર્મ GSTR 1 માં પાછલા વર્ષમાં કોઈ ફેરફાર કરવા હશે તો આ ફેરફાર તેઓ હવે કાયદામાં કરવામાં આવેલ સુધારા પછી 30 નવેમ્બર સુધી કરી શકાશે.

  1. 10 કરોડ ઉપરના ટર્નઓવર માટે ઇ ઇંવોઇસ બનાવવું ફરજિયાત:

જી.એસ.ટી. લાગુ થયો છે ત્યારથી કોઈ પણ પાછલા વર્ષમાં જે કરદાતાનું ટર્નઓવર 10 કરોડથી વધુ હોય તેવા કરદાતાઓ માટે 01 ઓક્ટોબરથી ઇ ઇંવોઇસ બનાવવું ફરજિયાત બની જશે. આ પહેલા આ મર્યાદા 20 કરોડના ટર્નઓવરની હતી. આ સુધારો અમલી બની જતાં અનેક નવા કરદાતાઓએ પોતાની ઇંવોઇસ (બિલ) બનાવવાની પદ્ધતિમાં ફેરફાર કરવાનો રહેશે. એ બાબત જાણવી જરૂરી છે કે કરદાતા જ્યારે B2B (અન્ય જી.એસ.ટી. ધરાવતા કરદાતાને વેચાણ કરે) ઇંવોઇસ બનાવે અથવા EXPORT ના વ્યવહારો કરે તેમાં  E-INVOICE ફરજીયાત છે. જ્યારે B2C (ગ્રાહક અથવા જી.એસ.ટી. નંબર ના ધરાવતા કરદાતા) ના વ્યવહારમાં E-INVOICE ફરજીયાત નથી. એવી જ રીતે NILL RATE અને EXEMPTED SUPPLIES માં E-INVOICE લાગુ નથી પડતું. આ ઉપરાંત એ બાબત પણ જાણવી જરૂરી છે કે ઇ ઇંવોઇસ લાગુ પડતું હોય ત્યારે ટેક્સ ઇંવોઇસ તથા જે તે ઇ ઇનોવિસ સંબંધિત ક્રેડિટ અને ડેબિટ નોટ પણ ઇ ઇંવોઇસ સ્વરૂપે આપવાની થાય છે. અત્રે એ પણ સ્પષ્ટ કરવું જરૂરી છે કે ઇ ઇંવોઇસ બનાવવાના કારણે વેપારીની ઇ વે બિલ બનાવવાની જવાબદારીમાં કોઈ ફેર પડતો નથી. ઇ ઇંવોઇસ બનાવવામાં આવ્યું હોય ત્યાં પણ ઇ વે બિલ અંગેની જોગવાઈ તો લાગુ પડે જ છે. ઇ ઇંવોઇસ એક ઈલેક્ટ્રોનિક સ્વરૂપનું ઇંવોઇસ હોય તેની પ્રિન્ટ રાખવી જરૂરી નથી. માત્ર ઇ ઇંવોઇસ રેફરન્સ નંબર રાખવો પૂરતો ગણાય. જે કરદાતા માટે ઇ ઇંવોઇસ બનાવવું ફરજિયાત હોય તેઓ જો આ જોગવાઈ મુજબ ઇ ઇંવોઇસ ના બનાવે તો તેઓનું બિલ જી.એસ.ટી. હેઠળ માન્ય બિલ ગણાય નહીં. બિલ ના બનાવવા અંગેની દંડની જોગવાઈ આવા વેપારીઓને લાગુ પડે. એટલું જ નહીં, આ પ્રકારના કરદાતા પાસેથી ખરીદી કરનારને પણ ઈન્પુટ ટેક્સ ક્રેડિટ મળી શકે નહીં. જી.એસ.ટી. પોર્ટલ ઉપર પોતાના વેચનાર ઇ ઇંવોઇસ બનાવવા જવાબદાર છે કે નહીં તે ચેક કરવાની સગવડ ખરીદનાર કરદાતાને આપવામાં આવેલ છે.

  1. GSTR 2 અને 3 ને આપવામાં આવેલ વિધિવત જાકારો:

જી.એસ.ટી. લાગુ થયો ત્યારે રિટર્ન ભરવાની મૂળભૂત પદ્ધતિ GSTR 1, 2, 3 ભરવાની હતી. પરંતુ જમીની સ્તરે આ પદ્ધતિ શક્ય ના બની શકી હતી. આ કારણે GSTR 1 તથા GSTR 3B દ્વારા રિટર્ન ભરવાની પદ્ધતિ લાગુ કરવામાં આવી હતી. હવે, આ જી.એસ.ટી. હેઠળ GSTR 2 અને GSTR 3 ને વિધિવત રીતે રદ કરતાં કાયદામાંથી હટાવી લેવામાં આવી છે.

જી.એસ.ટી. હેઠળ ઉપરના ફેરફારો તમામ કરદાતાઓ-વેપારીઓને અસર કરે છે. આ ફેરફારો જાણવા વાંચકો માટે ખૂબ જરૂરી છે.

(આ લેખ જાણીતા ગુજરાતી દૈનિક ફૂલછાબની વ્યાપારભૂમિ પૂર્તિમાં તારીખ 3.10.2022 ના રોજ પ્રકાશિત થયેલ છે)   

error: Content is protected !!